ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે અંતે ભારતને લઈને નરમ વલણ અપનાવી લીધું છે. યુનુસે કહ્યું છે કે ભારત સાથે સારા સંબંધો રાખવા સિવાય બાંગ્લાદેશ પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી કેમ કે બન્ને દેશો એકબીજા પર નિર્ભર છે. કેટલાક કાવતરાને કારણે બન્ને દેશોના સંબંધો ખરાબ કરવાનો પ્રયાસ થયો છે. હાલમાં પણ બન્ને દેશો વચ્ચે સંબંધો સારા જ છે તેમ યુનુસે કહ્યું હતું. સાથે જ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના શાસન દરમિયાન હિંસાના રેકોર્ડ સાચવવાનો નિર્ણય પણ યુનુસ સરકારે લીધો હતો.
મીડિયા સાથે ઇન્ટરવ્યૂમાં મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગાઢ સંબંધો છે, એકબીજા પર નિર્ભર છીએ, ઐતિહાસિક, રાજકીય અને આર્થિક દ્રષ્ટીએ પણ બન્ને દેશો એકબીજાની વધુ નજીક છે. બન્ને દેશો વચ્ચે કેટલીક ગેરસમજ ઊભી થઈ છે, જેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ગેરસમજ પાછળ કેટલાક કાવતરા જવાબદાર છે. જો કે યુનુસે એ સ્પષ્ટતા નહોતી કરી કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદ કોણે ઊભો કરાવ્યો. બાંગ્લાદેશમાં ગયા વર્ષે શેખ હસીનાની સરકાર ઊથલાવાઈ ત્યારથી મોહમ્મદ યુનુસ સરકાર સંભાળી રહ્યા છે જેમના કાર્યકાળમાં બાંગ્લાદેશના કટ્ટરવાદીઓને ખુલ્લી છૂટ મળી પરિણામે હિન્દુઓ પર હુમલા વધ્યા હતા.

