મસ્ત મજાની યાદોંના સરોવરમાં છબછબીયાંનો આનંદ...

શકુબહેન શેઠની ૮૦મા જન્મદિનની શાનદાર ઉજવણી

Tuesday 01st April 2025 09:08 EDT
 
 

૨૮ માર્ચ’૨૫ના રોજ નવનાત હોલ, હેઝ નવનાતીઓની વિશાળ હાજરીથી ઉભરાઇ ગયો હતો. એ દિવસ નવનાતીઓના પ્રિય અને અન્નપૂર્ણાના ઉપનામથી જાણીતાં એવા શકુબહેન શેઠની ૮૦મી વર્ષગાંઠની ઉજવણીનો શાનદાર પ્રસંગ હતો. આમ તો દર શુક્રવારની રાહ નવનાત વડીલ મંડળના સભ્યો આતુરતાપૂર્વક જોતા હોય છે પરંતુ આજનો દિવસ ખાસ હતો. શકુબહેનના પરિવારજનો, મિત્રો અને વડિલો ૫૫૦ થી વધુની સંખ્યામાં એમને જન્મદિનની વધાઇ આપવા ઉત્સુક હતાં. આ પ્રસંગે નવનાત વડિલ મંડળના પ્રમુખ શ્રી નટુભાઇ મહેતાએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું. વડિલ મંડળના કમિટી સભ્યોએ શકુબહેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું અને શુભેચ્છા પાઠવી. પૂર્વ પ્રમુખ નલિનભાઇ ઉદાણીએ પણ વડિલ મંડળમાં શકુબહેને આપેલ સેવાઓને યાદ કરી અભિનંદન પાઠવ્યા.
શકુબહેનની મોટી પુત્રવધૂ નિશાએ જન્મદિનના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. એમના પુત્ર ચિરાગે અને પરાગે મમ્મીના સંઘર્ષભર્યા જીવનને વર્ણવતા જણાવ્યું કે, નાની ઉમરમાં મમ્મીના લગ્ન તેમજ યુવાવયે પિતાશ્રીના અવસાનથી એકલા હાથે અમારા બન્નેનો ઉછેર, ધંધો સંભાળ્યો અને અમને સારું ઉચ્ચ શિક્ષણ, સંસ્કાર આપ્યા. આજે અમે જે કાઁઇ છે એનો યશ મમ્મીને જાય. નાની પુત્રવધૂ સરિતાએ ગુજરાતીમાં બોલવાનું સાહસ કરી સાસુના સદ્ગુણો સંભાર્યા. શ્રેયા, આર્યન, અમી અને રોહન..ચાર ગ્રાન્ડ ચિલ્ડ્રને એમના પ્રિય દાદીમા સાથેના સંભારણાની હ્દય સ્પર્શી રજુઆત કરી. કુટુંબના
બધા જ સભ્યો શકુબહેનની સામાજિક સેવાની સિધ્ધિ માટે ગૌરવ અનુભવે છે.
એમના જેઠાણી જશુબહેને હળવી ભાષામાં નટખટ દેરાણીની વિશેષતા વર્ણવી આનંદની લહેરખી પ્રસરાવી દીધી.
 “ ગુજરાત સમાચાર” ના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સબહેનને શકુબહેનના જીવનની આઠ દાયકાની સફરના સંભારણા માટે આમંત્ર્યાં. સભાજનોને સંભોધતાં તેમણે જણાવ્યું,
“હવા સાથે તરતી અને ઘાસના પત્તા સાથે વળતી મહિલાઓ પોતાનામાં જ એક અનોખી કહાની છે” - બુકર પ્રાઇસ
વિજેતા લેખિકા ગીતાંજલિ શ્રી એ કહેલ સોનેરી સત્ય શકુબહેનને લાગુ પડે છે.
શકુબહેન…જેમનું નામ આપણા સૌના હૈયે વસે છે, હોઠે રમે છે. શકુબહેન એટલે ઠસ્સાદાર વ્યક્તિત્વ. પેલી કહેવત છે ને, ‘એક નૂર આદમી, હજાર નૂર નખરાં ને લાખ નૂર કપડાં’ એમ હર હંમેશ અપ ટુ ડેટ. એમની સાડીઓની અને દાગીનાની પસંદગી તેમજ મેક અપ બધું જ ટીપ-ટોપ! ચહેરો સદાય હસતો. સ્વભાવ સ્પોર્ટી,
પ્રેમાળ અને માયાળુ. સૌને મદદ કરવાની ભાવના તો ગળથૂથીમાંથી જ મળેલ. રસોઇકલામાં નિપુણ. એમના સ્વભાવની વિશેષ ખૂબીઓને કારણે જ તેમણે નવનાત મેઇન બોડી અને વડિલ મંડળમાં સૌના હ્દયમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું.
શકુબહેનની ૮૦મી વરસગાંઠનો આ દિવસ આપણા સૌ માટે આનંદ અને ગૌરવમયી છે.
બાર બાર દિલ યે ગાયે, તુમ જીયો હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર...હેપી બર્થ ડે ટુ યુ, હેપી બર્થડે શકુબહેન..
આજે આપણે શકુબહેનના પ્રેરણાદાયી, જાજરમાન વ્યક્તિત્વની ભીતરમાં એક ડોકિયું કરીએ...
યુગાન્ડાના કમ્પાલા ખાતે ૧૯૪૫માં ૨૮ માર્ચના રોજ માતા ચંચળબહેનની કૂખે અને પિતાશ્રી પોપટલાલ મીઠાલાલ મહેતાના કૂળમાં જન્મેલ શકુબહેન ૧૪ ભાઇબહેનોમાંના એક.
એમનો નંબર આઠમો. વિશાળ કુટુંબમાં ઉછર્યા હોવાથી ઘરકામ અને રસોઇકામમાં એમનામાં પહેલેથી જ નિપુણતા આવી ગઇ હતી. સરળ એવા શકુબહેનને બાળપણથી જ સેવા ભાવનો ગુણ વારસામાં મળ્યો હતો. માતા ચંચળ બહેન પણ રસોઇમાં એક્સપર્ટ અને સમાજસેવામાં આગલી હરોળમાં એથી ‘મોરના ઇંડા ચીતરવા ન પડે’ એમ શકુબહેને પણ એ ગુણોને જીવનમાં ઉતારી લીધાં હતાં. એમના મોટા બહેન સ્વ.તારાબહેન મહેતાનું પણ સમાજમાં અનન્ય પ્રદાન અને સ્થાન છે. નવનાત હોલનું નામકરણ એમના નામનું જ છે. આ હોલ બનાવવામાં એમના મોટા દિકરા યોગેશભાઇ મહેતાનો સિંહફાળો છે.
શકુબહેનના લગ્ન ટાન્ઝાનીયાના જાણીતા શેઠ કુટુંબના દિકરા વિનોદરાય ટી.શેઠ સાથે થયાં. પિયરમાં મોટું કુટુંબ અને સાસરીમાં ય છ ભાઇઓ અને પાંચ બહેનોનું વિશાળ કુટુંબ. ૩૫ જણના વિશાળ કુટુંબમાં સાસુજીની નિગરાની હેઠળ ગૃહસ્થાશ્રમના પાઠ શીખવાના શરૂ કર્યા, જેના મીઠાં ફળ નવનાત એસોસિએશનને મળી રહ્યા છે.
ટાન્ઝાનીયામાં ટી. શેઠનું નામ ખૂબ જાણીતું. તેમણે હજારો વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરેલ. ડાબો હાથ આપે તો જમણા હાથને ખબર ના પડે! ઇશ્વર કૃપાએ પૈસે ટકે સુખી અને શિક્ષણને ખૂબ મહત્વ આપતા એથી દારેસલામમાં ટી.બી.શેઠના નામે લાયબ્રેરી પણ બંધાવી હતી. અને એમના ધર્મ પત્ની મોતીબેન ટી.બી.શેઠના નામે શિશુકુંજ ભવન બાંધવામાં ય એમનો સિંહફાળો હતો. શેઠ પરિવાર ધર્માનુરાગી પણ ખરું જ!
પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં એમ શકુબહેને સાસરીમાં પોતાની કુનેહથી સૌનો પ્રેમ સંપાદન કરી લીધો. તેમને બે દિકરા ચિરાગ અને પરાગ. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા બન્ને દિકરાઓ શેઠ પરિવારના દીપક બની પ્રકાશ રેલાવી રહ્યા છે અને સુગંધ ફેલાવી રહ્યા છે. બે પુત્રવધૂઓ પણ પુત્રોથી સવાયી.
દારેસલામથી યુ.કે. આવ્યા બાદ લંડનમાં નવનાત વણિક એસોસિએશન યુ.કે.માં પ્રવૃત્ત બન્યાં. અને નવનાતની મેઇન બોડી તેમજ વડિલ મંડળની કમિટીમાં જોડાયાં. સમાજની સેવા એ સમાજ પ્રત્યેનું ઋણ છે એમ તેઓ દ્રઢપણે માને છે.
એમની તબિયત નરમ-ગરમ હોય તો પણ એમનું નવનાત પહેલું. એની સેવામાં માંદગીના બિછાનેથી ય ઉભા થઇ દોડતા થઇ જાય! એવો એમનો નવનાત પ્રેમ! સૌને સાથે રાખી કામ કરવાની એમની આવડત. દર શુક્રવારે વડિલ મંડળના કાર્યક્રમમાં ૩૦૦ કે એથી વધુ વડિલોને એમની કમિટી પ્રેમથી ગરમાગરમ, સ્વાદિષ્ટ અને તરેહ તરેહના ભોજન બનાવી જમાડે અને એમના અંતરના આશીર્વાદ મેળવે. એમની દીર્ઘકાલીન સેવાને વડિલ મંડળ પણ સરાહે. એમનું સન્માન કરે. નવનાત ભગિનીમાં ય લાંબા સમયથી પ્રવૃત્ત છે. પર્યુષણ પર્વ દરમિયાન આઠેય દિવસ સવારના ચા-નાસ્તાથી માંડી બે ટંકના ભોજન, બપોરની ચા વગેરે એમની આગેવાની હેઠળ કમિટીની બહેનો સહર્ષ પ્રત્યેક સભ્યોની અન્નપૂર્ણા બની રહે.
શકુબહેનને ‘વન જૈન’ તરફથી જૈન સમાજને લાંબા સમય સુધી સેવા આપવા બદલ અને લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ તરફથી કેર હોમ્સમાં જઇ સામાજિક સેવા સાદર કરવા માટે મેલ્વીન જ્હોન્સ પ્રતિષ્ઠિત એવોર્ડ્થી એમનું સન્માન કરેલ છે.
આપણા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચરનું નિવેદન છે કે, ‘દેશ ચલાવવામાં કેટલી સમસ્યા આવે છે તે સ્ત્રી જ વધારે સમજી શકે છે કારણકે ઘર ચલાવવામાં કેટલી સમસ્યા આવે છે તે સ્ત્રી બરાબર સમજી શકે છે.’
રસોઇકળા ઉપરાંત ફેશન એ પણ એમની પેશન. કોમ્યુનિટી માટે એક ફેશન શો યોજવાનું એમનું સપનું હતું. ૨૮ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ એ સાકાર થયું હતું. એ વખતે બ્રેન્ટ ટાઉન હોલ હજારેક નવનાતી સભ્યોની હાજરીથી છલકાઇ ગયો હતો. ઉષાબહેન શાહ, રૂપલ બહેન પુનાતર વગેરેના સહકારથી યોજાયેલ એ શો ની સફળતા નવનાત વણિકનું સિમાચિહ્ન હતું. એ વખતના ભારતીય હાઇકમિશ્નરના ધર્મ પત્ની કમલાબહેન એલ.એમ. સિંઘવીના હસ્તે એ શો નું ઉદ્ઘાટન થયું ત્યારે હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો.
આ છે આપણા શકુબહેન. ૮૦ વર્ષે ય કેવા જાજરમાન લાગે છે.
એમને ૮૦મી વર્ષગાંઠે ‘ગુજરાત સમાચાર” પરિવાર તરફથી શુભેચ્છા પાઠવતાં ગૌરવ ઉપજે છે. પરમાત્મા એમને તંદુરસ્તી અને દીર્ઘાયુ બક્ષે એવી અંતરની પ્રાર્થના.
સ્વાદિષ્ટ ભોજન અને ત્યારબાદ જાણીતા ગાયિકા અચલાબહેન મિયાણીના મધુર કંઠે ગરબા-રાસની મોજ સૌએ માણી. ઉપસ્થિત સૌ માટે આ એક યાદગાર પ્રસંગ બની ગયો.


comments powered by Disqus