PL-15E મિસાઇલનું ભારત કરશે રિવર્સ એન્જિનિયરિંગ

Wednesday 04th June 2025 07:02 EDT
 
 

પાકિસ્તાન દ્વારા ભારત પર છોડાયેલી ચીનની ફુસ્સ થઈ ગયેલી PL-15E મિસાઇલનું ભારતીય વૈજ્ઞાનિકો રિવર્સ એન્જિનિયરિંગ કરશે, જે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ પ્રોગ્રામને મજબૂત બનાવી શકે છે.

• ઇન્ડિગોની ફ્લાઇટ સાથે ગીધ અથડાયુંઃ 175 મુસાફરો સાથે પટનાથી રાંચી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પક્ષી અથડાતાં એનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું. અકસ્માત સમયે વિમાન લગભગ 3થી 4 હજાર ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે તેની સાથે ગીધ અથડાયું હતું.

• દેશમાં કોવિડના કુલ દર્દી 4 હજારને પારઃ 3 જૂનના આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના સક્રિય કેસ 4026ને પાર થયા છે. ચાલુ વર્ષે સંક્રમણના કારણે મૃત્યુનો આંક 37 થઈ ગયો છે. આરોગ્ય વિભાગ અનુસાર રવિવારે દર્દીની સંખ્યામાં 203નો વધારો થયો.

• આતંકવાદ વિરુદ્વની લડાઈમાં ભારત-પેરાગ્વે સાથેઃ PM મોદીએ પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસની સાથે દ્વિપક્ષીય બેઠક કરી. પીએમ મોદીએ સેન્ટિયાગોને કહ્યું કે, બંને દેશો આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સાથે છે.

• ADB ભારતના શહેરી વિકાસ માટે 10 અબજ ડોલરની સહાય કરશેઃ એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ ભારતનાં શહેરોની કાયાપલટ માટે આગામી 5 વર્ષમાં 10 અબજ ડોલરની સહાય કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.

• મે મહિનામાં GST કલેક્શન 16.4 ટકા વધ્યુંઃ મે 2025માં GST કલેક્શન 16.4 ટકા વધીને રૂ. 2.01 લાખ કરોડનું થયું. મે 2024માં તે 1.72 લાખ કરોડ રૂપિયા હતું. એપ્રિલમાં રેકોર્ડ રૂ. 2.37 લાખ કરોડ રહ્યું હતું.

• મણિપુરના કુકી સમુદાયની કેન્દ્રશાસિત પ્રદેશની માગણીઃ દિલ્હીમાં શનિવારે એક પત્રકાર પરિષદમાં કુકી સમુદાયે મણિપુરમાં બફર ઝોન જાળવવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમજ અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગણી કરી હતી.

• વાઘ સંરક્ષક વાલ્મીક થાપરનું નિધનઃ જાણીતા પર્યાવરણવિદ્ વાલ્મીક થાપરનું કેન્સરની બીમારીથી શનિવારે સવારે 73 વર્ષની વયે અવસાન થયું. તેમનું સમગ્ર જીવન વન્યજીવોના સંરક્ષણ અને ખાસ કરીને વાઘના અભ્યાસ અને સંરક્ષણને સમર્પિત રહ્યું.

• બાંગ્લાદેશમાં નવી કરન્સી ઇશ્યૂ કરાઈઃ બાંગ્લાદેશની યુનુસ સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં દેશમાં 10, 100, 200 અને 500 ટાકાની નવી ચલણી નોટો ઇશ્યૂ કરી છે. આ નવી ચલણી નોટો પરથી બાંગ્લાદેશના બંગબંધુ તરીકે રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનની તસવીર હટાવી દેવાઈ છે.

• રૂ. 50 લાખના ડ્રોનથી યુક્રેને રશિયાના હજારો કરોડના ફાઇટર જેટ તબાહ કર્યાઃ યુક્રેને તેના ‘ઓપરેશન સ્પાઇડર વેબ’ દ્વારા રૂ. 50 લાખના ડ્રોન્સથી રશિયાના રૂ. 60 હજાર કરોડનાં 41 સ્ટ્રેટેજિક એરક્રાફ્ટ ખાખ કરી નાખ્યાનો દાવો કર્યો છે. 117 ડ્રોન સાથેના આ હુમલા રશિયાના 4 એરબેઝ પર થયા છે

• ચીન મોટા હુમલાની ફિરાકમાં, ભારત સાવધ રહેઃ અમેરિકાના પેન્ટાગોન ચીફે ચીનને લઈ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ચીન એશિયામાં તેનું પ્રભુત્વ જમાવવા માટે મોટો લશ્કરી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે સાવધ રહેવું જોઈએ.

• યુએન 14 હજાર કર્મચારીની છટણી કરશેઃ ટ્રમ્પ સરકારે બધે મૂકેલા કાપની અસર સંયુક્ત રાષ્ટ્રસંઘ સુધી પણ વર્તાઈ છે. પરિસ્થિતિ એવી છે કે, યુએનએ તેના હાલના સ્ટાફમાં 20 ટકાનો (અંદાજે 14 હજાર લોકો)નો કાપ મૂકવો પડે તેવી સંભાવના છે.


comments powered by Disqus