તાજેતરના સપ્તાહમાં વૈશ્વિક કૂટિનીતિના પ્રવાહોમાં પ્રચંડ બદલાવ જોવા મળ્યાં. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાતો પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ જે રીતે વૈશ્વિક સમીકરણોમાં ધરમૂળથી પરિવર્તન જોવા મળી રહ્યું છે. ચીન ખાતે એસસીઓના શિખર સંમેલનમાં એશિયાના 3 અગ્રણી દેશ રશિયા, ચીન અને ભારતે કરેલું શક્તિપ્રદર્શન ટ્રમ્પના ગાલ પર સણસણતા તમાચા સમાન પૂરવાર થયું છે. ટેરિફના જોરે ભારતને દબાવવાના ટ્રમ્પના પ્રયાસો બૂમરેંગ પૂરવાર થયાં છે. એસસીઓના મંચ પરથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને ચીન સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાના સંકેત આપીને ટ્રમ્પ અને અમેરિકાને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે ભારત તમારી ધમકીઓ સામે ઝૂકશે નહીં. આ 1947નો નહીં પરંતુ 2025નો ભારત દેશ છે જે વિશ્વમાં કોઇપણ પ્રકારની સ્પર્ધામાં પાછળ રહેતો નથી.
નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા ઘાંઘા બનેલા અમેરિકી પ્રમુખ એવા દીવાસ્વપ્નમાં રાચતા હતા કે ટેરિફનું શસ્ત્ર ઉગામીને ભારતને ઝૂકાવી શકાશે. દાદાગીરી કરીને અન્ય દેશો પાસેથી નોબેલ શાંતિ પુરસ્કારનું નોમિનેશન મેળવનારા ટ્રમ્પ દુનિયાભરમાં ઢોલ પીટી રહ્યા હતા કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવી લાખો જિંદગીઓ બચાવી લીધી છે. પાકિસ્તાન જેવા તળિયા વગરના લોટા જેવા દેશ પાસેથી નોબેલ નોમિનેશન તો મેળવી લીધું પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારત સામે તેમની દાળ ગળી નહીં. એટલે નાક દબાવવા ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું પરંતુ તે પણ બુઠ્ઠું પૂરવાર થઇ રહ્યું છે. હા, એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકાના ટેરિફથી ભારતીય નિકાસકારોને નુકસાન થશે પરંતુ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપવો જરૂરી હતો કે ભારત ક્યારેય કોઇ દેશના દબાણ સામે ઝૂક્યો નથી.
ટ્રમ્પને કદ પ્રમાણે વેતરી નાખવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન અને ચીનના પ્રવાસ અત્યંત મહત્વના ગણી શકાય. જાપાન અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ઘણા મજબૂત છે અને તાજેતરની મોદીની જાપાન મુલાકાતમાં બંને દેશ વચ્ચે પરસ્પર સહકાર માટે ઘણા કરાર કરાયાં. ચીન ખાતે એસસીઓની બેઠકમાં જે રીતે ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું અને એશિયાની આ 3 મહાશક્તિએ નવી ધરી રચી તે જોઇને અમેરિકી પ્રમુખના પેટમાં ફાળ જરૂર પડી હશે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને આપેલા જવાબે એક કાંકરે ઘણા પક્ષી મારી દીધાં છે. ભારત સાથે આડોડાઇ કરતા અન્ય દેશોને પણ એક સ્પષ્ટ સંકેત આપવામાં વડાપ્રધાન મોદી સફળ રહ્યાં છે. એક વાત તો સ્પષ્ટ છે કે એસસીઓ શિખર સંમેલને અમેરિકી પ્રમુખની હવે પછીની રાતોની ઊંઘ જરૂર હરામ કરી નાખી હશે. ભારત દ્વારા આ પ્રકારનું મક્કમ વલણ જરૂરી પણ હતું. ડોસી મરે તેનો વાંધો નહીં પરંતુ જમડો ઘર ભાળી ન જવો જોઇએ. ટ્રમ્પરૂપી જમડો નાક દબાવીને હરહંમેશ મનમાની કરે તે ભારતને પોષાય તેમ નહોતું.
ટ્રમ્પને જવાબ આપવાની સાથે ભારતે રશિયાને પણ ખાતરી કરાવી દીધી કે ભારત તેનો કાયમી મિત્ર છે. ભૂતકાળમાં રશિયાએ ભારતને મુશ્કેલીના સમયોમાં કરેલી મદદોનું ઋણ ભારતે આ વખતે રશિયાનો સાથ આપીને ચૂકવી દીધું છે. વૈશ્વિક કૂટનીતિમાં રશિયાનો સાથ ભારત માટે અત્યંત મહત્વનો છે. નાટો સામે બાથ ભીડી રહેલા રશિયાની પડખે રહીને ભારતે ભવિષ્યમાં રશિયાના સાથ અને સહકારની એકરીતે ગેરેંટી પ્રાપ્ત કરી લીધી છે. રશિયા સાથેના વધુ મજબૂત બની રહેલા ભારતના સંબંધ ચીનની અવળચંડાઇઓને રોકવામાં પણ ઘણા મદદરૂપ બની રહેશે. એસસીઓ ખાતે મોદી અને પુતિન વચ્ચેની મુલાકાતે ભારત માટે ઘણા દ્વાર ખુલ્લાં મૂકી દીધાં છે. આમ પણ રશિયા ભારતને શરૂઆતથી જ લશ્કરી શસ્ત્રસરંજામમાં મદદ કરતો રહ્યો છે. સંબંધોમાં વધુ મજબૂતાઇ આવતાં ભારત રશિયા પાસેથી અત્યાધુનિક સૈનિક ટેકનોલોજી પ્રાપ્ત કરી શકશે.
બીજીતરફ ચીન તરફ મૈત્રીનો હાથ લંબાવીને મોદી સરકારે બંને દેશ વચ્ચેના સંબંધોમાં નવી ઉષ્માનો સંચાર કર્યો છે. લાંબાગાળાથી બંને દેશ વચ્ચે અટકી ગયેલો વાટકી વ્યવહાર (વિમાની સેવા, નાગરિકોને વિઝા, મહત્વના ઉત્પાદનોની આયાત-નિકાસ પરની રોક) ફરી શરૂ કરી દેવાયો છે. સંબંધોમાં નવો સંચાર થતાં બંને દેશ વચ્ચે પ્રવર્તતા સરહદી વિવાદોનો ઉકેલ પણ સરળ બની રહેવાની સંભાવના છે. એસસીઓના મંચ પરથી પહલગામ હુમલાની આકરી ટીકા કરાવીને મોદીએ પાકિસ્તાનને પણ સીધો ઇશારો કરી દીધો છે કે માપમાં રહેજો. બેઠકમાં પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફની ઉપસ્થિતિમાં જ તમામ સભ્ય દેશોએ આતંકવાદ સામેની લડાઇમાં ભારતની પડખે રહેવાનો મનસૂબો જાહેર કર્યો તે એક અત્યંત મહત્વનો સંકેત છે. ચીનના ખીલે જોર કરી રહેલા પાકિસ્તાન માટે પણ આ સણસણતો તમાચો જ હતો.
ભારતે વૈશ્વિક સંબંધોમાં નવા આયામોનો પ્રારંભ તો કર્યો છે પરંતુ ચીન રશિયા જેવો ભરોસાપાત્ર દેશ નથી. તે માટે વડાપ્રધાન મોદીએ સાવધ રહેવું પડશે. ભૂતકાળમાં પણ ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગે સાબરમતી નદીના કિનારે વડાપ્રધાન મોદી સાથે ઝૂલે ઝૂલ્યા બાદ લદ્દાખમાં ચીની સેનાને મોકલી આપી હતી જે આજે પણ ભારતીય સેના સામે બંધૂકના નાળચા ગોઠવીને બેઠી છે. ખંધા ચીનનો વિશ્વાસ કરવો અઘરો છે પરંતુ હાલ અમેરિકા અને ટ્ર્મ્પના ઉંબાડિયાને જવાબ આપવા ભારતને ચીનની અને ચીનને ભારતની જરૂર છે. પરિસ્થિતિએ બંને દેશને ફરી એકવાર નજીક લાવી દીધાં છે ત્યારે આ સંબંધો વધુ મજબૂત બનીને ટકી રહે તે જરૂરી છે. ચીન પોતાની આર્થિક અને ઉત્પાદન શક્તિ દ્વારા ભારત પર હાવી ન થઇ જાય તે પણ ધ્યાન રાખવું પડશે. એ વાત ન ભૂલવી જોઇએ કે વૈશ્વિક કૂટનીતિમાં ભારતને કદ પ્રમાણે વેતરી નાખવામાં ચીન જરાપણ પાછી પાની કરતો નથી. તાજેતરમાં ઓપરેશન સિંદૂરના સમયે ચીને ભારતના પરંપરાગત દુશ્મન પાકિસ્તાનને સહાય કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. ચીન સાથેના સરહદી પ્રશ્નો પણ યથાવત છે. આજે પણ ભારતની હજારો કિલોમીટર જમીન ચીનના કબજામાં છે. સૌથી મહત્વની વાત એ છે કે ચીન તેની વિસ્તારવાદી નીતિઓ માટે કુખ્યાત છે. તે ગમે ત્યારે પીઠમાં ખંજર ભોંકી શકે છે.
હાલ પુરતું તો નવા સમીકરણો રચાયાં છે. આશા રાખીએ કે આ સમીકરણો વધુ મજબૂત બને અને અમેરિકા તથા વિશેષ કરીને ટ્રમ્પને ઝૂકવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય.
