ટોકિયો: જાપાનમાં આજકાલ એક અનોખી પ્રેમકથા ચર્ચાના ચકડોળે ચઢી છે. 23 વર્ષનો નવલોહિયો કોફુ અને તેના મિત્રના 83 વર્ષનાં દાદીમા આઈકો એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. આવું મેળમાથા જોડું જોઇને કોઇપણ પરિવારમાં હંગામો મચી જાય, પણ આ કિસ્સામાં પ્રેમીપંખીડાને બન્ને પરિવારનો પણ ટેકો છે અને તેઓ હવે સાથે રહે છે. તાજેતરના ઈન્ટરવ્યુ પછી, તેમની વાર્તા સોશિયલ મીડિયા પર ખૂબ ધ્યાન ખેંચી રહી છે. ઈન્ટરવ્યુ દરમ્યાન, કોફુ આઈકોનો હાથ પકડીને જોવા મળ્યો હતો. આઈકો પણ તેમના મધુર અવાજ, રંગાયેલા નખ અને સ્ટાઈલિશ હેરકટથી તેમની ઉંમર કરતાં ઘણાં નાનાં દેખાતા હતા. તેમણે ખુલાસો કર્યો કે બંનેએ વેલેન્ટાઈન ડે પર એકબીજાને પ્રપોઝ કર્યું હતું અને છેલ્લા છ મહિનાથી ડેટિંગ કરી રહ્યા છે.
આઈકો અગાઉ એક સફળ બાગાયતકાર હતાં અને સાથેસાથે જ વિશાળ વેજીટેબલ માર્કેટનાં માલિક હતાં. બે વાર લગ્ન કરનાર આઈકોને એક પુત્ર, એક પુત્રી અને પાંચ પૌત્ર-પૌત્રીઓનો બહોળો પરિવાર છે. છૂટાછેડા પછી, તેઓ તેમના પુત્રના પરિવાર સાથે રહેતાં હતાં. તેઓ હંમેશા ફિટનેસ અને સ્ટાઇલિશ જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેના કારણે તે તેમની ઉંમર છે તેના કરતાં નાની લાગે છે. બીજી બાજુ, કોફુ તાજેતરમાં યુનિવસટીમાંથી સ્નાતક થયો છે અને એક સર્જનાત્મક ડિઝાઇન કંપનીમાં ઈન્ટર્ન છે. ખાસ વાત એ છે કે તે આઈકોની પૌત્રીનો બેચમેટ છે. આઇકોની પૌત્રીના ઘરે જતી વખતે, કોફુને પહેલી નજરમાં જ આઈકો સાથે પ્રેમ થઈ ગયો. આઈકોને પણ એવું જ લાગ્યું. તેણે કોફુની પ્રશંસા કરતા કહ્યું કે તે એક સારો વ્યક્તિ છે અને તે ખૂબ જ નમ્ર છે. હું આટલા ખુશખુશાલ વ્યક્તિને પહેલાં ક્યારેય મળી નથી. હું તરત જ તેના તરફ આકર્ષાઈ ગઈ હતી.
જોકે, ઉંમરના તફાવતને કારણે શરૂઆતમાં બંને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં ખચકાટ અનુભવતા હતા. બાદમાં બંનેએ આઈકોની પૌત્રી સાથે ડિઝનીલેન્ડની સફર દરમિયાન પોતાની લાગણીઓ વ્યક્ત કરી. આઈકો કહે છે, ‘તે ક્ષણે, હું સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.’
આજે, આ દંપતી ખુલ્લેઆમ તેમની મસ્તીમાં જીવી રહ્યા છે અને સમાજને બતાવી રહ્યું છે કે પ્રેમ ઉંમરની સીમાઓ કરતા ઘણો મોટો છે.
જોકે તેઓએ જાહેર કર્યું નથી કે તેઓ કોના ઘરમાં રહે છે.

