ગુજરાત સમાચાર સદાય સનાતન ધર્મ અને આર્ય સંસ્કૃતિની પતાકા ફરકાવવાની સાથે વિવિધ સંપ્રદાય અને તેના રીતરિવાજો અંગે વાંચકો અને શ્રોતાઓની જ્ઞાનપિપાસા સંતોષવા જાણીતું છે. આ જ નેમ હેઠળ ઓનલાઇન ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતના 52મા અધ્યાયમાં જૈન ધર્મ અને 27 માર્ચ ફાગણ વદ સાતમથી શરૂ થતા વરસીતપના મહત્ત્વ અંગે ગહન ચર્ચા કરાઈ.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, જૈન સમાજ ભાષા, સંસ્કાર અને જ્ઞાનપિપાસાથી તરબોળ છે. અલ્પસંખ્યકો પણ શું કામ કરી શકે છે તે આપણે જૈન સમાજમાં જોઈ શકીએ છીએ.
કાર્યક્રમનું સંચાલન કરતાં જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું કે, જૈન સમુદાય માટે વરસી તપ મોટું મહત્ત્વ ધરાવે છે. વરસીતપની શરૂઆત થઈ રહી છે, ત્યારે તેનું મહત્ત્વ દર્શાવવા વડોદરાના હિતેશભાઈ શાહ આપણી સાથે છે. તેમનું નામ દેશ-વિદેશમાં જૈન વિધિકાર તરીકે ખૂબ જાણીતું છે. તેમના વિદેશના કાર્યક્રમોની શરૂઆત પણ 2004થી લંડનથી જ થઈ હતી. પર્યુષણ પર્વમાં પણ તેઓ 20 વર્ષથી વ્યાખ્યાન – પ્રવચનમાળાનો લોકોને લાભ આપી જૈન ધર્મની પ્રભાવના કરે છે. હિતેશભાઈ વરસી તપની શરૂઆત કેવી રીતે થઈ? તેના ઇતિહાસ વિશે શ્રોતાઓને જણાવો.
હિતેશભાઈઃ લગભગ એક કોડા-કોડી કાળ પહેલાં ઋષભદેવે આ ધરતી પર અવતરણ લીધું, જેમનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું. 24 તીર્થંકર પૈકી ઋષભદેવ તીર્થંકર જ્યારે થયા ત્યારે તેમનું આયુષ્ય ઘણું લાંબું હતું. એક પૂર્વ એટલે 84 લાખ વર્ષ ગુણ્યા 84 લાખ વર્ષ, આમ 70,560 અબજ વર્ષ ગુણ્યા 84 લાખ વર્ષ. આનો જે જવાબ છે તેટલું ઋષભદેવનું આયુષ્ય હતું. ઋષભદેવ 83 લાખ પૂર્વ જેટલો તેમનો સંસારકાળ પરિપૂર્ણ કરી સંયમ લેવા તૈયાર થયા એ દિવસ હતો ફાગણ વદ આઠમનો. ઋષભદેવ પોતે મનથી છઠ્ઠનું એટલે કે બે ઉપવાસનું પચ્છખાણ લઈ સંયમ જીવન અંગિકાર કરવા તૈયાર થાય છે.
સંયમ જીવન અંગિકાર કર્યા બાદ તેમનું અંતરાય કર્મ ઉદયમાં આવ્યું અને તેમને મળવાપાત્ર નિર્દોષ ભિક્ષા મળી શકી નહીં. રોજ ભિક્ષા માટે વિવિધ સ્થળે જાય, પરંતુ તેમણે ભૂતકાળમાં બાંધેલું અંતરાય કર્મ આડે આવતું હતું. શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે પૂર્વના કોઈ ભવમાં બળદના મોઢા પર શિકોરું બાંધવા માટે તેમને પ્રેરણા કરી અને તે બળદને ચાર ઘડી સુધી ખાવાનો અંતરાય કર્યો. આ કારણે તેમને જે કર્મ બંધાયું તે 400 દિવસ સુધી તે કર્મ ઉદયમાં આવ્યું. આ કારણે ઋષભદેવને 400 દિવસ અન્ન તો છોડો પાણીનું ટીપું પણ ન મળ્યું.
આ સમય કલ્પવૃક્ષનો હતો અને કોઈપણ વસ્તુની ખોટ હતી નહીં. આવા સમયે એક સમયના રાજા ઋષભદેવ કોઈના ઘરે ધર્મલાભ કહેતાં ઊભા રહેતા તો તેમને સુંદર લક્ષણવંતા હાથી, ઘોડા, રથ, રેશમી વસ્ત્ર, આભૂષણો, સોનું, હીરા-મોતી અને કન્યાઓની ભેટ અપાતા અને ઋષભદેવ પરત ફરતા. તેમને જે ખપ છે તેનું કોઈ પૂછતું જ નહોતું. તેમને તો માત્ર ખોરાક – નિર્દોષ ભિક્ષા જ જોઈતી હતી. આમ કરતાં લગભગ એક વર્ષને 45 દિવસનો સમય થઈ ગયો, પરંતુ કોઈ દ્વારા નિર્દોષ ભિક્ષા - ખોરાક અપાયાં નહીં. એટલે કે દીક્ષા બાદના 400 દિવસ સુધી અન્ન તો શું પાણીનું ટીપું પણ મળ્યું નહોતું. જો કે કોઈના પ્રત્યે તેમના મનમાં કોઈ દુર્ભાવ જાગ્યો નહીં.
400 દિવસ બાદ જ્યારે તેમના અંતરાય કર્મ તૂટ્યાં. વિહાર કરતાં તેઓ ગજપુર નગર પહોંચે છે, જ્યાં તેમના પુત્ર બાહુબલિ, તેના પુત્ર સોમપ્રભ અને તેના પુત્ર શ્રેયાંસકુમાર રાજમહેલના ઝરુખે બેઠા હતા. શ્રેયાંસકુમાર ઋષભદેવને વિચરણ કરતા જુએ છે અને જાતિ સ્મરણજ્ઞાન પ્રગટ થયું.
શ્રેયાંસકુમારને સમજાયું કે આના આગલા ભવમાં આ ઋષભકુમાર તો વજ્રનાભ નામના મોટા ચક્રવર્તી હતા અને હું તેમનો સારથિ હતો. ચક્રવર્તી વજ્રનાભ તીર્થંકર એવા રાજા વજ્રસેનના પુત્ર હતા. પિતા વજ્રસેનને કેવળ જ્ઞાનનું પ્રગટીકરણ થતાં તેમણે દીક્ષા લીધી, જેને અનુસરતાં વજ્રનાભે પણ દીક્ષા લીધી, જે બાદ સારથિએ પણ રાજાને અનુસરતાં તેમના શિષ્ય બની દીક્ષા લીધી.
આ બધું શ્રેયાંસકુમારને યાદ આવતાં તેમને થયું કે આ તો સાધુજીવન ગણાય, તેમને હાથી-ઘોડા, કન્યા અને આભૂષણોનું નહીં, પરંતુ માત્ર નિર્દોષ ભિક્ષા જોઈએ. તેઓ તરત જ નીચે આવ્યા અને શેરડીના રસના મીઠા ઘડા લઈને આવ્યા. ઋષભદેવ કરપાત્રી હોવાથી હાથનો ખોબો ધર્યો અને શ્રેયાંસકુમારે શેરડીનો રસ પિરસવાનું શરૂ કર્યું. ઋષભદેવના ખોબામાં શેરડીના ઘડા ખાલી થતા ગયા અને 400 દિવસનાં ઉપવાસનું પારણું કર્યું.
ફાગણ વદ આઠમે તેમણે દીક્ષા લીધી અને પારણું કર્યું 13 મહિના અને ૧૩ દિવસ બાદ વૈશાખ સુદ ત્રીજના દિવસે. આમ એક વર્ષ સુધી ચાલનારા તપ તરીકે વરસી તપ તરીકે ઓળખવામાં આવ્યું.
આપણી આર્ય સંસ્કૃતિમાં તપધર્મનું મહત્ત્વ તમામ ધર્મોમાં આંકવામાં આવ્યું છે. માત્ર જૈન ધર્મમાં નહીં, પરંતુ અન્ય ધર્મોમાં પણ પોતપોતાની શક્તિ, ભાવના અને સમજણ અનુસાર તપ ચોક્કસ થાય છે. તપધર્મ આર્ય સંસ્કૃતિનો પાયો છે. માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ તપનું મહત્ત્વ ઘણું છે. શરીરના અનેક રોગ તપ દ્વારા દૂર થાય છે. જો ખાવાની મર્યાદા બાંધવામાં આવે તો અનેક રોગોથી બચી શકીએ છીએ. દુનિયામાં દરવર્ષે 1.28 લાખ લોકો વધારે ખોરાક લેવાથી મૃત્યુ પામે છે.
આજે ભારત જ નહીં, દેશ-વિદેશમાં વસતા જૈનો પણ ફાગણ વદ સાતમથી વરસીતપની આરાધના કરે છે. આજે આપણે 400 દિવસ તો ઉપવાસ ન કરી શકીએ, જેથી એક દિવસ ઉપવાસ કરીને બીજા દિવસે જમવાનું, જેને બિયાસણું કહેવામાં આવે છે. આમ 13 મહિનાને 13 દિવસ એટલે કે 400 દિવસ સુધી જૈનો આ તપનું સુંદર આચરણ કરે છે. આ તપમાં નાનાં બાળકોથી લઈ પ્રૌઢો પણ ઉત્સાહથી જોડાતાં હોય છે.
વડોદરાના જાણીતા સંગીતકાર કર્ણિક શાહે વર્ષીતપનું સુંદર ગીત રજૂ કર્યું. હિતેશભાઈ પાસેથી વરસીતપ અંગે માહિતી મેળવ્યા બાદ જ્યોત્સનાબહેન શાહે આમંત્રિતોને તેમના વરસીતપના અનુભવો અંગે જણાવવા આગ્રહ કર્યો.
કલ્પનાબહેનઃ આ મારું ત્રીજું વરસીતપ છે. વરસીતપથી મને શારીરિક અને માનસિક રીતે ઘણો ફાયદો થયો છે. તપ કરવાથી મારા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. મને દવા લેવાની પણ જરૂર નથી પડી અને અશક્તિ પણ નથી વરતાઇ.
ચેતનાબહેન શાહઃ દાદાની અસીમ કૃપા અને મારાં જેઠ-જેઠાણીએ મારામાં પ્રેરણા રેડી હતી. મને હાઇ કોલેસ્ટેરોલ અને થાઇરોઇડ હતો. વરસીતપ બાદ ડોક્ટરે ચેકઅપ કર્યું તો તેમણે મારી બધી દવા બંધ કરાવી દીધી અને કહ્યું બધું નોર્મલ થઈ ગયું છે.
ભવ્યાંગીબહેન શાહઃ મેં અગાઉ પણ અઠ્ઠાઈ, પંદર ઉપવાસ, માસ ક્ષમણ તપ કરેલાં છે. મારી ઇચ્છા છે કે હું વધુ તપ કરું. મારાં માતા દ્વારા મને વરસીતપની પ્રેરણા મળી છે.
હેમાલીબહેન શાહઃ 2005માં મેં વરસીતપ કર્યું હતું. તે સમયે મારી પુત્રી ભવ્યાંગી માત્ર અઢી વર્ષની જ હતી. નાની ઉંમર છતાં તે મને ખૂબ સપોર્ટ કરતી. મને મળતા સપોર્ટના કારણે મારું વરસીતપ શાતાપૂર્વક પૂર્ણ થયું હતું.
ઉષાબહેન મહેતાઃ લેસ્ટરના જૈન સમાજના પ્રેસિડેન્ટ ઉષાબહેને જણાવ્યું કે, લાંબા સમયથી વરસીતપ કરવાનો ભાવ હતો. જો કે અનેક અંતરાયો હોવાથી તેને પૂર્ણ થતાં 10 વર્ષ લાગ્યાં. હું ભારત હતી ત્યારે ભાવ થયો. ફેબ્રુઆરીમાં મહારાજ સાહેબનાં દર્શન કરતાં મને તપનો ભાવ ઉત્પન્ન થયો અને અહીં આવી માર્ચ મહિનામાં મેં વરસીતપ શરૂ કર્યાં. ગત વર્ષે મેં પારણું કર્યું. આ એક વર્ષના ગાળામાં મને લાગ્યું કે હું અન્ય કોઈ દુનિયામાં જ છું. મને પ્રભુએ એવી શક્તિ આપી દીધી કે કોઈ થાક જ ન લાગતો. દાદાએ આપેલી શક્તિથી જ આ કરી શકી છું.
મીનાબહેન શાહઃ મારી ઉંમર થઈ જવા છતાં મને દાદા પર વિશ્વાસ હતો કે તેઓ મને વરસીતપ કરાવશે જ. આટલા મહિનામાં મને કોઈપણ તકલીફ નથી થઈ. હું પાલિતાણાની જાત્રાએ પણ જઈ આવી. બધું સરસ પ્રકારે હું કરી શકું છું. પ્રથમ વરસીતપ નિર્વિઘ્ને પૂર્ણ થવા આવ્યું છે.
રોહિતભાઈઃ હું બે વરસીતપ કરી ચૂક્યો છું. દાદાની કૃપાથી કોઈપણ તકલીફ નથી પડી. મારાં તમામ ધાર્મિક કાર્યો દાદાની કૃપાથી પાર પડી જાય છે. ભગવાન કરાવે તો બધું જ થાય.
હિતેશભાઈ શાહઃ આપણે તમામ પાસે જાણ્યું કે ઓછા-વત્તા અંશે તમામના નાના-મોટા રોગ દૂર થયા કે ઓછા થયા, દવાઓ ઓછી થઈ. તપધર્મ એના માટે જ છે કે આપણી ખાવાની લાલસા દૂર થાય. આપણને પાંચ ઇન્દ્રીય મળી છે, જેમાં સૌથી વધુ કાર્ય રસેન્દ્રીયનું છે. ચામડીનું કામ માત્ર સ્પર્શનો અનુભવ, નાક માત્ર સુંઘવાનું, આંખને માત્ર જોવાનું અને કાનને માત્ર સાંભળવાનું. જીભ એક જ હોવા છતાં કામ બે કરવાનાં હોય – સ્વાદને પરખવાનું અને બોલવાનું. એને કંટ્રોલ કરવા માટે તપધર્મ છે. ખાવામાં કંટ્રોલ કરતાં બોલવાનું પણ કંટ્રોલ થશે. આપણે ઘણી વખત ખરાબ શબ્દો બોલીએ તો કોઈની સાથેના સંબંધ જીવનભર માટે તૂટી જાય. બુદ્ધિમાન ગણાતો માનવ પોતાની જાતનું જ ધ્યાન રાખતો નથી. ગમે તેવી ખરાબ વસ્તુઓ પેટમાં ઉતારી તબિયત ખરાબ કરે અને હોસ્પિટલ પહોંચી જાય. આ બધું ચલાવી લેવા આપણે તૈયાર, પરંતુ જીભની લાલસા છોડવા નહીં! તપધર્મ આપણને આ જ સમજાવે છે કે, ‘તું તારી ખાવાની લાલસાને કંટ્રોલ કર.’, ‘તું તારી ખાવાની લાલસાને કંટ્રોલ કર.’

