કાબુલઃ અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાત્રે આવેલા 6ની તીવ્રતાના ભૂકંપ બાદ મોટી જાન-માલની નુકસાની થઈ છે. રવિવારે આવેલા 6ની તીવ્રતાના ભૂકંપ બાદ મંગળવાર રાત સુધીમાં ત્રણ મોટા ભૂકંપ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 1400થી વધુ લોકોનાં મોત થયાં છે.
પાકિસ્તાનની સરહદ પાસે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ભલે 6.0 રહી હોય પણ તેને પરિણામે જાન-માલની ભારે હાનિ નોંધાઈ હતી. તાલિબાન સરકારના પ્રવક્તા અનુસાર શક્તિશાળી ભૂકંપમાં મરનારા લોકોની સંખ્યા 1400થી વધુ છે, જેમાંના મોટાભાગના લોકો અંતરિયાળ ગણાતા કુનાર પ્રાંતના છે. આ ઉપરાંત અંદાજે 2500 લોકો ઘવાયા છે.
અમેરિકન આર્કિયોલોજી સર્વેક્ષણ અનુસાર 6.0ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર નંગાહાર પ્રાંતના જલાલાબાદ શહેરથી 27 કિલોમીટર દૂર પૂર્વમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ફક્ત 8 કિલોમીટરની ઊંડાઈ પર જ હતું, જેથી તે વધારે ખતરનાક સાબિત થયું હતું. જો કે તેની 20 મિનિટ બાદ જ તે જ પ્રાંતમાં 4.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો, દેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું. તો મંગળવારે સાંજે પણ ફરી ભારે તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે લોકોનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે થયેલી જાનમાલની હાનિથી ખૂબ જ દુ:ખ અનુભવું છું. આ કઠિન ઘડીમાં અમારા વિચાર અને પ્રાર્થના શોક મૃતક પરિવારોની સાથે છે. અમે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ. ભારત પ્રભાવિત લોકોને દરેકે દરેક સંભવિત માનવીય સહાય તથા રાહત પ્રદાન કરવા તૈયાર છે. વહેલામાં વહેલી તકે રાહતસામગ્રી મોકલવાનું શરૂ કરાશે.
ભારત, ચીન, બ્રિટને મદદ મોકલી
અફઘાનિસ્તાનની અપીલ બાદ ઘણા ભારત, ચીન અને બ્રિટન દ્વારા માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે. ભારતે અફઘાનિસ્તાનમાં 21 ટન રાહત સામગ્રી મોકલી છે, જેમાં બ્લેન્કેટ, તંબુ, હાઇજિન કિટ, પાણીની ટાંકીઓ, જનરેટર, વાસણ, પોર્ટેબલ વોટર પ્યૂરિફાયર, સ્લીપિંગ બેગ, દવાઓ, વ્હીલચેર, હેન્ડ સેનેટાઇઝર અને ઓઆરએસનો સમાવેશ થાય છે.

