કોઈ પણ દુન્યવી વ્યક્તિના જીવનકાળનો અંત સંપૂર્ણપણે પરમાત્માના હાથમાં રહેલો છે પરંતુ, પોતાના જીવનકાળમાં વ્યક્તિ
ખુદ કેવો વ્યવહાર કરે છે, તે શું સિદ્ધ કરે છે તે તો સંપૂર્ણતઃ તેના જ હાથમાં રહેલું છે.
આપણે સહુ 28/02/2025ના દિવસે સૌથી વિશિષ્ટ માનવી શ્રી જોગિન્દર સંગરની ચિરવિદાયનો શોક વ્યક્ત કરી રહ્યા છીએ. દાયકાઓ સુધી ભારતીય વિદ્યા ભવનના પૂર્વ વાઈસ ચેરમેન અને તે પછી ચેરમેન તરીકે તેમણે આ સંસ્થાને યુકેમાં ભારતીય આર્ટ્સ અને કલ્ચરના ક્ષેત્રે મુખ્ય કેન્દ્રની વર્તમાન અનોખી પોઝિશન પર પહોંચાડી છે. એક બિઝનેસમેન તરીકે નાનકડી શરૂઆત કર્યા પછી તેમણે વિશાળ બિઝનેસ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું.
વિવિધ પ્રકારના યોગ્ય ઉદ્દેશો પ્રતિ મહાન સખાવતી બની રહેવા ઉપરાંત, તેઓ એક માનવી તરીકે વિનમ્રતા, સચ્ચાઈ, શિષ્ટતા અને ઈમાનદારી ધરાવતા ઊંચેરા માનવી તરીકે યાદ રાખવામાં આવશે. તેઓ પોતાના બિઝનેસમાં નુકસાન જશે તેની કોઈ ચિંતા રાખ્યા વિના સંખ્યાબંધ લોકોના હૃદયને સ્પર્શ્યા હતા, તેમની ચિંતા અને મદદ કરવામાં અને તેમના જેવાં થઈ રહેવા બદલ તેમને યાદ કરાશે.
શ્રી જોગિન્દર સંગર 70ના દાયકાના ઉત્તરાર્ધમાં લંડનના ધ ભવન સાથે અને 80ના દાયકાના ઉત્તરાર્ધ દરમિયાન એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાયા હતા. જોગિન્દરજી પૂર્વ ચેરમેન દલાલજી (મિ. માણેક દલાલ OBE) અને ધ ભવનના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માથુરજી (ડો. માથુર કૃષ્ણમૂર્થી)ને પોતાના ગુરુ માનતા હતા.
તેમણે જ ધ ભવનની વાર્ષિક ખાધને પહોંચી વળવા ભંડોળ એકત્ર કરવાના હેતુસર વાર્ષિક દિવાળી બેન્ક્વેટનો આરંભ કરાવ્યો હતો જે 35 કરતાં વધુ વર્ષથી ચાલે છે. પૂર્વ ટ્રેઝરર શ્રી ઈન્દ્ર સેઠીઆએ જણાવ્યું છે તેમ ભવનના વાઈસ ચેરમેન તરીકે જોગીન્દરજીએ ભવન માટે ભંડોળ એકત્ર કરવાની જવાબદારી સંભાળી ત્યારથી ધ ભવનની ટ્રેઝરી ટીમે નિરાંતનો શ્વાસ લીધો હતો.
તેમની અસાધારણ નમ્રતા અને દરિયાદિલીના કારણે તેમણે ભવન માટે જે કર્યું તે બધાની નોંધ લેવાઈ જ નથી. તેમણે ચોકસાઈ રાખી કે તેઓ દર વર્ષે ભવન માટે ભંડોળ એકત્ર કરશે, તે ભલે ટેબલ્સનાં ‘વેચાણ’ અને એડવર્ટાઈઝમેન્ટ્સ થકી હોય અથવા ઘણી વખત ભારે ફૂડ બિલ અથવા બંને સ્વહસ્તક રાખે. દલાલજી હંમેશાં એવો ઉલ્લેખ કરતા કે તેઓ જોગિન્દરજીને ચાહે છે કારણકે તેઓ સંપૂર્ણ વફાદાર છે અને તેમને સોંપાયેલી કોઈ પણ જવાબદારીને હંમેશાં પૂર્ણ કરીને જ રહે છે. તેઓ લંડનમાં સૌથી આદરપ્રાપ્ત વ્યક્તિત્વોમાં એક હોવાં સાથે બિનવિવાદાસ્પદ વ્યક્તિ હોવાની હકીકતથી જ ધ ભવનને ઘણી સહાય મળતી હતી. દલાલજીએ 2011માં નિવૃત્તિ લીધા પછી તેમણે કાર્યભાર સંભાળી લીધો હતો અને 11થી વધુ વર્ષ ચેરમેનપદે રહ્યા. જોઈન્ટ ચેરમેન તરીકે શ્રી શાંતુ રૂપારેલની મદદ તેમને મળતી રહી હતી.
ધ ભવનના વાઈસ ચેરમેન અને ચેરમેન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભવને ભારતીય કળાઓ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી હતી. તેઓ પ્રામાણિકપણે માનતા હતા કે આપણે આપણું સાંસ્કૃતિક શિક્ષણ આપણા સાંસ્કૃતિક આંદોલનના ભવિષ્ય એવાં આપણા બાળકોને સુલભતાથી પ્રાપ્ય થાય તેવું બનાવવું જોઈએ
તેમની સાદગી અને સહુને સરળતાથી મળવાની રીતભાતે તેમને લંડન અને આસપાસની સઘળી કોમ્યુનિટીઓમાં તેમને ઘણા લોકપ્રિય બનાવ્યા હતા. તેઓ તમામ સારાં અને યોગ્ય ઉદ્દેશો માટે તેમની ઉદારતા ને મદદગાર સ્વભાવ માટે જાણીતા હતા.
જોગિન્દરજીની અંતિમવિધિ બુધવાર 5 માર્ચ બપોરે 3.00 વાગ્યે સેન્ટ મેરિલબોન ક્રિમેટોરિયમ (ઇસ્ટ એન્ડ રોડ, લંડન - N2 0RZ) ખાતે યોજાશે. તેઓ તેમની પાછળ પત્ની સુનિતાજી, પુત્રી રીમા, પુત્ર-પુત્રવધુ ગિરિશ - કનિકા અને ત્રણ ગ્રાન્ડચિલ્ડ્રનને વિલાપ કરતા છોડી ગયા છે.
જોગિન્દરભાઈ વિલક્ષણ અને બહુમુખી જીવન જીવી ગયાઃ સી.બી. પટેલ
મારા પ્રિય મિત્ર જોગિન્દર સંગર વિલક્ષણ અને બહુમુખી જીવન જીવી ગયા છે. હું તેમને વર્ષો અગાઉ લોર્ડ ગુલામ નૂન અને મોની વર્મા થકી મળ્યો હતો અને તેમના બિઝનેસ સાહસો અને લંડનમાં સ્પોર્ટિંગ પ્રવૃત્તિઓએ મજબૂત છાપ ઉપસાવી છે. અમને તેમના યોગદાન વિશે ન્યૂ લાઈફ, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં લેખ પ્રસિદ્ધ કરવાની વિશેષ તક સાંપડી હતી.
ભારતીય વિદ્યા ભવન પ્રતિ તેમની સમર્પિત નિષ્ઠાએ કોમ્યુનિટી સેવા પ્રત્યે તેમના જોશને ઉજાગર કર્યું હતું. તેમના પત્ની આદરણીય સુનિતાબહેન પણ બાળકો, રીમા અને ગિરિશ સાથે વિવિધ સામાજિક અને ફંડરેઈઝિંગ ઈવેન્ટ્સમાં અગ્રેસર રહ્યાં છે.
જોગિન્દરભાઈ ખૂબ સન્માનીય હતા અને ટોચના ભારતીય બિઝનેસ ટાયકૂન્સમાં તેમની ગણતરી થતી હતી, તેમના મિત્રોમાં હિન્દુજા, મિત્તલ, યોગેશ મહેતા, નિર્મલ સેઠીઆનો પણ સમાવેશ થતો હતો. મેં તેમને છેલ્લે 22 ફેબ્રુઆરીએ લોર્ડ સ્વરાજ પોલના 94મા જન્મદિનની ઊજવણી વખતે નિહાળ્યા હતા જ્યાં તેઓ પોતાના પુત્ર ગિરિશ સાથે પ્રસંગને બરાબર માણી રહ્યા હતા. અમે સાથે લંચ લેવાનું આયોજન પણ કર્યું હતું.
તેમની ચિરવિદાયના સમાચાર ભારે આઘાત સમાન આવ્યા હતા. છેલ્લાં થોડા વર્ષોમાં તેઓ આરોગ્યલક્ષી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા પણ તેમનું સ્વાસ્થ્ય સુધારા તરફ હતું. આમ તેમની વિદાય તદ્દન અનપેક્ષિત હતી. તેમની ગેરહાજરી ઘણી સાલશે પરંતુ, હું માનું છું કે તેમના જીવનને ઉજવવું જોઈએ. તેઓ સારા હેતુઓને સપોર્ટ કરવા હંમેશાં તત્પર રહેતા અને તેમની ઉદારતા અને કરુણા કદી ભૂલી શકાશે નહિ. તેમની વિરાસત આપણને પ્રેરણા આપતી રહેશે.
- સી.બી. પટેલ

