ચીનની વધતી ક્ષમતાઓ ભારત માટે અત્યંત જોખમરૂપ

Wednesday 05th February 2025 04:54 EST
 

અમેરિકન ગુપ્તચરોના અહેવાલ અનુસાર ચીન પરમાણુ યુદ્ધ સહિતના યુદ્ધોની સંભાવનામાં મજબૂત પ્રતિકાર કરવા લશ્કરી ક્ષમતાઓને ઝડપથી વિકસાવી રહ્યો છે. આમ તો ચીનની હવે સીધી ટક્કર જગત જમાદાર ગણાતા અમેરિકા સાથે છે પરંતુ તેની વધતી લશ્કરી ક્ષમતાઓ ભારત માટે પણ અત્યંત જોખમી પૂરવાર થઇ શકે છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની સ્થાપનાને વર્ષ 2027માં 100 વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે ત્યારે તે ઝડપથી અત્યાધુનિક શસ્ત્ર સરંજામ વિકસાવી રહી છે. ચીન જે રીતે લશ્કરી ક્ષમતાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે તે જોતાં તેના ઇરાદા શંકાસ્પદ બની રહ્યાં છે.
લશ્કરી રીતે કદાવર બની રહેલો ચીન ફક્ત અમેરિકા જ નહીં પરંતુ તેના પાડોશી દેશો માટે પણ ખતરારૂપ છે. ચીનની સામ્રાજ્યવાદી નીતિઓથી વિશ્વ સુપેરે પરિચિત છે. 1962માં પંચશીલની વાતો કરતાં કરતાં ભારત પર અને ત્યારબાદ તિબેટ પર હુમલો કરી ભારતના અક્સાઇ ચીન અને સમગ્ર તિબેટ પર કબજો જમાવી દેનારા ચીને વીતેલા વર્ષોમાં પણ ભારતીય પ્રદેશોમાં ઘૂસણખોરીની એકપણ તક જતી કરી નથી. ચીન સામે બાથ ભીડવા અમેરિકાના નેતૃત્વમાં ક્વૉડની રચના કરાઇ છે જેમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ભારત પણ સામેલ છે. ક્વૉડ સભ્ય દેશોમાં ચીનની ક્ષમતા સામે સૌથી નબળો દેશ ભારત છે. ચીનની આર્થિક અને લશ્કરી શક્તિ ભારત કરતાં ઘણી વધુ છે.
આજે વૈશ્વિક સ્તરે ચીન આર્થિક મોરચે અમેરિકાને પણ હંફાવી રહ્યો છે. હવે તેનું બીજું લક્ષ્યાંક લશ્કરી ક્ષમતા વધારવાનું છે અને તે દિશામાં આગળ પણ વધી રહ્યો છે. આગામી યુગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રહેવાનો છે ત્યારે અમેરિકી ટેકનિકલ જાયન્ટોને પછડાટ આપતાં ચીની ટેકનોક્રેટોએ ડીપીસીક એઆઇ ટૂલ દુનિયા સમક્ષ રજૂ કરીને અમેરિકાને ધૂળ ચાટતો કરી દીધો છે. આમ ચીન દરેક મોરચે શક્તિશાળી બની રહ્યો છે અને તેની સામે આંખ આડા કાન કરવા કે જરાપણ ગફલતમાં રહેવું ભારતને પોષાય તેમ નથી.


comments powered by Disqus