પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રેસ્ટનસ્થિત મંદિરે મહાશિવરાત્રિની ઊજવણી કરવામાં આવી હતી. મંદિરની મુલાકાત લેનારા ભક્તજનોએ ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા. વહેલી સવારથી દૂધ-જળથી અભિષેક શરૂ કરી દેવાયો હતો અને બપોર પછી આરતી યોજાઈ હતી. પૂજારીજી દ્વારા મુખ્ય હોલમાં કરાવાયેલા રુદ્રાભિષેકમાં 30 ભક્તજનોએ ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન સેંકડો ભક્તો ભગવાન શિવજીના દર્શન કરવા આવતા રહ્યા હતા. સંસ્થાના તમામ સભ્યોએ ભારે ઉત્સાહ અને આનંદ સાથે મહાશિવરાત્રિ પર્વ ઉજવ્યું હતું. સાંજના સમિયે દૈનિક આરતી પછી યજમાન નીલમ કારીઆના હસ્તે કમલ અર્પણવિધિ કરાયા બાદ યજમાન નેહાબહેન અને આશિષભાઈ ગોરના હસ્તે ધ્વજારોપણ વિધિ કરાઈ હતી. આ પછી, યજમાન મહેશભાઈ બુરાન અને તેમના પરિવાર દ્વારા ફરી ભગવાન શિવની આરતી કરવામાં આવી હતી. દરેકે દર્શનનો લાભ લીધો તે પછી મુખ્ય હોલમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન 700થી વધુ ભાવિકો દર્શનાર્થે આવ્યા હતા. સંસ્થાના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ સંસ્થામાં ભગવાન કૃષ્ણની 50મી અને ભગવાન રામની અને નવા સેન્ટરના ઉદ્ઘાટનની 25મી વર્ષગાંઠને ઉજવવા પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા કથા સંબંધિત ખાસ જાહેરાત કરી હતી. આ કથા 23 ઓગસ્ટ 2025થી શરૂ થઈ 29 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. આ જાહેરાતથી રોમાંચિત થયેલા સંસ્થાના સભ્યોએ તેમનાથી જે શક્ય બને તેમ મદદ કરવાનો રસ દર્શાવ્યો હતો.