સોમવારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલાં સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમજ દેશને સંબોધન કરતાં પીએમ મોદીએ વિપક્ષોને આડે હાથ લીધા હતા. વિપક્ષો પર તીખા પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, સંસદમાં ડ્રામા નહીં પણ ડિલિવરી જોઈએ.
• દરેક ફોનમાં સંચારસાથી એપ્લિકેશન જરૂરીઃ ટેલિકોમ વિભાગે તમામ મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદકો અને આયાતકારોને 90 દિવસની અંદર ‘સંચારસાથી’ એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવાની સૂચના આપી છે. જો કે વિપક્ષ દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
• ભારતનો સ્વભાવ ઝઘડો કરવાનો નહીંઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં નેશનલ બુક ફેસ્ટિવલમાં મહત્ત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, ઝઘડાઓમાં પડવું ભારતનો સ્વભાવ નથી, દેશની પરંપરાએ હંમેશાં ભાઈચારા અને સામૂહિક સદ્ભાવ પર ભાર મૂક્યો છે. ભારતના રાષ્ટ્રવાદનો કોન્સેપ્ટ બિલકુલ અલગ છે. ભારત કોઈની સાથે વિવાદ કરતું નથી.
• દંતેવાડામાં 37 નક્સલીનું સરેન્ડરઃ છત્તીસગઢમાં ITBPએ નક્સલવાદના કોફિનમાં છેલ્લી ફાચર મારી છે. આઇટીબીપીએ અબુઝમાડમાં બેઝ બનાવતાં નક્સલીઓ માટે આંતરરાજ્ય મૂવમેન્ટનો કોરિડોર સીલ થઈ ગયો છે. આ સાથે જ રવિવારે દંતેવાડા વિસ્તારમાં એકસાથે 37 નક્સલીઓએ સરેન્ડર કર્યું છે.
• કર્ણાટકમાં બ્રેકઅપની વાતો વચ્ચે બ્રેકફાસ્ટઃ કર્ણાટકમાં નાયબ મુખ્યમંત્રી શિવકુમાર કેમ્પ દ્વારા મુખ્યમંત્રી બદલવાના દબાણ વચ્ચે શનિવારે કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને શિવકુમારે સાથે બ્રેકફાસ્ટ કર્યો હતો. આ સાથે શિવકુમારે આવી માગણી નકારીને અટકળોને વિરામ આપ્યો હતો.
• ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ટૂંક સમયમાં જાહેર થશેઃ બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ હવે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. પાર્ટી સ્તરે સંગઠનાત્મક ફેરફારોને લઈ નવી દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની શક્યતા છે. આ બેઠકમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ શકે છે.
• યુરોપ જંગ ઇચ્છે છે તો રશિયા તૈયાર પુતિનઃ રશિયન રાષ્ટ્રપતિ પુતિને મંગળવારે કહ્યું કે, ‘રશિયા યુરોપીય શક્તિઓ સાથે યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ જો યુરોપ મોસ્કો સાથે સીધો મુકાબલો ઇચ્છે છે તો તે લડવા માટે તૈયાર છે. અમે યુરોપને જડબાતોડ જવાબ આપીશું.’
• બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન વેન્ટિલેટર પરઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝિયાની તબિયત અત્યંત નાજૂક બની ગઈ છે અને તેઓને વેન્ટિલેટર પર મુકાયા છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય તબીબો તેઓની સારવારમાં વ્યસ્ત છે તેમ તેઓની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)ના નેતાઓએ જણાવ્યું હતું.
• પાકિસ્તાન મુશ્કેલીમાંઃ પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ અફઘાનિસ્તાનને ચેતવણી આપી હતી કે લોહી અને બિઝનેસ એક સાથે ચાલી ન શકે. આ સાથે અફઘાનિસ્તાન સાથે 48 દિવસોથી સરહદ બંધ થતાં પાકિસ્તાનનું અર્થતંત્રને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ તાલિબાને પોતાનો વેપાર ઇરાન, ભારત, મધ્ય એશિયા અને તુર્કી સાથે શરૂ કરી દીધો છે.

