માના ગર્ભમાંથી મેળવીએ તેવી માતૃભાષાના જતન અને સંવર્ધનનું આપણું કર્તવ્ય

- અચ્યુત સંઘવી Wednesday 05th March 2025 07:42 EST
 
 

- અચ્યુત સંઘવી
ABPL ગ્રૂપના સદાબહાર સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ આયોજિત લોકપ્રિય ઝૂમ ઈવેન્ટ સોનેરી સંગતમાં કોમ્યુનિટીને સંબંધિત સાંપ્રત સમસ્યાઓ, વિવિધ સંસ્થાઓ અને તેમની કામગીરી, યોગાભ્યાસ તેમજ વિશિષ્ટ વ્યક્તિત્વો દ્વારા સમજ અને વિશ્લેષણોને આવરી લેવાય છે. વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઊજવણી કરાવાની હતી તે નિમિત્તે સોનેરી સંગતમાં ગુરુવાર 20 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસને ઉજવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ, દીપકભાઈ રાવલ, ભારતીબહેન વોરા, જયંતીભાઈ તન્ના, જગદીશભાઈ દવે, સહિત વ્યક્તિવિશેષોએ ભાગ લીધો હતો. કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
કાર્યક્રમનો આરંભ કરતા સીબી પટેલે જણાવ્યું હતું કે, ‘વિશ્વમાં 209 દેશોમાં રહેતા લોકો દ્વારા સેંકડો કે હજારો ભાષાઓ બોલાતી હશે. જગન્નિયંતાએ જીવ માત્રને વાચા આપી છે. લોકોએ પોતાની જરૂરિયાત અને ઉપયોગિતા અનુસાર એ ભાષાને ખીલવી છે. ગુજરાતી, આપણી માતૃભાષા દુનિયામાં સાત કરોડ લોકોની એ માતૃભાષા છે. ગુજરાતમાં રહે અથવા રહ્યા હોય કે ગુજરાત ગયા હોય એ બધા જ ગુજરાતી છે. ધર્મ, જ્ઞાતિ એ બધાના કોઈ મતભેદ નથી. મેં ગુજરાત સમાચારમાં મારી કોલમ જીવંત પંથમાં ‘ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીતા’ની જ વાત કરી છે.
દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતી છે, સારી રીતે સ્થાયી થયા છે અને પ્રયાસ કરે છે. આપણા જગદીશભાઈ દવેએ લાંબા સમય સુધી ‘લર્ન ગુજરાતી’ કોલમ અને પુસ્તકો મારફત ગુજરાતી ભાષા શીખવી છે. તેઓ બ્રિટનમાં અને બ્રિટન બહાર મોટું કામ કરી રહ્યા છે. તેમણે દીપકભાઈ રાવલનો પરિચય આપતા કહ્યું હતું કે દીપકભાઈની વાર્તાઓનો મરાઠી, તેલુગુ, તામિલ, કન્નડ, ઈંગ્લિશ સહિત અનેક ભાષામાં અનુવાદ કરાયેલો છે.
માયાબહેને જય જય ગરવી ગુજરાત કાર્યક્રમ વેળા રજૂ કરેલી રચના સંભળાવી હતી. હર્ષિદાબહેન ત્રિવેદી લિખિત આ ગીત ‘એ બી સી ડી છોડને ભઈલા, ક ખ ગ ઘ બોલ...અંગ્રેજીમાં ખાશે ગોથા, ગુજરાતી અણમોલ’માં ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવાયું હતું.
જ્યોત્સનાબહેને કાર્યક્રમનો આરંભ કરતાં કહ્યું હતું કે ‘લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગીતો, બે ગઝલના પુષ્પો ચડાવી માતૃભાષાને વંદન કરું છું. હું ગુજરાતી ભાષાને વંદન કરું છું. મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ જ નથી. વિચારો, સ્વપ્નાઓ આપણને માતૃભાષામાં જ આવે છે. આપણે માતૃભાષાનું ગૌરવ એક દિવસ પૂરતું જ રાખવાનું નથી. કવિ નર્મદે 1858ની 23 નવેમ્બરે માતા સરસ્વતી, કલમના ખોળે જીવવાનું નક્કી કર્યું હતું. આવું જ બીજું ઉદાહરણ છે સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનું. નડિયાદમાં આવીને વસ્યા જ્યાં એમણે મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’નું સર્જન કર્યું. ગુજરાતી ભાષા સાહિત્ય માટે ગાંધીજી અને ગાંધીમૂલ્યોના રંગે રંગાયેલા સાહિત્યકારોમાં ગોંડલના રાજવી શ્રી ભગવદ્સિંહજી, કિશોરભાઈ દેસાઈ અને યુકેમાં આપણા રતિભાઈ ચંદેરિયા, ડો.જગદીશભાઈ દવે, વિપુલ કલ્યાણી, ભારતીબહેન વોરા, પંકજભાઈ વોરા સહિત અનેક સાહિત્યકારોએ ગુજરાતી ભાષાને જીવંત રાખી તેનું ગૌરવ વધાર્યું છે. આપણા ગુજરાતી કુટુંબોમાં પણ બાળકો ગુજરાતી લખી, વાંચી શકતા નથી. ઈંગ્લિશમાં જ બોલી, વાંચી શકે છે. આ મોટો ચિંતાનો વિષય છે.’ તેમણે મૂળ મેથ્સના શિક્ષક અને 2015થી કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સના ચેરમેન શ્રી જયંતીભાઈ તન્નાને ગુજરાતી ભાષાની જાળવણી વિશે વિચારો રજૂ કરવા આમંત્રિત કર્યા હતા.
જયંતીભાઈ તન્નાઃ હું સાહિત્યકાર નથી, સાધારણ નિવૃત્ત શિક્ષક છું. તેમણે માતૃભાષા વિશે રાષ્ટ્રપિતા ગાંધીજીના વિચાર વાંચી સંભળાવ્યા હતા કે, ‘હું મારા ઘરની આસપાસની દીવાલ ચણી લેવા તથા બારીઓ બંધ કરી દેવા નથી માનતો. મારા ઘરની આસપાસ ઘણા દેશોની સંસ્કૃતિના પવનની લહેરો છૂટથી વાતી રહે તેમ હું ઈચ્છું છું. એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી, એમ તેમને લાગે તેમ હું ઈચ્છતો નથી.’ માતૃભાષા ગુજરાતી આપણા જીવનનો સૌથી કિંમતી ખજાનો છે. તેને બચાવવા અને ભાવિ પેઢીઓને તે આપવાની આપણી જવાબદારી છે. માતૃભાષા બાળકની ઓળખ માટે મહત્ત્વપૂર્ણ છે. તેના થકી બાળકને સંસ્કૃતિ અને મૂલ્યોને ઓળખવામાં મદદ મળે છે. એક સમયે 1500 જેટલી વ્યક્તિઓ જીસીએસસીમાં ગુજરાતીમાં પરીક્ષા આપતી તે દિવસો રહ્યા નથી. ગયા વર્ષે લેવાયેલી એ લેવલ પરીક્ષામાં ફક્ત ચાર વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આપણા બાળકો ગુજરાતીમાં પરીક્ષા આપી શકે તે માટે વ્યવસ્થિત ભંડોળ ઉભું કરવાની જરૂર છે.
જ્યોત્સનાબહેને ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન આપનારા ડો. દીપકભાઈ રાવલને વિચારો રજૂ કરવા આમંત્રિત કર્યા હતા. ડો. રાવલ ખેડબ્રહ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુરના પૂર્વ પ્રિન્સિપાલ હતા. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા આચાર્યપદેથી તેઓ 2019માં નિવૃત્ત થયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં 15 જેટલા પુસ્તકો લખ્યા છે.
ડો. દીપકભાઈ રાવલઃ આપણે માના ગર્ભમાંથી જ ભાષાના સંસ્કાર લઈને જન્મીએ છીએ. ભાષા અને આપણે જુદા નથી. ભાષા વિનાનું આપણું વ્યક્તિત્વ જ શક્ય નથી. ભાષા વિના કોમ્યુનિકેશન શક્ય છે પણ ભાષા વિના જીવવાનું શક્ય નથી. બીજી ભાષામાં બોલતા હોઈએ તો પણ પહેલા મનમાં આપણી ભાષામાં જ તે વિચારીએ છીએ. અંગ્રેજી ભાષા વ્યવસાય, નોકરી સાથે જોડાઈ ગઈ છે તેથી સ્વાભાવિક રીતે જ લોકોને તેના તરફ ખેંચાવું પડે છે. આજે આપણે કહેવા ખાતર સ્વતંત્ર છીએ પરંતુ, અંગ્રેજીના આજે પણ ગુલામ છીએ. ભારત અને પાકિસ્તાન જુદા પડ્યા ત્યારે ઝીણાએ પાકિસ્તાન માટે ઉર્દુ ભાષા નક્કી કરી. પૂર્વ પાકિસ્તાન એટલે કે બંગાળમાં 56 ટકા મુસ્લિમો વસતા અને બંગાળીના ચાહક હતા. એમણે ઉર્દુ ભાષાને નકારી. વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું અને મોટા ભાગે 1952ની 21 ફેબ્રુઆરીએ ગોળીબારમાં ચાર વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા. બાંગલાદેશ વિશ્વનો એક માત્ર દેશ છે જ્યાં ભાષા માટે આંદોલન થયું હતું. બાંગલાદેશ અલગ થયું ત્યારે યુનેસ્કોએ ભાષા ખાતર શહીદ થનારા ચાર વિદ્યાર્થીના માનમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ ભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. આજે લગભગ 7000 ભાષા લુપ્ત થઈ ગઈ છે. ભાષા એટલે એક આખી સંસ્કૃતિ, એક આખો વારસો. આપણને જન્મવા સાથે ગુજરાતી ભાષા મળે છે ત્યારે ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનો વારસો આપણને મળે છે. માતાપિતા ઘરમાં ગુજરાતી ભાષા બોલશે તો બાળક આપોઆપ ભાષા શીખશે. બાળક વાંચીને નહિ, સાંભળીને કે જોઈને શીખે છે.
આ પછી, જ્યોત્સનાબહેને ભારતીબહેન વોરાને વિચારો રજૂ કરવાં આમંત્ર્યાં હતાં. તેમની શૈક્ષણિક ભૂમિ આદ્ય કવિ નરસિંહ મહેતાના જૂનાગઢ રહી હતી અને ગત સાડા સાત દાયકાથી લંડન તેમની કર્મભૂમિ છે. તેમણે 60 વર્ષની વયે એલએલબીની ડીગ્રી હાંસલ કરી હતી.
ભારતીબહેન વોરાઃ પંકજ વોરા લખે છે, ‘ગુજરાતી માત્ર મારી માતૃભાષા નથી, તે મારી પ્રતિ, પ્રતિધ્વનિ અને પ્રતીતી છે. ગુજરાતી ફક્ત ગિરા નથી, નરસિંહનું મૂળ છે, ગાંધીનું કૂળ છે, મારું વજૂદ છે. ગુજરાતી કેવળ ક,ખ,ગ નથી, મારું ઓમ છે, મારો ઉરશ્વાસ છે અને મારી નિયતતા છે. માતૃભાષાની જાળવણી એટલે આપણાપણાની જાળવણી. આપણે આ દેશમાં આવી વસ્યા ત્યારે આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનો વારસો લઈને આવ્યા હતા. આપણી પ્રથમ વસાહતી પેઢીએ આપણી ભાષાનું જતન અને સંવર્ધન કરવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. બીજી પેઢીમાં આ રસ ઓગળતો ગયો. માતૃભાષા પર અંગ્રેજીનું આક્રમણ વધ્યું. બ્રિટનમાં જન્મેલા બાળકોમાં માતૃભાષાનો વપરાશ ઓછો થતો ગયો. ભીખુભાઈ પારેખે એક સર્વેના આધારે જણાવ્યું છે કે બ્રિટનમાં ગુજરાતી ત્રીજી પેઢીના માત્ર 9 ટકા જ પોતાની ભાષામાં વાતચીત કરી શકે છે. જો ભાષા વ્યવહારમાં વપરાતી બંધ થાય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે.’ ભારતીબહેને કવિ ઉમાશંકર જોશી, કવિ વિનોદ જોશી, રઈશ મણિઆર અને પંકજ વોરા સહિત ગુજરાતી ભાષાની મહિમા ગાતી કાવ્યપંક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાની કવિતા ‘મારી બાને દયાશંકર માસ્તરે કક્કો ભણાવ્યો વાંચી સંભળાવી હતી.
આ પછી, જ્યોત્સનાબહેને ગુજરાતી ભાષાશિક્ષણને સમર્પિત અને ભેખધારી ડો. જગદીશભાઈ દવેને આમંત્રિત કર્યા હતા. જગદીશભાઈ દવેએ પોતાની કિશોરાવસ્થામાં મહાત્મા ગાંધી સાથેના સુભગ મિલન તેમજ પ્રાર્થના અને ગાંધીજીના ઉદ્બોધન પછી કિશોરે ગાંધીજી સમક્ષ તેમની સહી મેળવવા નોટબૂક આગળ કરી ત્યારે તેમણે હરિજન ફાળામાં શું આપીશ તેમ પૂછી બધાને ગુજરાતી ભણાવીશ તેવો પ્રશ્ન કર્યો હતો તેની વાત કરી હતી. ‘મો.ક. ગાંધીના આશીર્વાદ’ મેળવી કિશોર ગળગળો થઈ ગયો. આ કિશોર એટલે કે જગદીશ દવેએ ગુજરાતીમાં બી.એ. અને એમ.એ. કર્યું. જુલાઈ 1952થી ગુજરાતી ભણાવવાનો આરંભ કર્યો જે આજે પણ ચાલે છે. તેમણે 1992માં લંડન આવ્યા પછી લખાયેલી એક કવિતા ‘ઢળતી સાંજ, તુલસીક્યારે પ્રગટતો ઘીનો દીવો’ ગાઈ સંભળાવી હતી.
પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે આભારવિધિ કરી હતી.

આ સોનેરી સંગતનો એપિસોડ ટૂંક જ સમયમાં અમારી યુ-ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ થશે..
આ ઉપરાંત અન્ય અમારા એપિસોડ્્સ માટે આજે જ જુઓઃ
YouTube channel: @abplgroup8772


comments powered by Disqus