ટ્રમ્પની બેધારી કૂટનીતિ અને અમેરિકાની વિશ્વસનિયતા

Tuesday 04th March 2025 05:07 EST
 

અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ બીજીવાર પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિમાં ધરમૂળથી કરેલા બદલાવો વૈશ્વિક ભૂરાજકીય વર્તૃળોમાં રોજબરોજ ધરતીકંપો સર્જી રહ્યાં છે. જો બાઇડનના શાસનકાળમાં જે અમેરિકા યુક્રેનને મન મૂકીને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરી રહ્યો હતો તે આજે ટ્રમ્પના દોરીસંચાર હેઠળ રશિયાની ખુલીને તરફેણ કરતાં જરાપણ ખચકાઇ રહ્યો નથી અને તેના કારણે અમેરિકાના યુરોપ સહિતના વિશ્વના અન્ય સાથીદેશો ટ્રમ્પની કૂટનીતિને સમજવા ગડમથલ કરી રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પમાં સ્ટેટસમેનનો એકપણ ગુણ નથી અને મૂળ બિઝનેસમેન હોવાના કારણે તેમના દરેક નિર્ણયમાં બિઝનેસ અગ્રીમ સ્થાન હાંસલ કરી રહ્યો છે. ટ્રમ્પના આ જક્કી વલણના કારણે પાડોશી કેનેડા અને મેક્સિકો સહિત યુરોપના દેશો પણ હવે અમેરિકાથી અળગા થઇ રહ્યાં છે. જો ટ્રમ્પ તેમની જિદને વળગી રહેશે તો સમગ્ર વિશ્વમાં અમેરિકા એકલો અટૂલો પડી જાય તેવું જોખમ પણ તોળાઇ રહ્યું છે.
સત્તામાં આવતાની સાથે જ ટ્રમ્પે દાયકાઓથી ભાગીદાર રહેલા એવા મેક્સિકો અને કેનેડા જેવા પાડોશી દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં અમેરિકાની ઉત્તર અને દક્ષિણ સરહદો પરના આ દેશો સાથેના સંબંધોમાં અત્યાર સુધી ન જોવા મળી હોય તે હદે કડવાશ વ્યાપી ગઇ છે. અમેરિકાના આર્થિક અને લશ્કરી કદ સામે ભલે બાથ ભીડી ન શકે પરંતુ કેનેડા અને મેક્સિકો હવે અમેરિકાનું અને વિશેષ કરીને ટ્રમ્પનું આંખો મીંચીને સમર્થન નહીં કરે.
વૈશ્વિક વ્યવસ્થામાં હંમેશા અમેરિકાની પડખે રહેલા યુરોપ અને વિશેષ કરીને નાટો સંગઠનના દેશોને પણ ટ્રમ્પ સહાય બંધ કરવા, નાટો સાથે છેડો ફાડી નાખવા, સમકક્ષ ટેરિફ લાદવાની ધમકીઓ આપી રહ્યાં છે. એ વાતમાં કોઇ શંકા નથી કે યુરોપના દેશો અમેરિકાની તોલે આવી શકે તેમ નથી પરંતુ સૌથી મોટું જોખમ ગણાતા રશિયાના પ્રમુખ પુતિન સાથેનું ટ્રમ્પનું ઇલૂ ઇલૂ યુરોપના દેશોને પણ અમેરિકા સાથેના સંબંધોની પુનઃસમીક્ષા કરવા અને અમેરિકા પરનો આધાર ઓછો કરવાની દિશામાં લઇ જઇ રહ્યું છે. તેમાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ટ્રમ્પે અચાનક પાટલી બદલીને રશિયાની તરફેણ કરતાં અમેરિકા દાયકાઓ જૂની વિશ્વસનિયતા ગુમાવી ચૂક્યો છે. ટ્રમ્પ હવે અમેરિકા દ્વારા અપાયેલી આર્થિક અને લશ્કરી સહાયને યુક્રેન પરનું દેવું ગણાવીને વસૂલાતની વેતરણમાં પડ્યાં છે. આ માટે તેમણે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનું નાક દબાવીને યુક્રેનની 500 બિલિયન ડોલરની ખનીજ સંપત્તિ પર ડોળો ઠેરવ્યો છે. ટ્રમ્પ આણિ મંડળીએ અમેરિકી કૂટનીતિને જે હદે ઉલટાવી દીધી છે તે જોતાં જ્યાં સુધી ટ્રમ્પ સત્તા પર રહેશે ત્યાં સુધી વિશ્વનો કોઇ દેશ અમેરિકી સહાય પર વિશ્વાસ કરશે નહીં. ટ્રમ્પના નેતૃત્વમાં જે રીતે સંયુક્ત રાષ્ટ્ર્માં રશિયા વિરોધી ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો તે વિશ્વને આશ્ચર્યજનક લાગી રહ્યો છે. ચીન, ઉત્તર કોરિયા અને ઇરાન જેવા કટ્ટર રશિયા સમર્થક અને અમેરિકાના દુશ્મન દેશો સાથે જ જાણે કે ટ્રમ્પે હાથ મિલાવી લીધો હતો.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં પણ ટ્રમ્પનો હસ્તક્ષેપ દાયકાઓ જૂના પેલેસ્ટાઇન વિવાદનો એકડો જ ભૂંસી નાખવા સમાન બની રહ્યો છે. ટ્રમ્પ તો ગાઝા પટ્ટીને એક રિસોર્ટમાં તબદિલ કરીને ત્યાં વસતા લાખો પેલેસ્ટાઇનવાસીઓને બેઘર કરવાનો કારસો રચી ચૂક્યા છે. ઇઝરાયેલને આંધળા સમર્થનની સાથે ટ્રમ્પ મીડલ ઇસ્ટમાં પણ પોતાની પ્રમુખશાહીની સાથે સાથે બિઝનેસને પણ થોપી દેવાના પ્રયાસો કરી રહ્યાં છે. ટ્રમ્પના આ વલણના કારણે મીડલ ઇસ્ટમાં હંમેશા અમેરિકાની પડખે ઊભા રહેતા ઇજિપ્ત, જોર્ડન, સાઉદી અરબ, યુનાઇટેડ આરબ અમીરાત, કતાર સહિતના આરબ દેશોમાં ગણગણાટ શરૂ થઇ ચૂક્યો છે. ટ્રમ્પ ઇચ્છે છે કે ઇજિપ્ત અને જોર્ડન જેવા દેશો પેલેસ્ટાઇનવાસીઓને પોતામાં સમાવી લે જેનો આ દેશો દ્વારા જોરદાર વિરોધ થઇ રહ્યો છે. આમ મીડલ ઇસ્ટમાં પણ ટ્રમ્પ તેમની વિચિત્ર કૂટનીતિને અમલી બનાવી રહ્યાં છે તેના કારણે આરબ દેશોનો પણ અમેરિકા પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.
ટ્રમ્પના વલણથી એક વાત તો સ્પષ્ટ થઇ રહી છે કે તેમના નેતૃત્વમાં અમેરિકા ક્યારેય રશિયા કે ચીન સામે બાથ નહીં ભીડે. યુક્રેન યુદ્ધ સમાપ્ત કરાવવાના બહાને જે રીતે ટ્રમ્પ પુતિનની તરફેણ કરી રહ્યાં છે તે જોતાં સુદૂર પૂર્વમાં આવેલા તાઇવાન, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના પેટમાં પણ ફાળ પડી છે. રશિયાએ જે રીતે યુક્રેન પર આક્રમણ કર્યું તે જ રીતે તાઇવાનને પણ ચીનના હુમલાનો ભય સતાવી રહ્યો છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા તે પહેલાં તાઇવાનને અમેરિકાનો સધિયારો હતો પરંતુ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા ચીની આક્રમણ સામે તાઇવાનને કેટલું સંરક્ષણ આપશે તેના પર તાઇવાનના શાસકોમાં પણ શંકાઓ સેવાઇ રહી છે. આવી જ સ્થિતિ દક્ષિણ કોરિયા અને જાપાનની પણ છે. દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયા સાથે બાપે માર્યા વેર છે. બંને દેશ વચ્ચે એક નાનકડી ચિનગારી પણ પૂર્ણ કક્ષાનું યુદ્ધ ભડકાવી શકે છે. અમેરિકાએ જે રીતે યુક્રેનને મદદથી હાથ પાછા ખેંચી લીધા તે જોતાં સરમુખત્યાર ઉત્તર કોરિયા સામેના યુદ્ધમાં અમેરિકા દક્ષિણ કોરિયાને કેટલી હદે સાથ આપશે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. અમેરિકાનો ગાઢ સાથી એવા જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ આવી જ શંકાથી પીડાઇ રહ્યાં છે. ભવિષ્યમાં ચીન સાથે સ્થિતિ વણસે તો અમેરિકાના વિશ્વાસે હવે તેઓ રહી શકે તેમ નથી. ભારત માટે પણ ચીનની વાત આવે ત્યારે અમેરિકાનો કેટલો સાથ મળશે તે કહી શકાય નહીં. અમેરિકાએ ચીનનો સામનો કરવા ક્વાડની રચના તો કરી છે પરંતુ યુક્રેનની પીઠમાં જે રીતે ટ્રમ્પે ખંજર ભોંક્યું છે તે જોતાં ક્વાડ અમેરિકાનો ભરોસો કરી શકે તેમ નથી. બિઝનેસમેન ટ્રમ્પ અમેરિકી હિતોની જાળવણી માટે ગમે તેને છેહ આપી શકે છે અને ગમે તેની સાથે હાથ મિલાવી શકે છે.
ટ્રમ્પની નવી કૂટનીતિથી સમગ્ર વિશ્વમાં અમેરિકાની વિશ્વસનિયતા ખરડાઇ છે. ટ્રમ્પની કૂટનીતિએ સર્જેલા શંકાના કાળાડિબાંગ વાદળો વિખેરાશે ત્યારે આ વિશ્વમાં સત્તાની ધૂરીઓ બદલાઇ ચૂકી હશે. મિત્રો દુશ્મન અને દુશ્મન મિત્ર બન્યાં હશે. ગમે તે કહો પરંતુ વિશ્વની સૌથી જૂની લોકશાહીનું સંચાલન આજે એક સરમુખત્યારના હાથમાં આવી ચૂક્યું છે. તે ઘરઆંગણે પણ પોતાના મનસ્વી નિર્ણયોથી હાહાકાર મચાવી રહ્યો છે. આગામી વર્ષોમાં એક નવી વૈશ્વિક વ્યવસ્થાના બીજ વવાઇ ચૂક્યાં છે. એ જોવાનું રહ્યું કે કુટિલ કૂટનીતિમાં ટ્રમ્પ સફળ થાય છે કે અમેરિકા વિશ્વસનિયતા ગુમાવીને દુનિયામાં એકલો અટૂલો પડી જાય છે.


comments powered by Disqus