પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આર્મી બેઝ પર આતંકી હુમલોઃ 9નાં મોત

Wednesday 05th March 2025 04:56 EST
 
 

ઇસ્લામાબાદઃ મંગળવારે સાંજે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકીઓએ આર્મીના કેન્ટોન્મેન્ટ પર મોટો આત્મઘાતી હુમલો કર્યો હતો. પાકિસ્તાની ન્યૂઝ એજન્સી દ્વારા જાણવા મળ્યા મુજબ પાકિસ્તાન આર્મીએ કહ્યું કે, બે આત્મઘાતી હુમલાખોરોએ સુરક્ષાબળનાં કાર્યાલય અને આર્મી જવાનોના આવાસ ધરાવતા મિલિટરી કેન્ટની દીવાલને વિસ્ફોટક સાથેની કાર દ્વારા ટક્કર મારી હતી. આ આત્મઘાતી હુમલામાં 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ ખૂબ પ્રચંડ હતો અને તે સમયે આસપાસ ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. આર્મીએ તેના નિવેદનમાં કહ્યું છે કે,
દીવાલ તૂટ્યા બાદ 5થી 6 આતંકીઓએ કેન્ટોન્મેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મિલિટરીની જવાબી કાર્યવાહીમાં તેમને ઠાર મારવામાં આવ્યા હતા.
જૈશ અલ-ફુરસાને જવાબદારી લીધી
પાકિસ્તાની આર્મી કેન્ટોન્મેન્ટ પર હુમલાની જવાબદારી પાકિસ્તાન તાલિબાન સાથે જોડાયેલા જૈશ અલ-ફુરસાન નામના સંગઠને સ્વીકારી છે. જૈશ અલ-ફુરસાને તેના નિવેદનમાં કહ્યું છે કે, તેમના લડાકુઓએ 12થી વધુ સુરક્ષાકર્મીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જો કે પાકિસ્તાન આર્મી દ્વારા તેમના સૈનિકો અને મોત અંગે કોઈ પુષ્ટિ આપી નથી. રમજાન મહિનો શરૂ થયા બાદ પાકિસ્તાનનમાં આ ત્રીજો મોટો આતંકી હુમલો છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે કેન્ટોન્મેન્ટના સૈનિકો અને તેમના પરિવાર રોજા - ઇફ્તાર ખોલી રહ્યા હતા.
શુક્રવારે મસ્જિદમાં હુમલો થયો હતો
રમજાન પૂર્વે જ પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસામાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન જ આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા જ્યારે 20થી વધુ ઘવાયા હતા. આ હુમલામાં પાક.ના પક્ષ પીયત ઉલેમા-એ-ઇસ્લામ-સામીનો પ્રમુખ અને ફાધર ઓફ તાલિબાનનો પુત્ર મૌલાના હામિદ-ઉલ-હક હક્કાની માર્યો હતો. હક્કાની પાકિસ્તાનમાં સાંસદ પણ રહી ચુક્યો છે. સમી ઉલ હક હક્કાનીના પિતા હતા જેને તાલિબાનના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૌરાણિક મદરેસાની અંદર થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ફાધર ઓફ તાલિબાન તરીકે જાણિતા હામિદ-ઉલ-હકના પુત્ર મૌલાના હામિદ ઉલ હકના મોતથી પાક.નું રાજકારણ ગરમાઈ શકે છે.


comments powered by Disqus