ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના પૂર્વ ચેરમેન અને જૈન સમાજના અગ્રણી શ્રી નેમુભાઇ ચંદરિયા OBEએ ૨૭ સપ્ટેમ્બર’૨૫ના રોજ નશ્વર દેહનો ત્યાગ કરી અનંતયાત્રાએ પ્રયાણ કર્યાના દુ:ખદ સમાચાર વાયુવેગે પ્રસરતા સમાજમાં આઘાતની લાગણી ફરી વળી છે. તેમની ખોટ વિશ્વવ્યાપી જૈન સમાજ અનુભવશે. અમે એમના જીવનસંગિણી મીનાબહેન તેમજ બહોળા પરિવારને આશ્વાસન પાઠવીએ છીએ. સદ્ગત આત્માને જીનેશ્વર ભગવંત સદ્ગતિ અને ચિરશાંતિ બક્ષે તેમજ મોક્ષગામી બનાવે તથા એમના કુટુંબીજનોને આ આઘાત જીરવવાની શક્તિ આપે એવી ‘ગુજરાત સમાચાર’ પરિવારની પ્રાર્થના.
નેમુભાઇ જૈન સમાજના સ્તંભ સમાન હતા અને ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી (IOJ) ના સ્થાપક સભ્ય હતા. ત્રણ દાયકા કરતા વધુ સમય ચેરમેન પદેથી પોતાની સેવા સાદર કરી, નેતૃત્વ પૂરૂં પાડી એમની દીર્ઘ દ્રષ્ટિનો લાભ સમાજને આપ્યો છે તે ક્યારેય વિસરાય નહીં. તેમણે વૈશ્વિક સ્તરે સ્કોલરશીપ, આઉટરીચ અને ઇન્ટરફેઇથ ક્ષેત્રે આપેલ અનુદાનને કારણે સંસ્થા આદરપાત્ર બની છે. એમની આગેવાની હેઠળ ઇન્સ્ટીટ્યુટના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોમાં જૈન હસ્તપ્રતોનું કેટલોગીંગ કરી બ્રિટિશ લાયબ્રેરી સહિત યુ.કે.ના અન્ય ઇન્સ્ટીટ્યુશનમાં એનું પ્રદર્શન યોજી જૈન સાહિત્યના સમૃધ્ધ વારસાના સંરક્ષણ તેમજ પ્રસારનું કામ કર્યું છે જે પ્રશંસનીય છે.
“જૈન ડીકલેરેશન ઓન નેચર’નું સર્જન કરી ડ્યુક ઓફ એડીનબરો માનનીય પ્રિન્સ ફિલિપને, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના ચેર રૂએ અર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક સિમા ચિહ્નના કારણે જૈન ધર્મને વિશ્વના આઠ ધર્મોમાં સ્થાન મળ્યું. જૈન પરંપરાને વૈશ્વિક સ્તરે માન્યતા મેળવવાના શ્રેયના તેઓ અધિકારી છે. યુ.કે.માં જૈન વારસો અને સંસ્કૃતિની પ્રતિષ્ઠા વધારવા વિક્ટોરીયા એન્ડ આલ્બર્ટ મ્યુઝીયમમાં જૈન આર્ટને સ્થાન મેળવવાનું સૌભાગ્ય પણ નેમુભાઇના માર્ગદર્શન હેઠળ થયું હતું. જેના પેટ્રન્સ માનનીય મહારાણી એલિઝાબેથ-૨ અને ભારતના વડાપ્રધાન હતા.
IOJના આંતરરાષ્ટ્રીય ધર્મો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં ય નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું જેમાં વેટીકનના પોપ, સ્વામિનારાયણના પૂ. પ્રમુખ સ્વામિ મહારાજ, દલાઇ લામા સહિત અનેક પ્રતિષ્ઠિત ધાર્મિક વડાઓનો સમાવેશ થાય છે.
તેમના એકતાના વીઝનને કારણે યુ.કે.ની ૩૦ થી વધુ જૈન સંસ્થાઓને એક કરી ‘વન જૈન’ની સ્થાપના કરી જૈનોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ અને અવાજ રજુ કરવા માટે એક પ્લેટફોર્મ ઉભુ કર્યું. તેમને પ્રાપ્ત થેલ અનેક એવોર્ડ્સમાં યુ.કે.માં જૈન સમાજને આપેલ સેવાઓ બદલ મહારાણી તરફથી OBE એવોર્ડ એનાયત થયો હતો. ૨૦૨૪માં એમની દાયકાઓની જૈન સમાજને આપેલ સેવાઓના કદર રૂપે વન જૈન તરફથી “લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં જૈન ધર્મના જ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર તેમજ જૈન સાહિત્ય અને વારસાના સંવર્ધન માટે ૨૦૨૫ના જૈના કન્વેન્શનમાં અમેરિકા ખાતે નેમુભાઇને ‘જૈના ગ્લોબલ’એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સંસ્થાકીય નેતાગિરી ઉપરાંત નેમુભાઇ એમના ઉષ્માભર્યા વર્તાવ અને નમ્ર તેમજ મળતાવડા સ્વભાવને કારણે બધી જ પેઢીઓને સાથે રાખવામાં પણ સફળ નીવડ્યા હતા. સવિશેષ જૈન ધર્મના સિદ્ધાંતો અહિંસા, કરૂણાના પ્રચાર-પ્રસાર સહ જ્ઞાન પિપાસુ હતા.
તેઓના આ ફાની દુનિયા છોડી જવાથી એમની ખોટ તો હર હંમેશ સાલશે જ. જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે એ જાણવા છતાં જીરવવું મુશ્કેલ છે. એમનું જીવન માત્ર શોક કરવા યોગ્ય નથી પરંતુ એની ઉજવણી કરવા જેવું પ્રેરક હતું. એમની પરંપરાને આગળ દીર્ધજીવી બનાવવા એમના અનુદાનને યથાયોગ્ય અંજલિ આપવામાં જ સાર્થકતા રહેલી છે.
IOJ, વન જૈન અને અસંખ્ય વિશ્વવ્યાપી જૈન સંસ્થાઓ પોતાની દિલસોજી નેમુભાઇના કુટુંબીજનોને પાઠવે છે.

