લંડનઃ ઈંગ્લિશ ચેનલથી બોટ્સ ભરાઈને આવતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ઓળખવા અને શેડો ઈકોનોમીમાં સરતા અટકવા તેમજ વેતન ઘટાડાને રોકવા માટે સરકારે ડિજિટલ ID ‘બ્રિટ કાર્ડ’ની જાહેરાત કરી છે. ડિજિટલ આઈડી કાર્ડ યોજના કામ કરવાનો અધિકાર નિશ્ચિત કરશે. પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર ગેરકાયદે સ્થળાંતર અને નાઈજેલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટી દ્વારા સર્જાયેલા જોખમને નિયંત્રિત કરવા બ્રિટિશ નાગરિકના કામ કરવાના અધિકારની ચકાસણીની ફરજિયાત યોજનાને આગળ વધારવા ઉત્સુક છે.
સરકાર કામના અધિકારના પુરાવા તરીકે અને લોકો માટે જાહેર સુવિધાઓની પહોંચ સરળ બનાવવા ડિજિટલ આઈડી રજૂ કરવા માંગે છે. આ અભિગમ એસ્ટોનિયાના મોડેલ પર આધારિત હોઈ શકે છે, જ્યાં લોકો વિશેષ ડિજિટલ આઈડીનો ઉપયોગ જન્મ, લગ્ન, છૂટાછેડા અને મૃત્યુ નોંધણી, બેંક ખાતાઓ એક્સેસ, મતદાન અને જીપી એપોઈન્ટમેન્ટ બુક કરવા માટે કરે છે.
આ યોજના ગેરકાયદે કામદારોને બ્રિટનમાં કામ કરનાની તકને અટકાવવાની સાથોસાથ જાહેર પ્રજાને તેમના અધિકારની રુએ મળતી સેવાસુવિધા માટેની પહોંચને વિસ્તારશે. પાર્લામેન્ટની મુદતના અંત સુધીમાં રાઈટ ટુ વર્કની ચકાસણી માટે ફરજિયાત રહેશે. આ યોજના યુકેના તમામ નાગરિકો અને કાયદેસરના નિવાસીઓ માટે પ્રાપ્ય રહેશે અને ઓળખની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂરિયાતનો અંત લાવશે.
વ્યવહારમાં બ્રિટ કાર્ડ નાગરિકના રહેવા અને બ્રિટનમાં કામ કરવાના અધિકારની ચકાસણી કરશે. નવી નોકરી કરવાની હોય કે ઘર ભાડે લેવાનું થાય તેવા સંજોગોમાં તેમણે પોતાનું ડિજિટલ કાર્ડ દર્શાવવાનું રહેશે. આ કાર્ડની ચકાસણી બ્રિટનમાં રહેવા અને કામ કરવાનો અધિકાર ધરાવતા લોકોના સેન્ટ્રલ ડેટાબેઝ સાથે કરવામાં આવશે.
નવાં ડિજિટલ આઈડી કાર્ડથી લોકોને ડ્રાઈવિંગ લાઈસન્સ, ચાઈલ્ડ કેર અને વેલ્ફેર જેવી સેવાઓ માટે અરજી કરવાનું સરળ બનશે. નવું ડિજિટલ કાર્ડ લાખો લોકો એપ અથવા કોન્ટેક્ટલેસ મોબાઈલ પેમેન્ટ કરે છે તેમ લોકોના ફોન પર રાખી શકાશે. વ્યક્તિઓએ પોતાના આઈડી કાર્ડ઼ લઈને ફરવાની જરૂર નહિ રહે અથવા તેમને બતાવવાનું પણ કહેવાશે નહિ. પરંતુ, તમારા કામ કરવાના અધિકારને સાબિત કરવાના સાધનરૂપે ડિજિટલ કાર્ડ ફરજિયાત ગણાશે.
યુકે દ્વારા અગાઉ યુદ્ધકાળમાં જ આઈડી કાર્ડ ફરજિયાત બનાવાયા હતા અને છેલ્લે 1952માં તેને રદ કરી દેવાયાં હતાં. સર જ્હોન મેજરની સરકારે 1995માં આઈડી કાર્ડ ફરી દાખલ કરવા મુદ્દે કન્સલ્ટેશન કરાવ્યું હતું,પરંતુ કાર્ડ ફરી દાખલ કરાયા ન હતા. તેમના અનુગામી પ્રાઈમ મિનિસ્ટર ટોની બ્લેરે મરજિયાત આઈડી કાર્ડની વિચારણા
કરી હતી, પરંતુ લિબરલ ડેમોક્રેટ્સ અને કન્ઝર્વેટિવ્ઝના વાંધાવિરોધ વચ્ચે કાર્યવાહી આગળ વધી ન હતી.
