જેની કાગડોળે રાહ જોવાતી હતી તે ઓટમ બજેટનો પટારો ખુલી ગયો છે. ચાન્સેલર રેચલ રીવ્ઝે રજૂ કરેલું વર્ષ 2025નું ઓટમ બજેટ પહેલી નજરે તો એમ લાગી રહ્યું છે કે ચાન્સેલરે સામાજિક તથા અંદાજપત્રીય જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આવકવેરા, નેશનલ ઇન્શ્યુરન્સ વર્ષ 2031 સુધી યથાવતા રાખવાનો નિર્ણય પરિવારોને કરબોજ હેઠળ લાવી દેશે તે વાસ્તવિકતા છે. ચાન્સેલરે આડકતરી રીતે વેરા વસૂલવાનું નક્કી કર્યું તેની સીધી અસર મધ્યમવર્ગીય નોકરીયાતો, મૂડીરોકાણકારો અને પ્રોપર્ટી માલિકો, વાહનચાલકો પર પડવાની છે. એ વાતમાં કોઇ શંકા નથી કે ચાન્સેલરે ઓછી આવક ધરાવતા પરિવારોને અર્થપુર્ણ મદદ આપવાનું નક્કી કર્યું છે. મોંઘવારીમાં કચડાઇ રહેલા પરિવારોને મદદ પર ભાર મૂકાયો છે. આમ રેચલનું ઓટમ બજેટ મિશ્ર જ કહી શકાય.બીજા શબ્દોમાં કહીએ તો ‘એક હાથ લે ઔર દુસરે હાથ દે’ની નીતિ ચાન્સેલરે અપનાવી છે.
રાહતોની વાત કરીએ તો ચાન્સેલરે ટુ ચાઇલ્ડ બેનિફિટ કેપ હટાવીને પરિવારોને સૌથી મોટી રાહત આપી છે. આ પગલું બાળ ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સામે ઝઝૂમી રહેલા ઓછી આવક ધરાવતા પરિવારોને લઘુત્તમ વેતનમાં વધારો કરીને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. તેનાથી ઓછી આવક ધરાવતા નોકરીયાતો અને પેન્શનરોની ખરીદશક્તિ જળવાઇ રહેશે. તે ઉપરાંત રીવ્ઝે એનર્જી પોલિસીમાં બદલાવ કરતાં 2026થી એનર્જી બિલમાં ઘટાડો શરૂ થઇ જશે. ચાન્સેલરે આ સાથે એવો પણ સંકેત આપ્યો છે કે તેમની સરકાર વધુ પ્રગતિશીલ સામાજિક નીતિ અપનાવવા જઇ રહી છે.
જોકે કલ્યાણ યોજનાઓ માટે નાણાની જરૂર પડે છે અને તે માટે ચાન્સેલરે સંસદની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં કરદાતાઓ પાસેથી વધારાના 26 બિલિયન પાઉન્ડ વસૂલી લેવાની રૂપરેખા પણ બજેટમાં આપી દીધી છે. આવકવેરા અને નેશનલ ઇન્શ્યુરન્સ પરનો સ્થગનાદેશ વર્ષ 2031 સુધી લંબાવી દેવાયો છે તો બીજીતરફ લઘુત્તમ વેતનના દરોમાં વધારો થતાં વધુને વધુ નોકરીયાતો આગામી વર્ષોમાં હાયર ટેક્સ બ્રેકેટમાં સામેલ થતાં જશે. તેમની વાસ્તવિક આવકમાં નજીવો વધારો થશે પરંતુ કરવેરો મોટા બોજારૂપ બનતો રહેશે. રીવ્ઝે ડિવિડન્ડ, બચતો પરના વ્યાજ પર ટેક્સ, હાઇ વેલ્યૂ પ્રોપર્ટી પર મેન્શન ટેક્સ, ઇવી પર માઇલેજ ટેક્સ લાગુ કરીને કરદાતાને બને તેટલો ચૂસી લેવાનું કામ પણ કર્યું છે. સરકાર એકતરફ પબ્લિક ફાઇનાન્સને સુધારવા તો માગે છે પરંતુ તેના માટે ભોગ તો મધ્યમવર્ગીય કરદાતાઓ જ બનશે.
રીવ્ઝે કરબોજો વધારીને એક રીતે તો મોટો જુગાર જ રમ્યો છે. વધેલા કરબોજની બિઝનેસો પર થનારી અસર યુકેના અર્થતંત્રનું ભાવિ ઘડશે. રેચલના બજેટની જોગવાઇઓથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આર્થિક વિકાસ માટે ચાન્સેલરે કોઇ મજબૂત પગલાં લીધાં નથી. બજેટ આવતાંની સાથે જ તેની અસરો બિઝનેસ પર દેખાવાની પણ શરૂ થઇ ગઇ છે. સરવાળે રીવ્ઝનું બજેટ બિઝનેસ અને ઉદ્યોગજગત માટે બોજો વધારનારું જ છે અને તેથી જ બિઝનેસ કોન્ફિડન્સ પણ ઘટી રહ્યો છે. નોકરીઓ અને ઇન્વેસ્ટમેન્ટની અપેક્ષાઓમાં ઘટાડો થયો છે. બિઝનેસ જગતનો આરોપ છે કે બજેટમાં એવા કોઇ પગલાં લેવાયાં નથી જેનાથી નક્કર અસર જોવા મળી શકે.
સરવાળે ઓટમ બજેટ કાળજીપુર્વક સંતુલન સાધવાનો પ્રયાસ જ જણાય છે. ચાન્સેલરે લીધેલાં કલ્યાણકારી પગલાં અર્થપુર્ણ છે પરંતુ અર્થતંત્રની વૃદ્ધિ માટેની તેમની વ્યૂહરચના ઘણી મર્યાદિત લાગી રહી છે.
