પાકિસ્તાન – તૂર્કી - ચીનની ધરી ભારત માટે ચિંતાજનક

Wednesday 04th June 2025 06:03 EDT
 

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં કરેલા ગણતરીપુર્વકના હુમલાએ ભારત સરકાર સામે એક નવી ભુરાજકીય પરિસ્થિતિ સર્જી છે. ભારતની કાર્યવાહી સામે ચીન અને તુર્કી ખુલીને પાકિસ્તાનના સમર્થનમાં આગળ આવી ગયાં હતાં. ચીનનો પાકિસ્તાન પ્રત્યેનો ઝૂકાવ આશ્ચર્યજનક નથી કારણ કે બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે રાજદ્વારી સમર્થનનો લાંબો ઇતિહાસ છે. ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય તો પાકિસ્તાનના શસ્ત્રસરંજામમાં તુર્કીનો પગપેસારો છે. આમ તો ચીન પાકિસ્તાની સેનાને તમામ પ્રકારની લશ્કરી સાધનસામગ્રી આપતો રહ્યો છે પરંતુ પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા તુર્કીશ ડ્રોનના ઉપયોગે સમીકરણો બદલી નાખ્યાં છે. આ સમીકરણો સ્પષ્ટ બતાવે છે કે એશિયામાં ચીન – પાકિસ્તાન અને તુર્કીની ધરી ભૂરાજકીય સ્થિતિમાં ધરમૂળથી બદલાવ કરી રહી છે. આ ધરી ભારત માટે લાંબાગાળાની અસરો સર્જી શકે છે.
તાજેતરમાં ભારત દુનિયાની ચોથા ક્રમની આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યો છે. એશિયામાં પોતાની સામે કોઇ અન્ય આર્થિક શક્તિ ઊભી ન થાય તે માટે ચીન હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે ચીન આજે વિશ્વની બીજા ક્રમની આર્થિક મહાસત્તા છે. તે પોતાની આર્થિક શક્તિના જોરે એશિયામાં દાદાગીરી કરવાની સાથે પશ્ચિમની મહાસત્તાઓને પણ હંફાવવાના પ્રયાસો કરી રહ્યો છે. ભારત જે રીતે આર્થિક પ્રગતિ કરી રહ્યો છે તે ડ્રેગનની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. તેથી જ તેણે ભારતને ચોમેરથી ઘેરવાના પ્રયાસો ક્યારના શરૂ કરી દીધાં છે. એકસમયે ભારતના ગાઢ સાથી મનાતા નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકા જેવા દેશોને ચીને પોતાની કાખમાં ઘાલ્યાં છે તો ભારતના પરંપરાગત દુશ્મન એવા પાકિસ્તાનને સરાજાહેર આતંકવાદ સમર્થક દેશ હોવા છતાં પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે છાવરતો રહ્યો છે. ચીનના અત્યાર સુધીના કૃત્યોની સમીક્ષા કરીએ તો તેણે હંમેશા ભારતને નબળો પાડવાનું જ કામ કર્યું છે.
ચીન અને પાકિસ્તાનની જુગલબંધીમાં હવે એક નવો દેશ તૂર્કી ઉમેરાયો છે. તૂર્કી ખુલીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની પડખે આવી ગયો છે. આમ તો નાટો સંગઠનનો સભ્ય હોવાના કારણે તૂર્કી એક મજબૂત દેશ ગણાય છે પરંતુ ઇસ્લામિક દેશોના સંગઠનમાં આરબ દેશો સામે તેની તૂતી બોલતી નથી. તૂર્કીના સર્વેસર્વા એર્દોગનને હવે ઇસ્લામિક દેશોના મોટાભાઇ થવાના અભરખા જાગ્યા છે. તેથી જ તેણે પરમાણુ શસ્ત્રથી સજ્જ એવા પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા છે. પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, મલેશિયા જેવા મુસ્લિમ બહુલ દેશોની મદદથી તૂર્કી ઇસ્લામિક દેશોના સંગઠનમાં આરબ દેશોને પછડાટ આપવાના અભરખા સેવી રહ્યો હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. હિન્દુ બહુલ ભારત સામે ઇસ્લામિક દેશ પાકિસ્તાનને સમર્થન આપીને તૂર્કી અન્ય ઇસ્લામિક દેશોને પણ એવો સંદેશ આપી રહ્યો છે કે આરબ દેશો તમારી પડખે નહીં રહે પરંતુ અમે તમારી પડખે રહીશું. આમ ભારતને ઘેરવા તેણે એશિયાની મહાસત્તા એવા ચીનની સાથે પણ હાથ મિલાવી દીધાં છે.
ચીન – તૂર્કી – પાકિસ્તાનની મિલિભગત નવી અને જટિલ ભૂરાજકીય પરિસ્થિતિ છે. તેનો સામનો કરવા ભારતે આર્થિક કૂટનીતિ, લશ્કરી તૈયારી અને એશિયામાં ઝડપથી બદલાઇ રહેલા સમીકરણો સામે ગણતરીપુર્વક આગળ વધવું પડશે. યુએઇ, સાઉદી અરબ, કતાર સહિતના સમૃદ્ધ આરબ દેશોની મદદથી તૂર્કી અને પાકિસ્તાનના જોડાણ સામે બાથ ભીડવી પડશે. વર્તમાન સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને આરબ દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઇ પર પહોંચ્યા છે જે ભારતને તૂર્કી, પાકિસ્તાન અને ચીનની ધરી સામે વ્યૂહાત્મક ટક્કર આપવામાં ઘણા મદદરૂપ પૂરવાર થઇ શકે છે.


comments powered by Disqus