યુકે પાર્લામેન્ટમાં શિવ મહાપુરાણના સૌપ્રથમ પઠન સાથે દિવાળીની ઉજવણી

Wednesday 03rd December 2025 05:44 EST
 
 

લંડનઃ ધ્રુવ છત્રાલિયા BEMએ મંગળવાર,18 નવેમ્બર 2025ના રોજ યુકે પાર્લામેન્ટમાં સૌપ્રથમ વખત શિવ મહાપુરાણનું પઠન કરવા સાથે ઈતિહાસ સર્જ્યો હતો. પદ્મશ્રી બોબ બ્લેકમેન MPના યજમાનપદે હાઉસ ઓફ કોમન્સમાં ઐતિહાસિક સંધ્યાનું આ યોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ખીચોખીચ હોલના કાર્યક્રમમાં બે કલાક સુધી માતા પાર્વતી અને મહાદેવ શિવના પ્રતીકો તથા કથાઓ પર વાતચીત થઈ હતી. આ કાર્યક્રમ સાથે જ પદ્મશ્રી બોબ બ્લેકમેન MP થકી યુકે પાર્લામેન્ટમાં ધ્રુવ છત્રાલિયા BEM દ્વારા હિન્દુ શાસ્ત્રો પરના વ્યાખ્યાનોનું આયોજન કરવાના 10 વર્ષ પૂર્ણ થયા છે.
ધ્રુવ છત્રાલિયા BEMએ શક્તિશાળી હિન્દુ પ્રાર્થનાઓના પઠન સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. હિન્દુ દેવતાઓને સમર્પિત પ્રાર્થનાના સુમધુર મંત્રોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. ધ્રુવે સુંદર રીતે સમજાવ્યું કે શિવ એ જ ઓમકાર છે, વેદોનો મૂળ સ્રોત છે અને વેદ શિવના મંત્રો જ છે. રુદ્ર/શિવ વૈદિક યજ્ઞનું પ્રતીક છે, જે બહારથી કર્મકાંડ છે અને અંદરથી યોગ છે. તેમણે સુંદર રીતે સમજાવ્યું હતું કે શિવ મહાદેવ શુદ્ધ પ્રકાશરૂપે બ્રહ્માંડ-યુનિવર્સ પર સંચાલન કરે છે, સનાતન ધર્મના પરિવર્તનશીલ સારને ધારણ કરે છે, બ્રહ્માંડને ધારણ કરે છે અને બધાને મોક્ષ તરફ લઈ જાય છે. મહાદેવ શિવ સર્વોચ્ચ આનંદ, પરમ જ્યોતિ અને આપણા દિવ્ય સ્વરૂપની અનુભૂતિ કરાવે છે. આપણે ચારેય દિશાઓથી તેમના સર્વવ્યાપી સ્વરૂપનું આહ્વાન કરવું જોઈએ.
અનુષા સરીને પ્રેરણાદાયી વ્યાખ્યાન સાથે સમજાવ્યું હતું કે શિવ વેદોનું સ્વરૂપ છે અને વૈદિક યજ્ઞનાં પ્રતિનિધત્વરૂપે રુદ્રમ્ દ્વારા તેમની પૂજા થાય છે. શિવ મહાકાલ– સમયના સર્વોચ્ચ શાસક અને અનંત ચેતનાનું સ્વરૂપ છે. શિવની મહાન રાત્રિ, મહાશિવરાત્રિ આપણને શિવના શાશ્વત સ્વરૂપ સાથે જોડે છે. તેમણે કહ્યું કે યોગ એ ક્ષણિક જીવથી શાશ્વત શિવ સુધીની યાત્રા છે, જેઓ તમામ અસ્તિત્વોથી પર સમયાતીત અસ્તિત્વ છે.
આ પછી, ધ્રુવ છત્રાલિયા BEMએ શિવ મહાપુરાણનું અદ્ભૂત પઠન કરવા સાથે કથાઓનાં ઊંડાણપૂર્વકના ગહન અર્થોની સમજ આપી હતી. તેમણે યજ્ઞની વ્યાખ્યા સાથે શરૂઆત કરી હતી અને સમજાવ્યું કે યજ્ઞ શબ્દ ‘યજ્’ ધાતુ પરથી આવ્યો છે, જેના ત્રણ અર્થ – દેવપૂજા, સંગતિકરણમ અને દાન થાય છે. દેવપૂજા એટલે સદ્ગુણોના અવતાર દેવતાઓની પૂજા કરવી, જેનો અર્થ થાય છે કે આપણે પણ તેમના જેવા સદ્ગુણો અંતરમાં ધારણ કરીએ. સંગતિકરણનો અર્થ થાય છે કે સમાન વિચારો- હિતો, સિદ્ધાંતો અને ચોક્કસ ઉદ્દેશો પ્રતિ સમર્પિતતા ધરાવતા લોકો સાથે આત્મસાત થવું. દાનમનો અર્થ દાન થાય છે. દાનથી યજ્ઞની અસર વધુ શક્તિશાળી થાય છે અને તેનું ફળ અનેકગણું વધી જાય છે. યજ્ઞ ‘આ મારું નથી’નું તત્વજ્ઞાન શીખવે છે. તેમણે દક્ષ યજ્ઞની કથા સમજાવી હતી અને તેનાથી ક્રોધ પર કેવી રીતે વિજય મેળવી શકાય, સફળતા તથા આયુષ્યની વૃદ્ધિમાં કેવી રીતે મદદ મળે છે તે સમજાવ્યું હતું. આ પછી, તેમણે હિન્દુ શાસ્ત્રો અનુસાર ક્રોધ પર વિજય હાંસલ કરવાના નવ પગલાંની શાસ્ત્રોક્ત પ્રક્રિયા પણ જણાવી હતી.
ધ્રુવ છત્રાલિયા BEMએ દક્ષ યજ્ઞના આધ્યાત્મિક પ્રતીકવાદ વિશે ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું કે સતીના પિતા દક્ષ અહંકારનું પ્રતીક છે. દક્ષયજ્ઞ સકામ કર્મ અથવા એવું કર્મ જે દિવ્યતા માટે નહિ, પરંતુ અહંકારને પોષવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે. સતી સાપેક્ષ બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. તે સાંસારિક પરિપ્રેક્ષ્યમાં દુન્યવી સમજની બુદ્ધિ આપે છે, પરંતુ આત્મજ્ઞાન પામવામાં મદદ કરતી નથી કારણ કે તે અહંકારની પુત્રી છે. દક્ષ તેની પુત્રી સીતા તેની આજ્ઞાનું પાલન કરે તેમ ઈચ્છે છે કારણકે અહંકારીઓ મર્યાદિત બુદ્ધિવાળા તેમની આજ્ઞાનું પાલન કરે તેમ ઈચ્છે છે. જોકે, આધ્યાત્મિક માર્ગ પર બુદ્ધિ અહંકારથી દૂર થાય છે અને નિરપેક્ષ શિવના શરણમાં જાય છે. ધ્રુવ છત્રાલિયાએ સમજાવ્યું કે બુદ્ધિ અહંકારને પડકારે છે ત્યારે શિવના ગણો વૈરાગ્ય અને વિવેક તેની સહાયમાં આવે છે. આ ગણોની મદદથી મનના તમામ ભ્રમ દૂર થાય છે. ભગવાન શિવના પરમ ગણ વીરભદ્ર સર્વોચ્ચ વૈરાગ્યના પ્રતિનિધિ છે તેમની સહાયથી સમાધિ પ્રાપ્ત થાય છે અને અહંકારનો નાશ કરે છે. પૌરાણિક કથામાં શિવ તેમના ત્રિશૂળ દ્વારા દક્ષનું અહંકારી મસ્તક છેદી નાખે છે અને પ્રાર્થનાઓ પછી બકરાનું મસ્તક લગાવી દક્ષને સજીવન કરે છે. સંપૂર્ણ શરણાગતિ અને વિનમ્રતાની સ્થિતિમાં અહંકાર બકરાની વિનમ્ર બોલી બોલે છે અને શિવજી પ્રસન્ન થાય છે.
ધ્રુવ છત્રાલિયાએ ઓડિયન્સને સમજાવ્યું હતું કે સતીએ તેમના મૃત્યુ પહેલાં આવતા જન્મમાં શિવચરણો પ્રત્યે વધુને વધુ પ્રેમ રહે તેવી પ્રાર્થના કરી હતી. અંતિમ ઈચ્છાના પરિણામે, તેમનો જન્મ હિમાલયના અધિષ્ઠાતા રાજા હિમાવંતની પુત્રી પાર્વતી/ઉમા તરીકે થયો હતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની પ્રક્રિયામાં સાપેક્ષ બુદ્ધિ જ્ઞાન અને સમાધિની અગ્નિમાં ભસ્મ થઈ, હવે તે અહંકારની પુત્રી ન રહી, હિમાલયની પુત્રી બની – એટલે શુદ્ધ, ઉન્નત અને બ્રહ્મ તરફ ઝૂકેલી બુદ્ધિ બની રહી.
ધ્રુવ છત્રાલિયાએ સમજાવ્યું કે હિમાલય ઉચ્ચતમ માનસિક ઉન્નતિ, બ્રહ્મા સુધી પહોંચતા પવિત્ર વિચારોથી ભરેલાં શુદ્ધ મનનું પ્રતીક છે. ઉમાનો દીર્ધ ઉપવાસકાળ અનંત તપ, ધ્યાન, સમાધિ અને વિચારનું પ્રતીક છે. દૈવીપ્રેમની શક્તિથી આ તપ અનંતકાળ સુધી ચાલે છે કારણ કે અંદરથી દિવસેને દિવસે વધુ આનંદ મળતો જાય છે. આ તપ સાથે વૈરાગ્ય પણ વધતો જાય છે, દુનિયાનું આકર્ષણ ઓછું થતું જાય છે. સમાધિના સર્વોચ્ચ સ્તરે યોગી પોતાના ચિત્ત અથવા મનથી પણ અળગા થઈ જાય છે. મન સાથે તેની ઓળખ રહસ્યમય રીતે તૂટી જાય છે અને પરાવૈરાગ્યની સ્થિતિમાં પહોંચે છે, જ્યાં સમગ્ર બ્રહ્માંડ ઘાસના તણખલા સમાન જણાય છે. સપ્તર્ષિઓ દ્વારા ઉમાની પરીક્ષાની કથા સમજાવતા તેમણે કહ્યું હતું કે આ પરીક્ષા પાંચ જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિના સિદ્ધાંતોની પરીક્ષા છે. શિવને સમાધિમાંથી જાગ્રત કરવા કામદેવની સહાય લેવાની કથા પણ તેમણે સમજાવી હતી. કામ-વાસના ભસ્મ ના થાય ત્યાં સુધી સિવજી ઉમા સાથે લગ્ન કરી શકતા નથી. કામદેવના દહન સાથે કામવાસનાની ઉર્ધ્વગતિ સાથે મનની દિવ્યતા પ્રાપ્ત થયા પછી જ શિવ-પાર્વતી વિવાહ થાય છે, એટલેકે જ્યાં સુધી વાસના ભસ્મ ન થાય ત્યાં સુધી દિવ્ય મિલન શક્ય નથી. ધ્રુવ છત્રાલિયાએ શિવ અને પાર્વતીના વિવાહ સમારંભનું અતિ સુંદર વર્ણન કર્યું હતું. વિવાહ માટે જાન હિમાલય તરફ પ્રયાણ કરી રહી હતી ત્યારે શિવના આગમનની રાહ જોઈ રહેલા ઉમાનું નગર સંપૂર્ણ પરિવર્તન પામેલું જણાય છે. ચિત્તનું પ્રતિનિધિત્વ કરતું નગર સંપૂર્ણ પવિત્ર અવસ્થામાં છે. આ વિવાહ જીવાત્મા અને પરમાત્માનું મિલન, કુંડલિની શક્તિ (ઊર્જા) અને શિવનું યોગસંધાન, પ્રકૃતિ અને પુરુષનું ઐક્ય દર્શાવે છે. આ મિલનથી અપાર આનંદ થાય છે અને જીવ વિશ્વ-બંધનમાંથી મુક્ત થાય છે. આ વિવાહનું ફળસ્વરૂપ કાર્તિકેયનો જન્મથાય છે, જે અજ્ઞાનરૂપી અસુર તારકાસુરનો નાશ કરી શાંતિ અને સમૃદ્ધિ સ્થાપે છે. કાર્તિકેય ડહાપણ-જ્ઞાનનું પ્રતીક છે.
રિદ્ધિ વ્યાસે શિવ આયુર્વેદની પ્રાચીન પરંપરા અને હિમાલય-શિવ-યોગ પરંપરાના સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઋગ્વેદમાં રુદ્રને સર્વોચ્ચ વૈદ્ય તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમણે આરોગ્ય અને સારવારના મહત્ત્વ સંદર્ભે અગ્નિ, ઈન્દ્ર, અને સોમ સાથે રુદ્રના સંબંધ વિશે પણ જણાવ્યું હતું .
આ પછી, ધ્રુવ છત્રાલિયાએ યુકે પાર્લામેન્ટમાં આ ઈવેન્ટના આયોજનમાં કરુણા અને ઉદારતા દાખવવા બદલ પદ્મશ્રી બોબ બ્લેકમેન MPનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બોબ બ્લેકમેને ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓના મહત્ત્વ વિશે જણાવી દરેક દેવતા મનુષ્ય માટે કયા આદર્શો અને ગુણોનું પ્રતીક છે તે સુંદર રીતે સમજાવ્યું અને આધ્યાત્મિક શિક્ષણના પ્રસારથી વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પુલ બાંધવાની વાત કરી હતી. ધ્રુવ છત્રાલિયાએ તેમને પદ્મભૂષણ ડો. ડેવિડ ફ્રોલીનું પુસ્તક ‘Astrology of the Seers: a Guide to Vedic/Hindu astrology’ ભેટ આપ્યું હતું. વક્તાઓ અને ઓડિયન્સે આ ઐતિહાસિક ઈવેન્ટની યજમાની કરવા બદલ બોબ બ્લેકમેન MPનો અને ઈવેન્ટને સપોર્ટ કરવા બદલ તમામ પાર્લામેન્ટેરિયન્સનો આભાર માન્યો હતો. ધ્રુવ છત્રાલિયાએ ઈવેન્ટને ભારે સફળતા પ્રાપ્ત થાય તે માટે વોલન્ટીઅર્સ સાથે સંકલન સાધવા માટે વીણા ઉત્તમ, પર્લ ગુપ્તા અને રોશની જોગીઆનો તેમજ સુંદર ફોટોગ્રાફી સાથે ઈવેન્ટને કચકડે કંડારવા બદલ રાજવી વાયાનો આભાર માન્યો હતો. માતા પાર્વતી અને મહાદેવ શિવના આશીર્વાદ થકી યુકે પાર્લામેન્ટમાં શિવ મહા પુરાણના પ્રતીકવાદને સમજાવતી આ સૌપ્રથમ કથાનો ઈવેન્ટ મહા જ્ઞાન યજ્ઞનો ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો હતો. આ પણા શાસ્ત્રોના સુંદર અને શક્તિશાળી મંત્રોએ હાઉસ ઓફ કોમન્સના વાતાવરણને પવિત્રતા બક્ષી છે.
આ કાર્યક્રમની તમામ બેઠક તેની જાહેરાતના માત્ર ૨૪ કલાકમાં બુક થઈ ગઈ અને ૯૦૦ લોકોનું વેઇટિંગ લિસ્ટ હતું, જે ઉત્સાહના પ્રમાણને દર્શાવે છે. અમને ઈ-મેઈલ્સ થકી અસંખ્ય સુંદર પ્રતિભાવો મળ્યા છે.
આ સાથે જ અમે ભગવદ્ગીતા, રામાયણ, હનુમાન ચાલીસા, શ્રીમદ્ ભાગવત, દેવી માહાત્મ્ય, શ્રી સૂક્ત અને શિવ મહાપુરાણ – આ સાતેય શાસ્ત્રો પર મહા જ્ઞાન યજ્ઞો પરિપૂર્ણ કર્યા છે. ૧૫ વર્ષમાં ૧૪ દિવાળી ઉજવણીઓમાં ગણેશ, હનુમાન, રામ, શિવ, કૃષ્ણ, દુર્ગા, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, સ્કંદ અને પાર્વતી – બધા જ મુખ્ય દેવતાઓ પર વ્યાખ્યાનો આપી ચૂક્યા છીએ. 440થી વધુ વ્યાખ્યાનો દ્વારા 161 દેશોમાં 340,000થી વધુ લોકો સુધી પહોંચ્યા છીએ. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમારા ઉદ્દેશમાં સાથ અને સહકાર આપવા બદલ ઓડિયન્સના સભ્યો પ્રતિ આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સહુએ અમારા હૃદયમાં વિશિષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે!


comments powered by Disqus