નવી દિલ્હીઃ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે SCO (શાંઘાઈ સહકાર સંગઠન) ના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો. આ ચીન અને પાકિસ્તાન માટે એક મજબૂત સંદેશ છે, જેનો અર્થ એ છે કે ભારત કોઈપણ દબાણ અને પરિસ્થિતિમાં આતંકવાદ પર કોઈ સમાધાન કરશે નહીં. રાજનાથસિંહનું આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આવનારા દિવસોમાં બદલાતી ભૂરાજનીતિની દિશા નક્કી કરશે. SCOમાં ચીન અને રશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ પર ભારતે બતાવ્યું છે કે તે આતંકવાદ સામે હંમેશાં મોખરે રહેશે. ‘ઓપરેશન સિંદૂર’ હવે ભારતની નવી નીતિ છે, આ સિદ્ધાંતને કોઈ બદલી શકતું નથી.
ડ્રાફ્ટ પર સહી કરવાનો કેમ ઇનકાર?
રાજનાથસિંહે ચીનમાં SCO સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે અંતિમ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા નહોતા, કારણ કે તે નિવેદનમાં 22 એપ્રિલે પહલગામના આતંકી હુમલાનો ઉલ્લેખ નહોતો. તે હુમલામાં પ્રવાસીઓનો ધર્મ પૂછ્યછી હત્યા કરાઈ હતી, જેની જવાબદારી લશ્કર-એ-તોઇબાના સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ દ્વારા લેવાઈ હતી, પરંતુ સંયુક્ત નિવેદનમાં બલૂચિસ્તાન ટ્રેન હાઇજેકિંગનો ઉલ્લેખ કરાયો હતો. આ બતાવે છે કે નિવેદન લખનારાનો ઇરાદો શું હતો, જે ભારતને ગમ્યું નહીં. ભારત ઇચ્છતું હતું કે પહલગામ હુમલા અને આતંકવાદ વિશે પણ કંઈ કહેવામાં આવે, પરંતુ આવું ન થતાં ભારતે તે નિવેદન પર હસ્તાક્ષર ન કર્યા.
ચીન, પાકિસ્તાન અને અમેરિકાને સીધો સંદેશ
રશિયા યુક્રેન સાથે યુદ્ધમાં વ્યસ્ત હોવાથી અસરકારક ભૂમિકા ભજવી શકતું નથી. આ સ્થિતિમાં પાક. ચીનની મદદથી પોતાનો એજન્ડા ચલાવવા પ્રયાસ કરે છે, પરંતુ ચીનની ચાલ સમજીને ભારતે SCO માં દબાણ સામે ઝુકવા ઇનકાર કર્યો. ભારતે માત્ર આ બેવડાં ધોરણો પડકાર્યાં નથી, પરંતુ અમેરિકા જેવા પશ્ચિમી દેશોને સંદેશ પણ આપ્યો છે કે આતંકવાદ સામેની તેની નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં.