દ્વિપક્ષીય સંબંધોમાં થોડા મહિનાની શાંતિ બાદ ચીને ફરી એકવાર અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો ઠોકી ઉંબાડિયું ચાંપ્યું છે. અરૂણાચલપ્રદેશની એક મહિલાને ભારતીય પાસપોર્ટ માટે પરેશાન કર્યા બાદ બંને દેશ વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. ચીનની વિસ્તારવાદી નીતિઓ કુખ્યાત છે. ચીનને તેના દરેક પાડોશી દેશ સાથે સરહદી વિવાદ છે જેમાંથી ભારત પણ બાકાત નથી. 1962ના યુદ્ધમાં ચીને અક્સાઇ ચીનને પચાવી પાડ્યું હતું. લદ્દાખના કેટલાક વિસ્તારો પણ ચીન આજે પણ દાવો ઠોકી રહ્યો છે અ ઉત્તરપૂર્વ ભારતના અરૂણાચલ પ્રદેશને પણ તે પોતાનો ઝેંગનાન પ્રદેશ ગણાવે છે. આ પહેલી ઘટના નથી. અગાઉ વર્ષ 2005માં પણ ચીને અરૂણાચલ પ્રદેશના લોકોને સ્ટેપલ્ડ વિઝા આપવાનું શરૂ કર્યું હતું.
આમ તો આ સરહદી વિવાદ બ્રિટિશ રાજ પાસેથી વારસામાં મળેલો છે. માર્ચ 1914માં તિબેટ, ચીન અને બ્રિટિશ ઇન્ડિયા વચ્ચે સરહદ નક્કી કરવા હેન્રી મેકમોહનના નેતૃત્વમાં મંત્રણા થઇ હતી અને તેમાં મેકમોહન લાઇનના નામે એક સરહદ ખેંચવામાં આવી હતી. તિબેટે તો આ લાઇન સ્વીકારી લીધી હતી પરંતુ ચીને ક્યારેય મેકમોહન લાઇનને માન્ય રાખી નથી. ભારતની આઝાદી પછી પણ ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર ગણાવતો રહ્યો છે. દાયકાઓ સુધી ચીન ફક્ત તવાંગ પ્રદેશ પર જ દાવો કરતો રહ્યો હતો પરંતુ તાજેતરના વર્ષોમાં તેણે સમગ્ર અરૂણાચલ પ્રદેશ પર દાવો કરવાનું શરૂ કર્યું છે.
ભારત માટે અરૂણાચલ પ્રદેશ વ્યૂહાત્મક અને લશ્કરી દ્રષ્ટિએ અત્યંત મહત્વનું રાજ્ય છે. તાજેતરમાં બંને દેશ વચ્ચે શરૂ થયેલો વિવાદ આમ તો દ્વિપક્ષીય સંબંધોમાં એક નાનકડો તણખો જ છે અને સંબંધ સુધારવાની વાત આવે ત્યારે તે વિકરાળ બનવો જોઇએ નહીં. આમ પણ ગલવાન વેલીમાં થયેલી અથડામણ બાદ બંને દેશની સેનાઓ લાંબા સમય સુધી લદ્દાખમાં સામસામે રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે નવી દિલ્હી અને બેઇજિંગ નજીક આવ્યા હતા. પરંતુ ટ્રમ્પે ચીન સામે નમતું જોખતાં ભારત અને ચીન વચ્ચેની નિકટતા ક્ષણજીવી નીવડતી જોવા મળી રહી છે. ચીને ફરી એકવાર અરૂણાચલ પ્રદેશ પર દાવો ઠોકીને પોતાની વિસ્તારવાદી માનસિકતા છતી કરી દીધી છે.
ભારત માટે ચીનના બદઇરાદા છૂપા તો નથી જ પરંતુ તાજેતરના સમયમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન વચ્ચે જે રીતે ધરી રચાઇ રહી છે તે સમગ્ર ઉત્તરપૂર્વ ભારત માટે પડકારજનક છે. ભારતે ચીનના બદઇરાદા સામે સાવધ રહેવું જ પડશે.
