બ્રિટિશ અમેરિકી ભાઈ-ભાઈઃ કિંગ ચાર્લ્સની કુનેહ

Wednesday 01st October 2025 06:36 EDT
 

બ્રિટિશ પ્રજાનું અતડાપણું પ્રખ્યાત હોવાં સાથે વેપારી ને ચતુર ગણાય છે. એમાં પણ બ્રિટિશ રાજવી પરિવારની રાજદ્વારી કુનેહ વિશે તો શું કહેવું? આપણે ભારતીયો બ્રિટિશ કુનેહ વિશે વિશેષ જાણીએ છીએ કારણકે વેપાર કરવાનું કહીને તેઓ રાજ કરવા લાગ્યા હતા. તાજેતરમાં યુકેની મુલાકાતે આવેલા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આ વાત બરાબર સમજાઈ ગઈ હશે. આ મુલાકાતમાં ટ્રમ્પે વિન્ડસર કેસલમાં રાતવાસો કર્યો ત્યારે કિંગ ચાર્લ્સ તૃતીય સાથે લંબાણથી ચર્ચાઓ કરી હતી. વાતચીતમાં કિંગ ચાર્લ્સે બે વિશ્વ યુદ્ધો દરમિયાન, યુકે અને યુએસે કેવી રીતે સાથે મળીને આતંકવાદનો સામનો કર્યો હતો તે યાદ કરાવ્યું હતું. વિશ્વમાં શાંતિ સ્થાપવા કેટલાક સૌથી હઠીલા સંઘર્ષોનું નિરાકરણ લાવવાની ટ્રમ્પની પ્રતિબદ્ધતાની પણ કિંગ ચાર્લ્સે પ્રશંસા કરી હતી. યુક્રેન યુદ્ધ પરિસ્થિતિ સંદર્ભે પણ મજબૂત પગલાં આવશ્યક હોવાનો ઈશારો પણ કિંગ ચાર્લ્સે કર્યો હતો અને જાણે ટ્રમ્પના મગજમાં આ મુદ્દો ગરમ શીરાની માફક ઉતરી ગયો હોય એમ તેમનું વલણ સકારાત્મક લાગ્યું હતું.
ટ્રમ્પની આ બીજી સત્તાવાર યુકે મુલાકાતમાં બ્રિટિશ રાજ પરિવાર અને વિશેષતઃ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ જે રીતે તેમનું ભવ્ય સ્વાગત કર્યું તેનાથી યુએસ પ્રેસિડેન્ટ પાણી પાણી થઈ ગયા હતા. કિંગે યુકે અને યુએસ તદ્દન નજીકના સગાંવહાલા હોવાનું જાહેર કરી આ વિશિષ્ટ સંબંધોને વધુ આગળ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કિંગે યુએસ સાથે પ્રથમ વેપારસંધિ કરાયા પછી આપણે હજુ આગળ વધી શકીએ તેમ જણાવ્યું તેના પ્રતિભાવમાં ટ્રમ્પે મોટા ભાગના સ્પેશિયલ સંબંધોમાં ‘સ્પેશિયલ’ શબ્દ સંબંધો સાથે પૂરતો ન્યાય કરી શકતો નથી તેમ કહ્યું. ટ્રમ્પ તો જાણે કિંગને પણ વટી જતા હોય તેમ યુકે-યુએસ એક જ તંતુવાદ્યના બે સૂર હોવાનું કહી બંને સૂરની આગવી સુંદર વિશિષ્ટતા છે પરંતુ, બંને સાથે વાગતા રહે તે માટે હોવાનું જણાવ્યું હતું. કિંગ ચાર્લ્સે બેન્ક્વેટ સંબોધનમાં બંને દેશના લોકો તેમને પ્રિય મૂલ્યો માટે સાથે મળીને લડ્યા, સર્જનો કર્યા જેના થકી અર્થતંત્રો અને સંસ્કૃતિઓને બળ સાંપડ્યું હોવાનો નિર્દેશ કર્યો હતો. કિંગ ચાર્લ્સ ખરેખર ખીલ્યા હતા. તેમણે સંબંધોની વિશિષ્ટતા દર્શાવતા કહ્યું કે યુએસના પ્રથમ પેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટને બ્રિટિશ ભૂમિ પર કદી પગ નહિ મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પે તો બે મહિનામાં બીજી વખત બ્રિટિશ ભૂમિ પર પગ મૂક્યો છે. ટ્રમ્પ સ્કોટલેન્ડમાં બે ગોલ્ફ કોર્સ ધરાવે છે તે સંદર્ભે કિંગે મજાક કરી હતી કે બ્રિટિશ માટી અદ્ભૂત ગોલ્ફ કોર્સીસ બનાવે છે. કિંગ ચાર્લ્સે યુકે-યુએસ સંબંધોના સંદર્ભે પોતાના પર પણ રમૂજ કરી હતી. તેમના કહેવા મુજબ 1970ના દાયકામાં પ્રમુખ રિચાર્ડ નિક્સનની પુત્રી ટ્રિસિયા નિક્સનને ચાર્લ્સ વ્હાઈટ હાઉસ ડિનર પર લઈ જાય તેવી વ્યવસ્થા કરાઈ હતી. જો તે દાયકાના મીડિયા સ્પેશિયલ સંબંધોને ગાઢ બનાવવાના પોતાના પ્રયાસોમાં સફળ થયા હોત તો તેમના લગ્ન કદાચ નિક્સન પરિવારમાં જ થઈ ગયા હોત.


comments powered by Disqus