લંડનમાં આયોજિત સરદાર કથા અને એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ એમ બે અધ્યાયની વિષદ્ ચર્ચાને લઈને પ્રકાશક-તંત્રી સી.બી. પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સમાચારનો ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ યોજાયો.
ઉલ્લેખનીય છે કે, લંડનમાં સર્વપ્રથમ વખત સરદાર કથાનું એનસીજીઓ અને સરદારધામ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આવા તબક્કે કાર્યક્રમનું સંચાલન કરતાં એબીપીએલ ગ્રૂપનાં ઓપરેશનલ્સ હેડ પૂજાબહેન રાવલે સંગત કોમ્યુનિટી સેન્ટરના વ્યવસ્થાપક કાંતિભાઈ નાગડાને આ અંગે માહિતી આપવા આગ્રહ કર્યો.
કાંતિભાઈ નાગડાઃ હાલના સમયમાં યુકેમાં તો ઠીક ભારતમાં પણ કેટલાક લોકોને રામને કેટલા ભાઈ હતા તે અંગે ખબર જ નથી હોતી. એટલે કે જોઈએ લોકો સુધી આ કથાઓ પહોંચી જ નથી. આપણે ભારત બહાર પ્રથમ વખત એક પ્રયોગ કરી રહ્યા છે, અને એ છે સરદાર વલ્લભભાઈ પટેલની ગર્વકથા, જેમાં જન્મથી મરણ સુધીમાં કટલા કઠિન સમય દરમિયાન કેટલું મેળવ્યું તે વિશે કથા કરવામાં આવશે. સરદારે સમગ્ર દેશના અનેક પ્રાંતોને એકત્ર કરી ભારતનું નિર્માણ કર્યું તે તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ એ સિવાય તેમના જીવનની અનેક કથા એવી છે જે અંગે આપણે સૌને સરદાર કથા દ્વારા જ જાણી શકીશું. રાજકોટના રહેવાસી શૈલેશ સતપરિયા દ્વારા આ કથાનું પાન કરાવશે, જે ગુજરાત સરકારના સર્વિસ કમિશનના ક્લાસ-1 અધિકારી હતા. તેઓએ તેમના સમય દરમિયાન કોઈપણ જાતના ભેદભાવ વિના અનેક યુવાનોને તૈયાર કરી સરકારી નોકરીનું યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ કથા 20-21 સપ્ટેમ્બરે શનિવાર અને રવિવારે બપોરે 3થી 7 વાગ્યા દરમિયાન યોજાશે, જે બાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જે નવનાથ સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઝમાં યોજાશે. આ કથામાં ભાગ લેવા કોઈ એન્ટ્રી ફી નથી, કે રજિસ્ટ્રેશન પણ કરવાનું રહેશે નહીં.
કાંતિભાઈ નાગડા પાસે સરદાર કથા અંગે માહિતી મેળવ્યા બાદ માયાબહેન દીપકે કાર્યક્રમમાં હાજર લોકોને ભજન લલકારી ડોલાવી દીધા હતા.
માયાબહેનના ભજન બાદ 1983થી અવિરત સમાજની સેવા માટે સમર્પિત સંસ્થા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પની વાત ચાલી, જે છેલ્લાં 42 વર્ષથી જરૂરિયાતમંદોની દીવાદાંડી બની રહી છે. જેમાં કેતનભાઈ મહેતા, વિનુભાઈ કોટેચા અને ગોવિંદભાઈ પટેલનો સિંહફાળો રહ્યો છે. આ અંગે પૂજાબહેને કેતનભાઈ મહેતાન માહિતી આપવા કહ્યું.
કેતનભાઈ મહેતાઃ 1983માં શરૂ થયેલા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પની પ્રેરણા મારા પિતાના જોડિયા મામા કાંતિભાઈ અને શાંતિભાઈ દ્વારા મળી, જેઓ 11 કે 12 વર્ષની ઉમરે જ અંધ બની ગયા હતા. આમ છતાં તેઓ 80 વર્ષની ઉંમર સુધી કાર્યરત્ રહ્યા હતા. તેઓ મુંબઈના જોગેશ્વરીમાં નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડની બ્રેઇલ પ્રેસનું સંચાલન કરતા હતા. તેમને પડતી મુશ્કેલી અને તેઓ દ્વારા તેના નિરાકરણથી પ્રેરાઇને મેં અહીં દિવ્યાંગ લોકો માટે કંઈ કરવાનું નક્કી કર્યું, જેમાં રાજેન્દ્રભાઈ વ્યાસ દ્વારા પણ અમને પીઠબળ મળ્યું, જેઓ ઇન્ડિયન કોમન પર્સનાલિટીઝ ઓફ બ્લાઇન્ડના પ્રેસિડેન્ટ હતા.
ઘરમાં જ ચેરિટીનું વાતાવરણ હતું, જેનાથી હું પ્રેરાયો હતો. માતા-પિતાને મીટિંગમાં હું લઈ જતો અને ત્યાંથી મારી આ કાર્યની શરૂઆત થઈ. જરૂર પડતાં પેપર વર્સ, એકાઉન્ટ્સ, કોરસપોન્ડન્ટ્સ એમ વિવિધ સેવાઓ આપી. જે બાદ 1999માં મને ટ્રસ્ટી બનાવ્યો હતો.
કેતનભાઈને જાણ્યા બાદ સમાજસેવા કરતા, ક્વિન તરફથી 2017માં ફોર કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ પ્રાપ્ત, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા વિનુભાઈ કોટેચાને આમંત્રણ અપાયું.
વિનુભાઈ કોટેચાઃ હું જ્યારે ભારત જતો ત્યારે વિવિધ સેવાકાર્યો કરતો. આ સમયે ગોપાલભાઈ પોપટ મને જોઈ ગયા. કચ્છના ધરતીકંપ સમયે મેં તેમની સાથે કામ પણ કર્યું. આ બાદ તેમણે મને એશિયન ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે આમંત્રણ આપ્યું. મેં રોબિન શર્મા લિખિત પુસ્તક વાંચ્યું હતું, જેમાં લખ્યું હતું કે, ‘કોઈપણ વ્યક્તિ પર કરેલી દયા તેના પરનો ઉપકાર નથી, તમારા પર થયેલી દયાનું તમે ઋણ ચૂકવી રહ્યા છો. અને આ ધરતી પર તમે જેટલી જગ્યા રોકો છો તેનું તમે ભાડું ચૂકવો છો.’ આ મારા મગજમાં હંમેશાં રહ્યું છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે, ‘જે વ્યક્તિ સ્વાર્થી જીવન જીવે, જેને જે વસ્તુની જરૂર છે તેને ન આપે તે ચોર છે.’
વલસાડના આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં જમવાનું નથી પહોંચતું તે અંગે અમને જાણ થઈ. આ માટે અમે ધરમપુરમાં બંગલો ખરીદ્યો, જ્યાં 2006થી આજ સુધી શુદ્ધ જમવાનું બનાવી આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં લંચ અને ડિનર પહોંચાડીએ છીએ.
ભાવુક થતાં વિનુભાઈએ પોતે અનુભવેલો પ્રસંગ વર્ણવતાં કહ્યું, હું વલસાડથી મુંબઈ જઈ રહ્યો હતો. રસ્તામાં મેં એક બોર્ડ જોયું, ‘અહીં અમે છોકરીઓ વેચાતી લઈએ છીએ.’ આ વાંચતાં જ મારું મગજ ગયું. મેં અંદર જઈ ત્યાં હાજર વ્યક્તિને કહ્યું, ‘મારે એક દીકરી છે, મારે વેચવી છે, પ્રોસિઝર શું છે?, તે હાલમાં કોઈ દીકરી વેચાતી લીધી છે? મને તેનું એડ્રેસ આપ.’ તેણે એડ્રેસ આપતાં મેં મારો મુંબઈનો કાર્યક્રમ પડતો મૂક્યો અને તેણે આપેલા ગામના એડ્રેસ પર પહોંચ્યો. ત્યાં જઈ મેં તેમને છોકરીઓને વેચવા અંગેનું કારણ પૂછયું. આ સમયે સામેની વ્યક્તિએ કહ્યું, ‘અમને પોસાતું નથી. અમારી દીકરી ગરીબીમાં જેમતેમ જીવન જીવે એનાથી સારું છે ને કે ત્યાં સુખી તો થાય.’
આ ઘટના બાદ અમારે ત્યાંનાં પ્રજ્ઞાબહેન રાજાને મેં સમૂહલગ્નના આયોજન અંગે પ્રસ્તાવ મૂક્યો અને 2007થી અમે સમૂહલગ્નનું આયોજન શરૂ કર્યું. અમે દરવર્ષે ફેબ્રુઆરીમાં સમૂહલગ્ન કરાવીએ છીએ. જે મુજબ આવનારી 15 ફેબ્રુઆરીએ 121 દીકરીઓનાં અમે લગ્ન કરાવવાના છીએ. ભગવાનની દયાથી લોકો સામેથી આવે છે અને નાણાં આપે છે. આ દીકરીઓનાં લગ્ન બાદ પણ અમે તેનું ધ્યાન રાખીએ છીએ. મને જણાવતાં ગૌરવ થાય છે કે, 2007થી અત્યાર સુધી 2000થી વધુ દીકરીઓનાં લગ્ન કરાવ્યાં છે, જે પૈકી એકના જ ડિવોર્સ થયા છે. આ ઉપરાંત અમે 18 વર્ષથી વર્ષમાં 3 વખત હનુમાન ચાલીસાનું આયોજન કરીએ છીએ, જેનો તમામ ખર્ચ દાતાઓ તરફથી મળી રહે છે. ત્રણ મહિના પહેલાં જ અમે નિઃશુલ્ક 4000 ફ્યુનરલ્સ પૂર્ણ કર્યાં છે.
વિનુભાઈને જાણ્યા બાદ પૂજાબહેને એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પમાં 20 વર્ષથી સેવા આપતા ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલને આમંત્રણ આપતાં પૂછયું કે, ફાઉન્ડેશન દ્વારા હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ અને તમારા મનને હચમચાવતા કરેલા પ્રોજેક્ટ અંગે જણાવો.
ગોવિંદભાઈ પટેલઃ આપણે તમામ સુખી છીએ, ભગવાન આપણે જે ધારીએ તે આપે છે. તો આપણે અન્ય જરૂરિયાતમંદને મદદ કેમ ન કરીએ! આવા જ શુભ આશયે 20 વર્ષ પહેલાં એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પમાં જોડાયો હતો. જો કે ગોપાલકાકાને મારી વધારે જરૂર જણાતાં મને ટ્રસ્ટી તરીકે સામેલ કર્યો હતો.
એશિયન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના એસ.જી. હાઇવે પર એસજીવીપી ખાતે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં રોજ 500થી 600 લોકોને ભોજન આપીએ છીએ. આ સાથે લેસ્ટરમાં ગુજરાતી ભાષા, પોષાક, રહેણી-કરણી, સંસ્કૃતિ સંવર્ધન અને શિક્ષણનું કાર્ય ચલાવાય છે, જ્યાં સતત 35 વર્ષથી દર શનિવારે 400થી 500 બાળકોને શિક્ષણ અપાય છે. રાજકોટમાં કેન્સર પેશન્ટ્સ અને તેનાં સગાં-વહાલાંને ભોજન, ટ્રાન્સપોર્ટેશન માટે એશિયન ફાઉન્ડેશન દ્વારા સગવડ અપાય છે. અમારા દ્વારા કરાતાં સદકાર્યોમાં કોઈપણ પ્રકારે નાત-જાત કે ધર્મના વાડા નથી, ત્યાં સુધી કે પ્રાણીઓ માટે પણ કાર્ય કરાય છે. અમારું એક ગ્રૂપ ગાયો માટે ફંડ એકઠું કરે છે.
કાર્યક્રમની સમાપનવિધિ કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું, આજનો કાર્યક્રમ અવર્ણનીય રહ્યો. સરદારનું જીવન નિષ્કલંક હતું, ખૂબ સેવા કરતાં દેશનું એકીકરણ કર્યું.
હું તમામ લોકોને આગ્રહ કરું છું કે 21 અને 22 સપ્ટેમ્બરે હાજર રહીને સરદારને સમજો. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ પ્રશંસનીય કાર્ય કરે છે, આપણી સારપતા સમાજની એક શોભા છે. સંસ્થા જન્મથી અંતિમ કાળ સુધીનાં જે કાર્યો કરે છે, તે સેવાને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે. વંદન છે...

