લંડનઃ નિસ્ડન મંદિર તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા મંદિર સહિત સમગ્ર યુકેમાં 26 ફેબ્રુઆરી 2025 અને તે પછીના વીકએન્ડ દરમિયાન મહાશિવરાત્રિ તેમજ 45 દિવસના મહાકુંભ મેળાના સમાપન ને યાદગાર બનાવાયા હતા. મહાકુંભ 144 વર્ષમાં એક વખત યોજાય છે.
સનાતન હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ઉત્સવોમાં મહાકુંભ મેળો એક છે અને વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે. ભારતના પ્રયાગરાજ ખાતે હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાયેલી ત્રણ નદીઓ – ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમસ્થળ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા 400 મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.
સમગ્ર યુકેમાં તેમજ યુરોપમાં ઘણા સ્થળોએ BAPS મંદિરો અને સેન્ટરોમાં ભક્તો, શુભેચ્છકો અને સ્થાનિક હિન્દુ સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં મહાશિવરાત્રિના પવિત્ર પ્રસંગે ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રિ શંકર ભગવાનના શિવલિંગ સ્વરૂપે આવિર્ભાવ, માતા પાર્વતીજી સાથે તેમના દિવ્ય લગ્ન અને તેમના દિવ્ય તાંડવ નૃત્યનો પવિત્ર ઉત્સવ મનાય છે. આ ઉત્સવમાં ‘ઓમ નમઃ શિવાય’ના મંત્રજાપ સાથે ઉપવાસ, પ્રાર્થનાઓ, શિવલિંગના રુદ્રાભિષેક અને અન્નકૂટના પ્રસાદ સાથે ઊજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત, ભક્તિમય ધર્મસભાઓ અને આધ્યાત્મિક ઉપદેશોનું આયોજન કરવામાં આવે છે જેનાથી ભક્તજનો તેમના આધ્યાત્મિક સંપર્કને વધુ ગાઢ બનાવી શકે છે.
આ વર્ષની ઊજવણીમાં આ પ્રસંગ માટે પ્રયાગરાજના ત્રિવેણી સંગમસ્થળેથી પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું. ભક્તો અને શુભેચ્છકોના મસ્તક પર આ પવિત્ર જળના છંટકાવ સાથે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. લૂટનસ્થિત સોફ્ટવેર એન્જિનીઅર વિજય રંગનાથને જણાવ્યું હતું કે,‘ હું પ્રયાગરાજના મહા કુંભમાં જઈ શકું તેમ ન હતો. પરંતુ, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું, મારી પત્ની અને મારા બે બાળકો આ પવિત્ર જળના છંટકાવથી આશીર્વાદ પ્રાપ્ત કરી શક્યા છીએ. આ મંદિરોમાં આપણા સનાતન હિન્દુ ઉત્સવો અને પરંપરાઓ જીવંત થાય છે અને બધા માટે સુલભ બની રહે છે.’
મહા કુંભ મેળામાં BAPSની સક્રિય કામગીરીમાં હજારો યાત્રાળુઓ માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થાની સાથોસાથ વેદિક યજ્ઞો અને આધ્યાત્મિક ઉપદેશકથાઓનું આયોજન કરવાનો સમાવેશ થયો હતો. મહા કુંભ ખાતે આ સેવાને દર્શાવતા વીડિયોથી ઉપસ્થિત લોકોને તેની વ્યાપક અસર તેમજ આ ઐતિહાસિક ધાર્મિક મેળાવડાની અસર અને વ્યાપકતાનું દર્શન થયું હતું.
મહિલા સ્વયંસેવક અંજલિબહેન પટેલે જણાવ્યું હતું કે,‘આ વર્ષની મહાશિવરાત્રિની ઊજવણી ખરેખર વિશિષ્ટ હતી કારણકે મહા કુંભ મેળાના પવિત્ર સમાપન સાથે તેનું સંયોજન થયું હતું. સ્થાનિક કોમ્યુનિટીના ભક્તજનો અને મિત્રોને સાથે
મળી ભક્તિભાવ, અભિષેક અને પ્રયાગરાજનું પવિત્ર જળ મેળવતા જોવાનું હૃદયસ્પર્શી હતું.’