રામનારાયણ પાઠકની પંક્તિ યાદ આવે છેઃ
‘રુઝવે જગનાં જખમો, આદર્યા ને પૂરા કરે - ચલાવે સૃષ્ટિનો તંતુ, ધન્ય તે નવયૌવન!’
આમ સૃષ્ટિનો તંતુ ચાલતો રહે છે. કોઈ કહે પ્રેમ વિચિત્ર છે, તો કોઈને પ્રેમ વિષમ લાગે છે. ક્યાંક વફાદારી હોય છે પણ વધુ અનુભવો તો ઘણી વ્યક્તિઓને બેવફાઈના પણ થાય છે. એક ઉર્દૂ કવિએ કહ્યું છે કે, માણસ મજબૂરીથી બેવફા થતો હોય છે, પણ મારી દૃષ્ટિએ એ મજબૂરી સિવાય તેને તેના પરિવારની જવાબદારી પણ યાદ આવે છે. (પ્રેમ કરતાં હતાં ત્યારે પરિવાર યાદ નહોતો આવતો?) ઓડેન એની નિંદા નથી કરતા. પ્રેમ કોના જેવો લાગે છે? એ સુંવાળો છે કે કાંટાળો? એમાં સુગંધ છે કે બદબૂ છે? તો કોણ કહી શકે પ્રેમ વિશેનું સત્ય?
પ્રેમ ક્યારેક ભૂખ્યા કૂતરા જેવો છે, તો ક્યારેક એમાં લશ્કરીની રણભેરીઓ સંભળાય છે. ક્યારેક મહેફિલનું સંગીત છે, તો ક્યારેક એમાં અણગમતો ઘોંઘાટ છે. શાયર કહે છે કે, બધે ફરી વળ્યો પણ ભાગ્યે જ સાચો પ્રેમ જોવા મળ્યો. ‘કોઈક તો પ્રેમ વિશે સત્ય કહો.’ એ આવે છે તો ક્યારે અને કેમ આવે છે એની કોઈ ચેતવણી ખરી? ક્યારેક આવતાં જ આપણું નાક પકડે છે કે હાથ? સવારે 5 વાગ્યામાં દૂધવાળાની જેમ બારણે બેલ મારે છે? અને આવે છે કે આપણી જિંદગી ખરેખર બદલાય છે? મહેરબાની કરીને કોઈ તો કહો પ્રેમના સત્ય વિશે. ઓડેન ઘણા જ મોટા ગજાના કવિ. એમની કવિતાઓ ગજબની - હજારો પાનાં ભરાય. એક નાનો કાવ્યસંગ્રહ છે, જેનું શિર્ષક છેઃ Tell me the truth about love... આમ તો પ્રેમનું સત્ય પ્રેમ જ હોય એટલે કે અસત્ય હોય તેમાં પ્રેમ ન હોય.
પ્રેમ નાનકડું બાળક હોય તેમ નાદાન હોય તેમ લાગે. પ્રેમ પંખી જેવો છે એટલે કે એને ઊડી જતા વાર નહીં લાગે. હા, જે પિંજરામાં પુરાય તે પંખી નહીં. પંખી તો ડાળ પર થોડી વાર ઝૂલીને આકાશમાં ઊડી જાય અને આકાશ કોઈ દિવસ પંખીનાં પગલાં જાળવવા માટે જાણીતું નથી. આ જ કવિએ એક ‘Bristol Street’ નામનું કાવ્ય લખ્યું છે. એમાં રેલવેની કમાન નીચે બે પ્રેમી બેઠાં છે અને પ્રેમને કોઈ અંત નથી એવી હોશિયારી મારે છે અને પ્રેમ તો અમર છે એવી ગલગલિયાં થાય તેવી વાતો કરે છે, ત્યારે જ કાળના પ્રતીક જેવી ઘડિયાળ ખોંખારો ખાય છે.
પ્રેમીઓ એકમેકની બાહુપાશમાં એટલા તો ઓતપ્રોત છે કે કાળને ગાંઠતાં નથી. બંને જણ આંખોમાં આંખ પરોવી એકમેકને વચન આપે છે કે હું તમને પ્રેમ કરીશ. ચીન અને આફ્રિકા સંધાય ત્યાં લગી, નદી પર્વતને ઓળંગી જાય ત્યાં લગી, માછલી આપણી આ ગલીમાં ગીત ગાય ત્યાં લગી. આ કાવ્યનો અનુવાદ આપણા જગદીશ જોષીએ કર્યો છે. બંનેના પ્રેમનો લવારો, તો તે પ્રેમનું શું થાય છે? સસલાંની જેમ વર્ષો સરી જાય છે અને એ પ્રેમનું બાષ્પીભવન થઈ જાય છે. શયનખંડમાં સહરાના રણનો અનુભવ થાય છે.
પ્રેમનું સત્ય પ્રેમ જ હોય, પણ પ્રેમની જન્મકુંડળી ઘણી જ કરુણ છે. કાં તો બે પૈકી એકનું મરણ થાય છે, અથવા તો ક્યારેક બંને જીવતાં હોય પણ પ્રેમનું મરણ થઈ જાય છે.
પછી તો ઉમાશંકર જોષીએ કાવ્યમાં લખ્યું હતું એનો ભાવાર્થ એટલો જ કે પ્રેમથી જિંદગીની સાર્થકતા ખરી, પણ પ્રેમને કારણે જિંદગી સાર્થક થશે એવું તો કોણ કહી શકે? લગભગ તો સાથે સહીને સ્નેહ ક્યારે અને કેમ સુકાઈ જતો હોય છે એની જાણ તેમને પણ કદાચ હશે કે નહીં?
એલચી....
આ પ્રેમને મોરના પીંછા જેવો રંગીન અને સુંવાળો કહેવો કે ગુલાબના કાંટા જેવો કહેવો. વાંચકો જ નક્કી કરે...