ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં બગાવતનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ઠેરઠેર વ્યાપક દેખાવોના પગલે પાક. સરકારને ઈન્ટરનેટ સેવા બંધ કરવી પડી છે. દેખાવકારો રમખાણે ચઢ્યા છે. મુઝફ્ફરાબાદમાં ઠેરઠેર પથ્થરબાજી, આગચંપી અને ટાયર સળગાવી લોકોએ ચક્કાજામ કર્યો. સ્થિતિ ત્યાં સુધી વણસી કે પીઓકેના પોલીસ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદથી 7 હજાર સેનાના જવાનોને મોકલ્યા હતા.
અધિકારોથી દૂર રખાયા
પીઓકેની આવામી એક્શન કમિટીએ સોમવારથી સમગ્ર પીઓકેમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરતાં દુકાનો, માર્કેટ્સ સજ્જડ બંધ કરાવ્યા હતા. આવામી એક્શન કમિટીના અગ્રીમ નેતા શૌકત નવાઝ મીરે કહ્યું હતું કે, અમારું અભિયાન કોઈ સંસ્થા વિરુદ્ધ નથી, પરંતુ સિત્તેર-સિત્તેર વર્ષોથી પણ વધુ સમયથી અમારા લોકોને તેમના મૌલિક અધિકારોથી દૂર રખાયા છે, તેની સામે છે. બહુત હો ગયા, યા તો અધિકાર દે યા તો લોગો કે ક્રોધ કા સામના કરે. લોકોની ધીરજ હવે ખૂટી ગઇ છે. આ લૉકડાઉન સરકાર દ્વારા વર્ષોથી થઇ રહેલી અમારી ઉપેક્ષા અને ભ્રષ્ટાચારનો સીધો જવાબ છે. નાગરિકોને પીવાનું પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણના અધિકારોથી પણ વંચિત રખાઈ રહ્યા છે.
પાકિસ્તાન બે તરફી મુસીબતમાં
બલૂચિસ્તાનમાં સક્રિય વિદ્રોહી જૂથ બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈન્યના 15 સૈનિકોની હત્યાની જવાબદારી લીધી છે. BLAએ એક નિવેદન જારી કરી જણાવ્યું કે, તેના લડવૈયાઓએ ખુજદાર જિલ્લાના જેહરી વિસ્તારમાં સર્જાયેલી અથડામણમાં 15થી વધુ પાકિસ્તાની સૈનિકોને માર્યા છે.

