ત્રિભેટે બેઠેલા ઈયુને હવે વિશ્વયુદ્ધ ઢુંકડુ લાગે છે

Wednesday 02nd April 2025 06:08 EDT
 

વિશ્વમાં અને ખાસ કરીને યુરોપિયન યુનિયન (ઈયુ)માં બરાબર આપણી કહેવત ‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોરબકોર!’ જેવો ઘાટ રચાયો છે. ઈયુએ યુદ્ધ, સાઈબર એટેક્સ, ક્લાઈમેટ ચેન્જ કટોકટી અને મહામારીના સંભવિત જોખમને ધ્યાનમાં લઈ પોતાના 450 મિલિયન નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી દીધી છે કે ભાઈઓ, સાવચેત થઈ જાવ. વિશ્વયુદ્ધ હવે ઢુંકડુ જ છે. ઓછામાં ઓછાં ત્રણ દિવસ ચાલે તેટલા પ્રમાણમાં ખોરાક, પાણી અને ટોર્ચ, આઈડી પેપર, દવાઓ, રોકડ અને શોર્ટવેવ રેડિયો જેવી અન્ય આવશ્યક વસ્તુઓનો સ્ટોક કરી લેજો.
વાસ્તવમાં યુરોપિયન યુનિયન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રોજની કાગારોળથી ભ્રમિત થઈ ગયું છે. શું કરવું તેની સમજ પડતી નથી. એક તરફ, ટ્રમ્પનું અમેરિકા છે તો બીજી તરફ પુટિનનું રશિયા. પહેલા તો ઈયુને પુટિનનો હાઉ જ સતાવી રહ્યો હતો અને હવે તેમાં ટ્રમ્પની રોજેરોજની ચેતવણીઓ પણ ભળી છે. ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વોર આદરી છે તેમાં વિશ્વના લગભગ બધા જ દેશો વધેરાઈ રહ્યા છે. અર્થતંત્રો છિન્નભિન્ન થઈ જવાની આશંકા વધી રહી છે અને ઈયુ તથા બ્રિટન પણ તેમાંથી બાકાત નથી.
હકીકત એ છે કે ટ્રમ્પે શાસન સંભાળ્યું ત્યારથી જ ઈયુને ચેતવણી આપી છે કે તમે તમારા રક્ષણનું સંભાળી લેજો, અમેરિકાએ કાંઈ તમારો ઠેકો સંભાળ્યો નથી. ટ્રમ્પ જે રીતે રશિયન પ્રમુખ પુટિન સાથે રાજકીય સંવનન કરે છે, ગ્રીનલેન્ડ ટાપુ હસ્તગત કરવા ડેનમાર્ક પર દબાણ કરી રહ્યા છે તેમજ વાઈસ પ્રેસિડેન્ટ વાન્સ યુરોપીય દેશોની આંતરિક નીતિઓ પર પ્રહાર કરી રહ્યા છે તે જોતા ઈયુના નેતાઓને પણ લાગ્યું છે કે યુરોપના રક્ષણ માટે અમેરિકા અને તેના પરમાણુ શસ્ત્રો પર નિર્ભર રહેવું પોસાય તેમ નથી. યુરોપ પોતાના રક્ષણના સાધનો ઉભાં કરવા હવાતિયાં મારી રહ્યું છે. ઈયુએ પોતાના સભ્યોને સંરક્ષણ પાછળ વધુ ફાળવણી કરવા જણાવી દીધું છે અને બ્રિટને તો બજેટમાં તેની ફાળવણી વધારી જ દીધી છે.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 30થી વધુ દેશના નેતાઓ, નાટો અને યુરોપિયન યુનિયનના પ્રમુખની બેઠકમાં ફ્રાન્સ અને બ્રિટને ભવિષ્યમાં રશિયા દ્વારા યુરોપ પર આક્રમણની શક્યતા સામે વિશેષ ગઠબંધન રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે રશિયા 2030 સુધીમાં યુરોપ પર આક્રમણ કરવા સક્ષમ બની શકે તેવી ચેતવણી આપી હતી. યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને ત્રણ વર્ષ થઈ ગયા છે. યુક્રેન તો અમેરિકા અને યુરોપની શસ્ત્રસહાયના કારણે રશિયા સામે ઝીંક ઝીલી રહ્યું છે પરંતુ, ભાવિ યુદ્ધમાં અમેરિકા સાથે ન હોય તો શું? તેવો વિચાર યુરોપીય નેતાઓને સતાવી રહ્યો છે. રશિયાની સરહદ નજીક આવેલા યુરોપીય નાટો દેશો સશસ્ત્ર દળો ગોઠવવા લાગ્યા છે પરંતુ, રશિયા વાસ્તવમાં આક્રમણ કરે તો સામનો કરવા અપૂરતાં છે. સાચી સંરક્ષણ તાકાત ઉભી કરવામાં સાતથી દસ વર્ષ લાગી જાય છે. અમેરિકાએ હાથ ખંખેરી લીધા પછી હાલ તો ઈયુએ સંરક્ષણની હાલત સુધારવા 800 બિલિયન યુરોનો માસ્ટર પ્લાન ઘડ્યો છે અને નાગરિકો માટે તૈયાર રહેવાની ચેતવણી જાહેર કરી દીધી છે.


comments powered by Disqus