છેલ્લા કેટલાંક વર્ષોથી ભારતીય ઉપખંડમાં મોટી કૂટનીતિક ચહલપહલ આકાર લઇ રહી છે. ચીન દ્વારા ભારતના પાડોશી દેશોને પોતાના પડખામાં લઇ ભારતને એકલો અટુલો પાડી દેવાનો કારસો ચાલી રહ્યો છે. પાકિસ્તાન તો પહેલેથી ચીનના ખોળામાં બેઠો છે અને નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન પણ ચીનની જીહજૂરી કરી રહ્યાં છે. આ તમામ દેશો અગાઉ સાર્ક સંગઠનમાં સામેલ હતાં અને તેના કારણે ભારતનું પાડોશી દેશો પર વર્ચસ્વ પણ સચવાયેલું હતું પરંતુ 18 સપ્ટેમ્બર 2016ના રોજ જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતેના ભારતીય સેનાના કેમ્પ પરના આતંકવાદી હુમલા બાદ ભારતે જાણે કે સાર્ક સંમેલનનું વિસર્જન જ કરી નાખ્યું. છેલ્લે 2014માં કાઠમંડુ ખાતે સાર્ક શિખર સંમેલન યોજાયું હતું.
હવે કૂટનીતિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ એક નવા પ્રાદેશિક સંગઠનની રચના પર કામ કરી રહ્યાં છે. અગાઉના સાર્ક સંગઠનમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદિવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સભ્યો હતાં. નવા અહેવાલો પ્રમાણે પ્રાદેશિક એકતાના નામે ચીનના નેતૃત્વમાં એક નવા મંચની સ્થાપના કરવામાં આવી રહી છે. આ માટે તાજેતરમાં જ ચીનના કુનમિંગ ખાતે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના પ્રતિનિધિઓની એક બેઠક પણ યોજાઇ ગઇ. તેમાં જોડાવા ભારતને પણ ઔપચારિક આમંત્રણ આપવામાં આવે તેવી સંભાવના છે.
પરંતુ ચીનના નેતૃત્વમાં બની રહેલા આ પ્રસ્તાવિત નવા સંગઠનમાં ભારતનું પ્રભુત્વ કેટલું રહેશે તેના પર શંકાઓ સેવાઇ રહી છે. તાજેતરમાં જ ક્વિંગડાઓ ખાતે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક યોજાઇ ગઇ. તેમાં ભારતને કેવી રીતે એકલો પાડી દેવાયો તે આપણે જોયું છે. ચીને પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરતાં સંયુક્ત નિવેદનમાંથી પહલગામ આતંકવાદી હુમલાનો છેદ જ ઉડાવડાવી દીધો અને ઉલટાનું બલુચિસ્તાનનો ઉલ્લેખ કરાવ્યો. તેના કારણે ભારતના સંરક્ષણ મંત્રી દ્વારા આ નિવેદન પર હસ્તાક્ષરનો ઇનકાર કરી દેવાયો. આશ્ચર્યની વાત તો એ છે કે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં રશિયા પણ સભ્ય છે અને તેણે પણ ભારતનો સાથ ન આપ્યો.
આગામી થોડા દિવસમાં બ્રાઝિલમાં બ્રિક્સ સંગઠનની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હાજરી આપવા ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગે હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. તેના માટે એવું કારણ અપાયું છે કે બ્રાઝિલે સ્ટેટ ડીનરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે તેથી જિનપિંગની મહત્તા ઓછી થઇ જશે. આમ ચીન દરેક મોરચે ભારતને ઘેરવાના કારસા ઘડી રહ્યો છે. ચીન તમામ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતને હાંસિયામાં ધકેલવાના પ્રયાસમાં રત છે અને તેમાં તેને પાકિસ્તાન સહિતના ભારતના પાડોશી દેશોનું સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે.
આવી સ્થિતિમાં એક સવાલ મહત્વનો બની રહ્યો છે કે શું ભારતે સાર્ક સંમેલન વિખેરી નાખીને મોટી કૂટનીતિક ભૂલ કરી છે ? છેલ્લા નવ વર્ષથી સાર્ક શિખર સંમેલનની એક પણ બેઠક મળી નથી. સાર્ક સંમેલન એક એવું માધ્યમ હતું જેના દ્વારા ભારત ભારતીય ઉપખંડમાંના પાડોશી દેશોના મોટાભાઇ તરીકેનો પ્રભાવ જાળવી શક્તો હતો. આ સંગઠનના માધ્યમથી વૈશ્વિક સ્તરે પણ ભારતીય કૂટનીતિ પ્રભાવી બની રહેતી હતી.
હવે ચીનના નેતૃત્વમાં ભારતીય ઉપખંડના પાડોશી દેશોને સામેલ કરીને એક નવા પ્રાદેશિક સંગઠનની રચનાના પ્રયાસ શરૂ થયા છે જે ખરેખર તો ચિંતાજનક છે. સાર્કમાં ચીન સામેલ નહોતો તેથી તેમાં તેની તૂતી બોલતી નહોતી પરંતુ નવા પ્રસ્તાવિત સંગઠનમાં ભારત સામેલ થાય તો પણ ચીન ભારતને એકલો પાડી દેવાની કોઇ કસર બાકી રાખશે નહીં. આજે એક દાયકા બાદ સાર્ક સંમેલનની કૂટનીતિક જરૂરીયાત સમજાઇ રહી છે.