નવી દિલ્હીઃ કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સરકારી આદેશ મુજબ ઉર્જિત પટેલને 3 વર્ષ માટે આ જવાબદારી સોંપાઈ છે. ઉર્જિત પટેલ જાણીતા અર્થશાસ્ત્રી છે.
તેમણે 2016માં રઘુરામ રાજનના સ્થાને RBIના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલાં તેઓ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી RBIના ડેપ્યુટી ગવર્નર હતા. 2018માં ઉર્જિતે વ્યક્તિગત કારણોસર ગવર્નરપદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ ટૂંકો હતો, પરંતુ તે દરમિયાન તેઓ ઘણી વખત નીતિગત મુદ્દા પર સરકાર સાથે અસહમત જોવા મળ્યા હતા. ખાસ કરીને વ્યાજદર ઊંચા રાખવા પર, જ્યારે તે સમયે ફુગાવો 1.5 ટકાથી નીચે આવી ગયો હતો. 2019 પછી પટેલે અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા હતા.
ઉર્જિત પટેલ મહુધાના વતની
પૂર્વ આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલનું વતન ખેડા-નડિયાદ પાસે આવેલું મહુધા છે અને તેમનો જન્મ નાઇરોબીમાં થયો હતો. જો કે ઉર્જિતના પિતરાઈ ભાઈઓ અને સગાં મહુધામાં આજે પણ રહે છે. નોટબંધીનો બહુચર્ચિત નિર્ણય રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેના તેમના કાર્યકાળમાં જ લેવાયો હતો.

