નેપાળમાં રાજાશાહી સમર્થકોના હિંસક દેખાવોઃ સેંકડો લોકોની ધરપકડ

Wednesday 02nd April 2025 06:55 EDT
 
 

કાઠમંડુઃ નેપાળમાં રાજશાહીની પુનઃ સ્થાપના અને હિન્દુ રાષ્ટ્રની માગ સાથે માર્ગો ઉપર ઉતરી આવેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે સતત હિંસક અથડામણ ચાલી રહી છે. જેમાં પોલીસે ટિયર ગેસ અને રબ્બરની ગોળીનો મારો પણ ચલાવ્યો હતો. આ તોફાની ઘર્ષણમાં અનેક પોલીસકર્મીઓ અને દેખાવકારો ઘાયલ થયા હતા અને 2 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. કાઠમંડુમાં કાયદો-વ્યવસ્થાને વધુ કથળતા રોકવા અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસને અનેક વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દીધો હતો.
તણાવ એટલી હદે વધી ગયો હતો કે, નેપાળની સેનાને પણ સડકો ઉપર ઉતારવી પડી હતી. આ હિંસક તોફાનોમાં પૂર્વ શાસક-રાજા જ્ઞાનેન્દ્રનો દોરીસંચાર હોવાનું સામે આવતાં એમના પાસપોર્ટ રદ કરીને કાબૂમાં લેવાની સરકારની યોજના હોવાનું જાણવા મળે છે. નેપાળમાં રાજાશાહીના સમર્થકો દ્વારા કાઠમંડુમાં 28 માર્ચે જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન હિંસાની સાથે લૂંટફાટની ઘટનાઓ પણ બની. આ હિંસક પ્રદર્શનમાં એક ભારતીય સહિત 9 શખ્સોની ધરપકડ કરાઈ. ઉલ્લેખનીય છે કે નેપાળના સંવિધાનમાં માત્ર 16 વર્ષ સુધી જ ધર્મનિરપેક્ષ શબ્દ અસ્તિત્વમાં રહ્યો, જે બાદ ફરીથી રાજાશાહીની માગ ઊઠી છે, જેવું 239 વર્ષ સુધી રહ્યું છે.


comments powered by Disqus