પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીનાં મૂળ રહેવાસી ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) અધિકારી નિધિ તિવારીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
• છત્તીસગઢમાં 18 નક્સલી ઠારઃ દંતેવાડા-બીજાપુર બોર્ડર પર સોમવારે એક મહિલા નક્સલી ઠાર મરાઈ હતી. તો સુકમા અને દંતેવાડા સરહદ પર પોલીસે 17 નક્સલીને ઠાર માર્યા હતા. આ અથડામણમાં સ્પેશિયલ ઝોનલ કમિટીનો સભ્ય અને રૂ. 25 લાખનો ઈનામી જગદીશ ઉર્ફ બુધરા પણ ઠાર મરાયો છે.
• અલાહાબાદ હાઇકોર્ટની ટિપ્પણી અસંવેદનશીલઃ દુષ્કર્મના પ્રયાસ અંગે અલાહાબાદ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને સુપ્રીમ કોર્ટે બિલકુલ અસંવેદનશીલ ગણાવી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે અલાહાબાદ કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. આ સાથે કેન્દ્ર, યુપી સરકાર અને અન્ય પક્ષોને નોટિસ પાઠવી છે.
• પ્રધાનમંત્રી 3થી 5 એપ્રિલ થાઇલેન્ડ-શ્રીલંકાના પ્રવાસેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે થાઈલેન્ડ અને શ્રીલંકાની મુલાકાતે જશે. જેમાં ભારતની નવી જાહેર કરાયેલી 'મહાસાગર નીતિ' અંતર્ગત ક્ષેત્રીય સહયોગ વધારવા તેમજ સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક માટેના વિઝન પર વ્યાપક ચર્ચા કરશે. યાત્રાના પ્રથમ તબક્કામાં મોદી થાઈલેન્ડમાં છઠ્ઠા બિમ્સટેક સંમેલનમાં ભાગ લેશે અને 3-4 એપ્રિલ સુધી બેંગકોકમાં રહેશે.
• પ્રધાનમંત્રી મોદીની મુસ્લિમ બિરાદરોને ઇદીઃ હિન્દુકાર્ડ પર સત્તા પર આવેલી ભાજપ સરકાર હવે મુસ્લિમોને પણ ખેંચવા માગે છે. આ માટે કેન્દ્ર સરકારે નવું અભિયાન ‘સૌગાત-એ-મોદી' ચલાવ્યું છે. આ યોજના હેઠળ ભાજપે દેશભરના મુસ્લિમ બિરાદરોને ‘સૌગાત-એ-મોદી' કિટ આપવાનું શરૂ કર્યું છે.
• ફ્રાન્સના મરિન લે પેન ભ્રષ્ટાચાર કેસમાં દોષિતઃ ફ્રાન્સની કોર્ટે નેશનલ રેલી પાર્ટીની નેતા મરિન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવતાં 5 વર્ષ માટે ચૂંટણી લડવા પ્રતિબંધ મૂક્યો છે.
• પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન નોબેલ માટે નોમિનેટઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને માનવ અધિકાર અને લોકતંત્ર માટે તેમના પ્રયત્નો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ પહેલાં 2019માં ઇમરાન ખાનને દક્ષિણ એશિયામાં શાંતિ વધારવાના તેમના પ્રયત્નો માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરયા હતા.
• હાફિઝ સઇદના સાથી અબ્દુલ રહેમાનની કરાચીમાં હત્યાઃ એલઈટી નેતા હાફિઝ સઇદના સાથીની રમજાન ઇદના દિવસે કરાચીમાં અજાણ્યા બાઇકસવારોએ ફાયરિંગ કરી હત્યા કરી દીધી. રહેમાનનો ટીટીપી સાથે ગાઢ સંબંધ હતો.
• મલેશિયામાં મંદિરને હટાવી મસ્જિદ બનાવવા મંજૂરીઃ મલેશિયા સરકારે 130 વર્ષ જૂના હિન્દુ મંદિરને હટાવી એક નવી મસ્જિદ બનાવવા મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણય બાદ હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ટેન્શન વધી ગયું છે.