બેંગકોકઃ મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 2000ને પાર કરી ગયો છે. મ્યાનમાર સૈન્યની આગેવાની હેઠળની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોના મોત થયા છે અને 2,376 અન્ય લોકો ઘાયલ છે, જ્યારે 30 અન્ય લોકો ગુમ છે. ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. રસ્તાઓ, પુલ અને ડેમ તૂટી ગયા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી, ફોન અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રહી હતી. બીજી તરફ મ્યાનમારમાં ભૂકંપ પછી 24 કલાકમાં 15 આફ્ટરશોકના કારણે લોકોમાં ગભરાટ છે.
બીજી તરફ પડોશી દેશ થાઇલેન્ડથી બચાવકાર્ય માટે આધુનિક સાધનો લાવવામાં આવ્યા હતા. જો કે કાટમાળમાં દબાયેલા લોકો જીવિત બચે તેવી સંભાવના ઓછી છે. બેંગકોકનો ચિયાંગ માઈ વિસ્તાર ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો.
સેટેલાઈટ તસવીરોમાં કાટમાળ દેખાયા
મ્યાનમારમાં ભૂકંપ આવ્યાના દિવસો સુધી તેના નુકસાનની ચોક્કસ તસવીર સામે આવી નહોતી. જો કે સેટેલાઇટ તસવીરો દ્વારા તારાજી સ્પષ્ટ દેખાઈ આવી હતી. ભૂકંપના કારણે મ્યાનમારના નેપીદા ઇન્ટરનેશનલ એરપોર્ટનો એટીસી ટાવર ધરાશાયી થઈ ગયો છે, જેનાથી હવાઈસેવાને અસર થઈ છે.
લોકો રસ્તા પર રાત પસાર કરવા મજબૂર
મ્યાનમારમાં ડર અને તબાહીનો માહોલ છવાયેલો છે. ભૂકંપના કારણે અસંખ્ય લોકો લાપતા છે અને લોકો પોતાના પરિવારના સભ્યોને કાટમાળ હેઠળથી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ સતત આફટરશોકના આંચકા અનુભવાઈ રહ્યા હોવાના કારણે લોકો પોતાના ઘરમાં જતાં પણ ડરે છે. આ કારણે હાલમાં અસંખ્ય લોકો રસ્તા પર જ રાત વ્યતીત કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર મ્યાનમારની જનતાને તો જોરદાર માર પડ્યો જ છે, પરંતુ સાથે દેશને પણ જોરદાર આર્થિક ફટકો પડ્યો છે અને અનુમાનિત આર્થિક નુકસાન મ્યાનમારની જીડીપી કરતાં પણ વધારે હોઈ શકે છે.
વિશ્વ સામે મદદની પોકાર
મ્યાનમાર ગૃહયુદ્ધના કારણે આપત્તિનો સામનો કરવા અસમર્થ છે. આવા સમયે સૈન્ય સરકારે આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે. જુંટા પ્રમુખ મિન આંગ ક્વાઈંગે વિશ્વના કોઈપણ દેશ કોઈપણ સંસ્થા પાસેથી મદદની વિનંતી કરી છે. ભારતે મ્યાનમારની સ્થિતિને જોતાં તાત્કાલિક મદદ માટે 2 જહાજ મોકલ્યાં, ઉપરાંત હવાઈ માર્ગેથી ફીલ્ડ હોસ્પિટલ પણ મોકલી હતી.
ભારતનું ઓપરેશન બ્રહ્મા
વિનાશક ભૂકંપથી બરબાદ થઈ ગયેલા મ્યાનમારમાં ભારત સહિત દુનિયાભરથી મદદ મોકલાઈ છે. ભારતે ‘પહેલા પાડોશી' નીતિ હેઠળ 'ઓપરેશન બ્રહ્મા' હાથ ધરીને મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી મોકલી છે. સાથે જ મ્યાનમારમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફના 80 કર્મચારીઓની ટુકડી પણ મોકલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારની જુન્ટા સરકારના પ્રમુખ જનરલ મિન આંગ હ્વાઈગ સાથે વાતચીત પણ કરી હતી.
વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે, ભારતીય એરફોર્સના સી-130 જે સૈન્ય પરિવહન વિમાન મારફતે મ્યાનમારના યાંગુન શહેરમાં રાહત સામગ્રી મોકલાઈ છે. મ્યાનમારને મદદ કરવા માટે ભારતીય સેનાની 118 સભ્યોની મેડિકલ ટીમ પણ રવાના કરાઈ છે.
આ સિવાય સંયુક્ત રાષ્ટ્રે મ્યાનમારને રૂ. 43 કરોડની મદદ કરી છે. રશિયાના ઇમર્જન્સી મંત્રાલયે 120 બચાવ કર્મચારીઓ અને જરૂરી સામાન સાથે બે વિમાન મોકલ્યાં છે. આ સિવાય ચીન, હોંગકોંગ, સિંગાપોર અને મલેશિયામંથી પણ ટીમ મ્યાનમાર પહોંચી ચૂકી છે.
ભૂકંપથી વિનાશ વચ્ચે આર્મીનો નાગરિકો પર બોમ્બમારો
દુનિયાના સૌથી ગરીબ દેશોમાંના એક મ્યાંમારમાં શુક્રવારે આવેલા ભૂકંપથી ભારે વિનાશ વચ્ચે પણ લશ્કરી શાસન હેઠળ આર્મી પોતાના જ નાગરિકો પર એરસ્ટ્રાઈક અને ડ્રોન હુમલા કરી રહી છે. મ્યાંમારમાં ફેબ્રુઆરી 2021માં સેનાએ દેશની લોકશાહીથી ચૂંટાયેલી સરકારનો તખ્તા પલટ કરી નાંખ્યો હતો. ત્યારથી મ્યાંમાર ગૃહયુદ્ધમાં સળગી રહ્યું છે, જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે. પર હવાઈ હુમલા અને ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે.
બેંગકોકનો ભૂકંપ ગુજરાતીઓની નજરે
29 માર્ચ શુક્રવારે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એની અસર થાઇલેન્ડમાં પણ અનુભવાઈ હતી. થાઇલેન્ડની રાજધાની બેંગકોક ખાતે મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે, જ્યાં ઇમારતો પણ તૂટી પડી હોવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. ભૂકંપમાં બચેલા ગુજરાતીઓએ ભયાનક માહોલ વર્ણવ્યો હતો. ભૂકંપના પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ વ્હીલચેર સાથે રસ્તાઓ પર આવી ગયા હતા. બિલ્ડિંગોમાં તિરાડો જ તિરાડો દેખાઈ રહી હતી અને સીલિંગ પણ તૂટી પડી હતી.
300 ગુજરાતી પરિવાર બેંગકોકમાં રહે છે
એક અંદાજ મુજબ બેંગકોકમાં 300 જેટલા ગુજરાતી પરિવાર રહે છે. 100 જેટલા પરિવાર સુરતના છે. આ તમામ લોકો મોટેલ, મોલ સહિતના અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. બેંગકોકની ડાયમંડ સ્ટ્રીટ ખાતે મોટી સંખ્યામાં સુરતીઓ રહે છે. શુક્રવારે આવેલા ભૂકંપમાં હજુ સુધીમાં કોઈ ગુજરાતીઓ સાથે કોઈ મોટી ઘટના બની હોય એવા સમાચાર સામે આવ્યા નથી.