શનિવાર ૨૮ જુન ૨૦૨૫ના રોજ નોર્થ લંડન, ઇસ્ટ લંડન, સાઉથ લડન અને લેસ્ટરથી બહેનોનો વિશાળ સમૂહ ચાર કોચો લઇ સાઉથ લંડનના આંગણે ઉમટ્યો હતો.
નવનાત ભગિની સમાજનો લીલો રંગ, સાઉથ લંડનનો કેસરી રંગ, ઇસ્ટ લંડનનો ભૂરો અને લેસ્ટરનો જાંબુડીઓ રંગ. વિવિધ રંગી વસ્ત્ર પરિધાનથી સમગ્ર હોલ જાણે કે હોળી ખેલી રહ્યો હોય એવો રંગીન ભાસતો હતો. વીમેન એમ્પાવરમેન્ટનું આ ઉજળું ઉદાહરણ હતું. યુનિટી, કલ્ચર અને સેલીબ્રેશનનો પણ આ ત્રિવેણી સંગમ હતો.
નવનાત ભગિની સમાજ, સાઉથ લંડનનું નારી વૃંદ, ઇસ્ટ લંડન એન્ડ એસેક્સના જૈન સંઘનું લેડીઝ મંડળ અને લેસ્ટર ભગિની કેન્દ્રની મળી ૪૦૦ મહિલાઓના મંડળોએ હોલમાં બોલીવુડ ઉભુ કરી મનોરંજનની મહેફિલ જમાવી હતી. દર વખતે માંચેસ્ટરનું લેડીઝ ગૃપ પણ ત્રિવેણી સંગમમાં સામેલ હોય છે પરંતુ આ વખતે અનુકૂળ સંજોગો ન હોવાને કારણે હાજરી ન હતી.
આ બધા જ મહિલા મંડળોનું સ્વાગત ઢોલના તાલે, મીઠા આવકારભર્યા ગીત અને પ્રમુખોને હારતોરા કરી ભવ્ય રીતે કરાયું હતું. નારી વૃંદના પ્રમુખ દક્ષાબહેન વિરાણી સહિત સમગ્ર કમિટી સભ્યોએ જાણે ઘર અંગણે લગ્ન પ્રસંગ હોય એવો ઉમંગભર્યો માહોલ સર્જી દીધો હતો.
આનંદની વાત તો એ હતી કે એમાં યુવતીઓએ પણ સક્રિય ભાગ લીધો. ઉમરના બાધ વિના બધાએ ઉત્સાહભેર ભાગ લઇ આનંદ માણ્યો હતો. કોમ્પેરીંગની જવાબદારી શીના, તારિકા, ચૈત્વી અને જાનકીએ ખૂબ સરસ રીતે નિભાવી એમના પ્રોફેશ્નાલીઝમના દર્શન કરાવ્યાં.
નારી વૃંદના પ્રસિડેન્ટ દક્ષાબહેન વિરાણીએ સૌનું હાર્દિક સ્વાગત કર્યા બાદ સાઉથ લંડનના પ્રેસિડેન્ટ રક્ષાબહેન શાહે પણ સૌનું સ્વાગત કરી આવકાર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ભારત નાટ્યમ રજુ કરી જાનકી મહેતાએ સૌનાં દિલ જીતી લીધાં.
સાઉથ લંડનની બહેનોએ કપૂર ખાનદાનની પાંચ પેઢીના બોલીવુડના અનુદાનને ગીત-નૃત્ય-અભિનય વગેરેનો સુંદર સુમેળ કરી હૂબહૂ સ્ટેજ પર તાદ્રશ્ય કરતાં સભાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં. લેસ્ટર ભગિની કેન્દ્રે રાજેશ ખન્નાને સ્ટેજ પર જીવંત કર્યા તો નવનાત ભગિનીએ જાણીતા સુપર સ્ટાર ધર્મેન્દ્રના ખાનદાનના પ્રદાનને યાદ કરી રજુઆત કરી અને ઇસ્ટ લંડનના ભગિનીએ બીગ બી-બચ્ચન પરિવારને યાદ કરી સુપરહીટ ગીતો આધારિત નૃત્યો રજુ કરી તહેલકો મચાવી દીધો. ચાર બોલીવુડના નાયકોની યાદ તાજી કરી એ સમયના સુવર્ણ યુગની ઝાંખી આ કાર્યક્રમે કરાવી.
મનોરંજન સાથે બહેનોના આરોગ્યને પણ મહત્વ આપ્યું હતું. કેરાલાની બે આયુર્વેદ નિષ્ણાત ડોક્ટરોએ કુદરતી ઉપચાર સહિત કઇ રીતે પોતાની શારિરીક હેલ્થ સાચવવું એ અંગે માહિતગાર કર્યા. સાથે યોગ પણ કરાવ્યા.
લેસ્ટર ભગિનીના પ્રેસિડેન્ટ આશાબહેન કોઠારી, જૈન સંઘ ઇસ્ટ લંડનના પ્રેસિડેન્ટ દીના બહેન દોશી અને નવનાત ભગિની સમાજના પ્રેસિડેન્ટ સરોજબહેન વારિયાએ પોતપોતાના પ્રવચનમાં ત્રિવેણી સંગમની શરૂઆત, આજના પ્રસંગની મહેમનાગતિ તથા વુમન સશક્તિકરણના પોતાના વિચારો દર્શાવ્યા અને તેઓનું સ્વાગત યજમાન પ્રેસિડેન્ટ દક્ષા બહેન વિરાણી તથા કમિટીએ કર્યું.
આ ત્રવેણી સંગમની શરૂઆત મહિલા સશક્તિકરણ ઉપરાંત સમાજસુધારા પણ એના કેન્દ્રમાં હતાં એની યાદ અપાવી નવનાત ભગિનીના પ્રમુખ સરોજબહેને જણાવ્યું કે, આપણે ત્યાં સ્વજનના મરણ બાદની પ્રાર્થના સભા બહુ લાંબી ન રાખવી, ઘરે પહોંચતા રાતના બાર વાગી જાય છે. એમાં ઓશવાળની પધ્ધતિ અનુસરવા જેવી છે. અંતિમ ક્રિયા બાદ છાશ-રોટલાની પ્રથા પણ નજીકના સ્નેહીજનો પૂરતી મર્યાદિત રાખવી. કેટલાય મરણનું ભોજન આરોગતા નથી! કેટલા આવશે એનો અંદાજ ન હોવાને કારણે બગાડ વધારે થાય છે અને વધારાના ખર્ચા, સ્ટ્રેસ…એના કરતાં એ રકમનું દાન કરવું હિતાવહ છે. બે વર્ષ બાદ ફરી મળીએ ત્યારે જોઇશું કે એમાં કેટલો સુધારો થયો?
છેલ્લે ૨૦૨૭ના ત્રવેણી સંગમ ઇસ્ટ લંડન એસેક્સના આંગણે કરવાની જાહેરાત એના પ્રેસિડેન્ટ બીના બહેને કરતા સૌએ એને સહર્ષ વધાવી લીધો.
આ કાર્યક્રમની સફળતા માટે એના કમિટી સભ્યો અને સેવાભાવી બહેનોએ ઊઠાવેલ જહેમતની સૌ કોઇએ મુક્તમને પ્રશંસા કરી. સવારનો નાસ્તો, બપોરનું લંચ અને સાંજનું જમણ લઇ સૌએ યાદોંની મીઠાશ સાથે ફરી મળવાના કોલ સહ વિદાય લીધી. જય મહિલા શક્તિ! જય ગુજરાતી !