નવી દિલ્હીઃ ભારતની વિરુદ્ધ એસસીઓ (શાંઘાઈ સહયોગ સંગઠન)ની બેઠકમાં છતું થઈ ગયેલું ચીન વધુ એક કૂટનિતીક કાવતરું રચી રહ્યું છે. કુનમિંગમાં ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની બેઠક બાદ આ ત્રણેય દેશ સાકા (સાઉથ એશિયા-ચાઇના એલાયન્સ) બનાવવાની તૈયારીમાં છે. દક્ષિણ એશિયા-ચીન સહયોગ પર આધારિત આ સંગઠન સાર્ક (દક્ષિણ એશિયન સહયોગ સંગઠન)ને ચીની જવાબ માનવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ઓગસ્ટમાં આ પ્રસ્તાવિત સાકા અલાયન્સની ઈસ્લામાબાદમાં બેઠક પ્રસ્તાવિત છે. તેમાં શ્રીલંકા, માલદીવ અને અફઘાનિસ્તાનને પણ સામેલ કરવામાં આવી શકાય છે. ચીને આ ત્રણેય દેશોમાં પોતાના રાજદૂતોના માધ્યમથી છેલ્લા કેટલાક સમયથી કવાયત શરૂ કરી છે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાન અને માલદીવ આ સંગઠનમાં સામેલ થવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી ચૂક્યા છે.
નોંધનીય છે કે, સાર્ક દેશોની છેલ્લી પૂર્ણ બેઠક 2014માં કાઠમંડુમાં થઈ હતી. 2016 બાદથી જ સાર્ક સંગઠન નિષ્ક્રિય થઈ ગયું છે. 2020માં ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રીઓની બેઠક પ્રસ્તાવિત હતી, પરંતુ ઉરી આતંકી હુમલા બાદ ભારતે તેનો બોયકોટ કર્યો હતો. ત્યારે ભુટાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાએ પણ આતંકવાદના વિરોધમાં આ બેઠકનો બોયકોટ કર્યો હતો.
દક્ષિણ એશિયામાં ચીનનું સૌથી મોટું 60 અબજ ડોલરનું રોકાણ પાકિસ્તાનમાં છે, જેથી પાકિસ્તાન જ ચીનના સાકાનું મધ્યસ્થ બનેલું છે.