મા દુર્ગા એટલે કે શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનું જેટલું મહત્ત્વ ગુજરાતમાં છે, તેટલું જ વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ છે. હિન્દુ ધર્મના આ પર્વને ધ્યાને લઈ ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે સોનેરી સંગતના 70મા અધ્યાયની ચર્ચા મા શક્તિને જ સમર્પિત કરી.
નવલાં નોરતાંને સમર્પિત આ ચર્ચામાં સંગીત જગતના દિગ્ગજોમાં યુકે-લંડનસ્થિત મહેશ ગઢવીની બેલડી, સુગમ-ભક્તિ સંગીતમાં મોટું નામ એવાં હેમાબહેન-આસિતભાઈના પુત્ર અને 8 વર્ષ સુધી ઉસ્તાદ અલ્લારખા પાસેથી તાલીમ લેનારા આલાપભાઈ દેસાઈ અને સંગીત વિષારદ ગાર્ગીબહેન વોરાનો સમાવેશ થાય છે. આ સાથે વક્તા રાજેન્દ્રભાઈ જાની અને ધીરુભાઈ ગઢવી પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
આ સાથે કાર્યક્રમનું સંચાલન કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહ દ્વારા ગાર્ગીબહેન વોરા અને આલાપ દેસાઈને માતાજીની સ્તુતિ કરવા આગ્રહ કર્યો. આ આગ્રહને માન આપી બંનેએ ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ ગાઈ સૌકોઈને ડોલાવ્યા હતા.
માતાજીને સમર્પિત સુંદર પંક્તિઓ સાંભળ્યા બાદ જ્યોત્સનાબહેન શાહે મહેશભાઈ ગઢવીને આમંત્રણ આપતાં પૂછયું આપે ગાયકીક્ષેત્રે ક્યારે પ્રવેશ કર્યો? કયા ગીતથી નામના મળી?
મહેશભાઈ ગઢવીઃ 10થી 11 વર્ષની ઉંમરે મેં ગાવાનું શરૂ કર્યું હતું અને 12 વર્ષની ઉંમરથી કલાકારો સાથે મેં દારે સલામથી સ્ટેજ પ્રોગ્રામ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ હું લંડન આવ્યો. તે સમયે 1968-69માં પ્રફુલ્લ પટેલ અને રમેશ પટેલના નવકલા ગ્રૂપમાં હું મેઇન સિંગર તરીકે જોડાયો. 1971માં મારું એક આલબમ બહાર પડ્યું ‘આપ કી પસંદ’. આ આલબમમાં મેં સર્વપ્રથમ ‘ઘુંઘરુ તૂટ ગયે’ ગાયું. વર્ષો બાદ મારાં ભાભીના ભાઈ પંકજ ઉધાસે ’80ના દાયકામાં આ ગીત અને આલબમને ઇન્ડિયામાં રિલીઝ કર્યા અને તે ખૂબ લોકપ્રિય બન્યાં.
1975માં એક આલબમ બન્યું ‘તેરી યાદ આઇ’, જે યુકેમાં ખૂબ લોકપ્રિય બન્યું. હું બોમ્બે ગયો ત્યારે હૃદયનાથ મંગેશકરે મારું એક સુંદર આલબમ બનાવ્યું, જેમાં હૃદયનાથજી અને લતાજીએ ખૂબ મહેનત કરી હતી. 1983માં ફિરોઝખાન લંડન આવ્યા હતા, જેમનેે મારો અવાજ ગમતાં જાંબાઝ ફિલ્મમાં મારાં 3 ગીત રેકોર્ડ કર્યાં, જે પૈકી એક ગીત નીતુએ પણ ગાયું હતું. જાંબાઝનું ટાઇટલ ગીત મેં ગાયું, તે સિવાય ‘જાનેજાના’ અને અમરીશ પુરી પર ફિલ્માંકન કરાયેલું અન્ય એક ગીત પણ ગાયું.
મહેશ ગઢવીની અંતરંગ વાતો જાણ્યા બાદ મહેશભાઈએ ‘હે કુંજલડી રે સંદેશો અમારો’ ગરબો ગાઈ ગુજરાતી સંગીત અને પરંપરાગત ગરબાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. આ સિવાય મહેશભાઈએ ‘તારી આંખનો અફીણી’ ગઝલ ગાઈ સૌકોઈને ડોલાવ્યા હતા.
મહેશભાઈ અંગે જાણ્યા બાદ જ્યોત્સનાબહેને આલાપભાઈને પૂછયું ‘લેસ્ટર અને ગુજરાતના ખેલૈયામાં ફરક લાગે છે?’
આલાપભાઈઃ ખેલૈયાઓનું મન માતાજી તરફ વળેલું છે. દુનિયાના કોઈપણ ખૂણે ખેલૈયાઓને માતાજીની આરાધના કરવી જ હોય છે. બધા એકસમાન છે, બધાને ગરબા-રાસ રમી મજા કરવી છે, માત્ર ગરબાના સ્ટેપ અલગ હોય છે.
સુગમસંગીત ક્ષેત્રે પ્રવેશ ક્યારે? કયા ગીતથી લોકપ્રિય થયા?
મને ગળથૂંથીમાં જ સંગીત સંસ્કાર પ્રાપ્ત થયા છે. અમારા ઘરે જે લોકો આવતા તે પણ સંગીત સાથે જોડાયેલા, વાતો પણ સંગીતની થતી અને જે કાર્ય થતું તે પણ સંગીતનું હતું. સંગીત સિવાય બિઝનેસ કે પોલિટિક્સની વાત મેં આજદિન સુધી મારા ઘરમાં નથી સાંભળી, માત્ર સંગીત અને સર્જનની વાતો જ થાય છે. મારી પત્ની સ્નેહા લેખક છે, જેણે ફિલ્મ ‘લાપતા લેડીઝ’ લખી છે. એટલે હવે મારાં પત્નીની સર્જનાત્મકતા પણ અમારા પરિવારમાં પ્રસરી ચૂકી છે.
આલાપભાઈ દેસાઈના કરિયર અંગે જાણ્યા બાદ જ્યોત્સનાબહેનના આગ્રહથી આલાપભાઈએ તેમના પિતા આસિતભાઈ દ્વારા લિખિત ‘કુમ-કુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ’ ગાઈને માહોલને ભક્તિસભર બનાવી દીધો હતો.
જ્યોત્સનાબહેનઃ ગાર્ગીબહેન આપ ગાયકી ક્ષેત્રે કઈ રીતે આવ્યાં?
ગાર્ગીબહેનઃ મને ગાયકી મારા દાદા કવિ ભાસ્કર વોરા તરફથી વિરાસતમાં મળી છે. મારા પિતા પણ બહુ સારા ગાયક છે, આમ હું પહેલેથી સંગીતના સંસ્કાર સાથે મોટી થઈ છું. હાલમાં હું ક્લાસિકલ શીખી રહી છું અને સુગમ સંગીત ગાઉં છું. સંગીતક્ષેત્રે મને ‘સખી મારો સાહ્યબો સૂતો’થી પ્રસિદ્ધિ મળી છે. ગાર્ગીબહેને તેમના જીવનની અલપઝલપ આપ્યા બાદ તેમનું જાણીતું ગીત ‘સખી મારો સાહ્યબો સૂતો’ લલકાર્યું હતું. ગાર્ગીબહેનના સુંદર ગીત બાદ આલાપભાઈ અને ગાર્ગીબહેને ડ્યૂઇટ સોંગ ‘કેવા રે મળેલા મનના મેળ’ ગાઈ તેમની ગાયકીની પ્રતિભાથી સૌને પ્રભાવિત કર્યા હતા. ગાર્ગીબહેન અને આલાપભાઈ પાસેથી સુંદર ગીતનું રસપાન કર્યા બાદ જ્યોત્સનાબહેને આરાસુરી અંબાજી મંદિરમાં પૂર્વ હિસાબી અધિકારી અને વકીલ રાજેન્દ્રભાઈ જાનીને આમંત્રણ આપ્યું.
રાજેન્દ્રભાઈ જાનીઃ હિમાલય કરતાં પણ જૂની વિંધ્યાચળની ગિરિમાળાઓમાં આવેલું અંબાજી મંદિર દેશનાં સૌથી વધુ આસ્થા ધરાવતાં મંદિરો પૈકી એક છે. ક્રોધે ભરાયેલા શિવ જ્યારે સતિના નિર્જીવ દેહ સાથે જતા હતા અને વિષ્ણુ ભગવાને તેમના ક્રોધને શાંત કરવા સતિના શરીરના 51 ટુકડા કર્યા. વિશ્વમાં જે-જે જગ્યા પર સતિના શરીરનાં અંગો પડ્યાં તે શક્તિપીઠો કહેવાઈ. આમ આ 51 શક્તિપીઠો પૈકી અંબાજી પણ એક છે, જ્યાં તેમનું હૃદય પડ્યું હોવાનું કહેવાય છે.
અંબાજી મંદિરમાં જે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે તેમાં સૌપ્રથમ સિદ્ધપુરના બ્રાહ્મણો દ્વારા ઘટસ્થાપન કરવામાં આવે છે. આ વિધિ અંતર્ગત જ્વારા વાવી ધાર્મિકવિધિ કરવામાં આવે છે. ભાદરવી પૂનમે ભારતભરથી લોકો અંબાજી આવે છે અને નવરાત્રી દરમિયાન આવવા માટે માતાજીને ભાવભર્યું નિમંત્રણ આપે છે.
અંબાજી મંદિરમાં ખરેખર તો માતાજીની કોઈ મૂર્તિ છે જ નહીં, ત્યાં સિદ્ધપુરના બ્રાહ્મણો દ્વારા યંત્રની પૂજા થાય છે. મંદિરમાં મૂર્તિ જેવી આભા ઊભી કરાય છે, પરંતુ ત્યાં કોઈ મૂર્તિ છે જ નહીં. જવલ્લે જ જોવા મળે છે કે જ્યાં માતાજી કે ભગવાનની પૂજા થતી હોય, પરંતુ ભગવાનની મૂર્તિ જ ન હોય. સિદ્ધપુરના આ બ્રાહ્મણો જ્યારે પૂજા કરે છે ત્યારે આંખે પાટા બાંધી રાખે છે. આ સમયે એટલી ગરમી ઊભી થાય છે કે તેઓ રહી પણ નથી શકતા.
રાજેન્દ્રભાઈ પાસેથી મંદિર અને માતાજી અંગે જાણ્યા બાદ જ્યોત્સનાબહેને મા શક્તિના ઉપાસક ધીરુભાઈ ગઢવીને આમંત્રણ આપ્યું અને માતાજીની આરાધના અંગે જણાવવા કહ્યું.
ધીરુભાઈએ સૌપ્રથમ ‘આવો તો રમવા ને’ અને ‘ખોડલ તારી દુનિયાની’ ગરબાની પંક્તિ દ્વારા કાર્યક્રમમાં હાજર સૌકોઈને શક્તિની ભક્તિમાં લીન કરી દીધા હતા. જે બાદ ધીરુભાઈએ ગઢવીએ કહ્યું, આપણને નાનપણથી સ્ત્રીશક્તિના ત્યાગ અને બલિદાન અંગેની સમજ કેળવવામાં આવી છે, એટલે જ આપણે સહુ શક્તિ ઉપાસકો છીએ. હાલમાં ચાલતા નવરાત્રીના પર્વને પણ શક્તિ સાથેનો સંબંધ છે, ત્યારે આપણે સૌએ તેને આવકારવી જોઈએ. ધીરુભાઈએ કવિ દાદનો મોગલમાતા અંગેનો ગરબો ‘હે મોગલ આવે’ લલકાર્યો હતો.
ત્યારબાદ મહેશભાઈ ગઢવી અને ધીરુભાઈ ગઢવીની બેલડીએ ‘હે ખમ્મા મારા નંદજીના લાલ’, ‘અમે મહિયારા રે ગોકુળ ગામના’ લલકારી કાર્યક્રમમાં હાજર સૌકોઈને નવરાત્રીનો માહોલ ઊભો કરી ડોલતા કરી દીધા હતા. કાર્યક્રમની આભારવિધિ કરતાં સી.બી. પટેલે કહ્યું કે, આજે નવરાત્રી વિશેષ ઝૂમ કાર્યક્રમમાં જે માહોલ બંધાયો તે અદ્વિતીય હતો. આજે મહેશભાઈ ગઢવી, આલાપ દેસાઈ અને ગાર્ગીબહેને જમાવટ કરી, તો ધીરુભાઈએ એક અલગ જ ઉત્સાહ ભરી દીધો. ગુજરાતી અસ્મિતાને વાણી અને વાચા આપવામાં ગઢવી ચારણોએ મોટી ભૂમિકા ભજવી છે. આ સોનેરી સંગત કાર્યક્રમને હવે થોડો વિરામ અપાયો છે, પરંતુ નવા કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ રહી છે.

