એક વર્ષ પહેલાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે હાઉસ ઓફ કોમન્સમાં 172 બેઠકોની બહુમતી સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ કર્યો હતો. નબળાં અર્થતંત્ર અને આર્થિક નીતિઓ, વિદેશી કટોકટીએ સરકારી તિજોરી પર ભારે બોજો સર્જ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષમાં રાજકીય ભૂલોના કારણે સંસદમાં આટલી બહુમતી છતાં સ્ટાર્મર સરકાર હજુ મજબૂત સ્થિતિમાં આવી શકી નથી. તેના કારણે રિફોર્મ યુકે લોકપ્રિયતાના શિખરો સર કરી રહી છે. સ્ટાર્મરની અંગત લોકપ્રિયતા પણ જોખમાઇ ચૂકી છે અને લેબર મતદારો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
એક વર્ષમાં વડાપ્રધાન સ્ટાર્મરે તેમની સરકારના ઘણા નિર્ણયોમાં પીછેહઠ કરવાની ફરજ પડી છે. વિન્ટર ફ્યુઅલ પેમેન્ટના મામલે નમતું જોખ્યાં બાદ હવે વેલ્ફેર બેનિફિટ્સમાં કાપના મામલે પણ સ્ટાર્મરને તેમની જ પાર્ટીના બેક બેન્ચર્સ ફરજ પાડી રહ્યાં છે. નોન ડોમ ટેક્સ માળખાના મામલે પણ સ્ટાર્મર સરકાર પીછેહઠ કરવાની વિચારણા કરી રહી છે.
આમ વડાપ્રધાન સ્ટાર્મર દરેક મામલામાં પીછેહઠ કરીને એક નબળા વડાપ્રધાન પૂરવાર થઇ રહ્યાં છે.
એક વર્ષના કાર્યકાળમાં સ્ટાર્મર સરકાર ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવામાં સદંતર નિષ્ફળ ગઇ છે. ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં કોઇ ઘટાડો થયો નથી. તેવી જ રીતે એનએચએસની સેવાઓમાં સુધારાના સ્ટાર્મર સરકારના વચનો
પણ પોકળ સાબિત થયાં છે. વેઇટિંગ લિસ્ટથી માંડીને તમામ મોરચે લેબર સરકાર નિષ્ફળ રહી છે.
સ્ટાર્મર સરકારની આ પ્રકારની અનિર્ણાયકતાના કારણે લેબર મતદારો મોં ફેરવી રહ્યાં છે. ગયા સપ્તાહમાં કરાયેલા સરવે પ્રમાણે લેબર પાર્ટીને ફક્ત 23 ટકા મતદારોનું સમર્થન હાંસલ થયું હતું જેની સામે રિફોર્મ યુકેને 26 ટકા મતદારોનું સમર્થન મળ્યું હતું. લેબરનું આ ધોવાણ સ્ટાર્મર સરકારની નીતિઓમાં ગુલાંટના કારણે થયું હોવાનું માનવામાં આવે છે. રિફોર્મ યુકેને અટકાવવા માટે સ્ટાર્મરે પોતાની નીતિઓ ધરમૂળથી બદલી તો નાખી છે પરંતુ તેમને તેના કોઇ સારા પરિણામ હાંસલ થયાં નથી.
ઇતિહાસકાર સર એન્થની સેલ્ડોન તો વડાપ્રધાન સ્ટાર્મરને આ સદીના સૌથી નિષ્ફળ વડાપ્રધાન ગણાવી રહ્યાં છે. તેમના મતે થોડા સપ્તાહ માટે વડાપ્રધાન બનેલા લિઝ ટ્રસે સારી કામગીરી કરી હતી.