કેટલાકે તેને વિચિત્ર કહ્યો, કેટલાક પાગલ ગણે છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તો વ્હાઇટ હાઉસમાં મળેલી બેઠકમાં પત્રકારોની સામે તતડાવી નાખ્યો, હવે રશિયા-યુક્રેન યુદ્ધમાં પોતાના દેશને ઝેલેંસ્કી સત્યાનાશ તરફ લઈ જશે એવું ચારે તરફ કહેવાયું. ઈંગ્લેન્ડ જઈને ઝેલેંસ્કીનું અમેરિકા તરફનું વલણ બદલાવ્યું અને અમેરિકાની યુક્રેન સુરક્ષા માટે ખૂબ જરૂર છે એવું કહ્યું તેનાથી ટ્રંપ-તરફી લોકોને હાશ થઈ અને કેટલાકે એવું પણ કહ્યું કે અમેરિકા જેવી મોટી સત્તાની સામે માથું ભેરવવાની ઝેલેંસ્કીની નાદાની હતી. આ માણસ મૂળ તો નાટક-ટીવી-ફિલમનો છે તેને રાજકારણમાં શી સમાજ પડે? આવી પ્રતિક્રિયા ચારે તરફ છે.
છતાં એક વાત નિશ્ચિત છે. વિશાળ સત્તા ધરાવતા અમેરિકાએ અનેક દેશોમાં દાદાગીરીનો દબદબો રાખ્યો છે, નાના દેશોને પોતાની આર્થિક તાકાતથી દબાવ્યા છે. વિયેતનામ અને અફઘાનિસ્થાન તેના નમૂના છે. ભારતના 1965ના પાકિસ્તાન સામેના યુદ્ધ સમયે અને અટલ બિહારી વાજપેયીની સરકારે પોખરણમાં અણુવિસ્ફોટનો પ્રયોગ કર્યો ત્યારે અમેરિકાની આંખો લાલઘૂમ થઈ અને પ્રતિબંધો ફરમાવ્યા હતા. યુક્રેનમાં ટ્રંપને પોતાની શરતે આર્થિક અને સૈનિકી સહાય કરવી છે અને બદલામાં યુક્રેનની મિનરલ સંપત્તિ પોતાને હાથ કરવી છે. બીજું અમેરિકા-યુરોપના વિસ્તારોમાં રશિયન સામ્યવાદ અને તેની પદ્ધતિ હાવી થઈ ના જાય એ અમેરિકા અને ફ્રાંસ,ઈંગ્લેન્ડ જેવા દેશોને માટે ખૂબ જરૂરી છે. એક ક્યુબા ગયું, હવે બીજું કશે જ્વું જોઈએ નહીં તે માટે તેમનું સુરક્ષા-બજેટ દળદાર રહ્યું.
અમેરિકાના ફરીવાર બનેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપના મૂળિયાં અભિમાની અને અહંકારી સ્વૈરવિહારી નેતાના છે. ઝેલેંસ્કીને એક નાદાન છોકરડું સમજીને દબાવવાની કોશિશ કરી. ટ્રંપને રશિયા સાથે શાંતિ મંત્રણા કરીને પોતાની સત્તાને બળવાન બનાવવાના કોડ છે જેથી પોતે જ મોટી સત્તા બની રહે. આમ કરવા માટે તેણે આજકાલ નાટો યુરોપિય દેશોને બાજુ પર રાખીને ઝેલેંસ્કીને આપવામાં આવતી મદદ બંધ કરવાનું નક્કી કર્યું તેથી ફ્રાંસ, બ્રિટન જેવા દેશો છંછેડાયા.
વાસ્તવમાં આ બધુ કુટનીતિક નાટક છે. અગાઉ અનેકવાર ભજવાઈ ચૂક્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં સામ્યવાદી રશિયાની સાથે મિત્ર-દેશોએ સંધિ કરી તે બધા સામ્યવાદ-વિરોધીઓ હતા હવે ચીની દોસ્તી અને રશિયન દોસ્તીનો માહોલ ઊભો કરીને અમેરિકા નવી વૈશ્વિક રાજનીતિ ઊભી કરવા માગે છે? કે પછી લોકશાહી, મૂડીવાદની પ્રબળ સત્તા સામ્યવાદની સામે કાયમ જંગ જારી રાખશે? જો કે હવે સામ્યવાદનું એક વિચારધારા તરીકે માર્કસ,માઓ, લેનિનની સાથે જ દફન થઈ ગયું છે, મૂડીવાદમાં પણ સમાજવાદી અંશો દેખાતા રહ્યા છે. પુટીન સામ્યવાદનો મસીહા ચ્હે જ નહિ. ઝી પિંગનું પણ તેવું જ છે. બંનેનું મૂળ લક્ષ્ય તો સતાને જાળવવાનું અને વિસ્તાર કરતાં રહેવાનુ છે. રશિયાએ અગાઉ હંગેરી, ચેકોસ્લોવેકિયા, પૉલેન્ડ, બલ્ગેરિયા અને યુક્રેનમાં પોતાની કઠપૂતળી સરકારો માટે સેનાનો ઉપયોગ કર્યો હતો, ચીન પણ તાઇવાનથી તિબેટ સુધી (અને ભારતની સરહદો પર) આવો જ વિસ્તાર કરતું રહ્યું છે. ઝેલેંસ્કી કઈ પાગલ નેતા નથી. તેની પોતાના દેશ પ્રત્યેની અસીમ ભક્તિ છે. લોકોના હ્રદયમાં તેનું સ્થાન છે. રશિયાની કનડગત ના થાય તે માટે પુટીનની સાથે સીધી વાટાઘાટો પણ કરી પણ આ પુટીન મહારાજ પણ એમ નમતું મૂકે તેવા નથી. એવું લાગે છે કે દુનિયાના ત્રણ રાષ્ટ્રોના નેતાઓ -ચીન,અમેરિકા,રશિયા-ક્યારે, પોતાના પ્રભાવનો તખતો મજબૂત કરવા માટે શું કરશે તે કહેવાય નહિ. સ્ટેલિન અને રૂઝવેલ્ટ પણ એકબીજાના હાથ મેળવ્યા જ હતા ને?
આ સંજોગોમાં યુરોપિય દેશો યુક્રેનની સાથે રહ્યા તે નિર્ણાયક બાબત છે. એવું પણ બને કે તે બધા અમેરિકને મનાવી લે. એવું બને તો આ નાનકડું પણ સ્વાભિમાની યુક્રેન સુરક્ષિત થઈ જાય. આ લખાઈ રહ્યું છે ત્યારે ચારે તરફ મંત્રણા અને ક્રિયા-પ્રતિક્રિયાનો દૌર ચાલી રહ્યો છે. આ લેખ પ્રકાશિત થાય ત્યાં સુધીમાં ઘણી નવા-જૂની જોવા મળશે.
પણ, રસ પડે તેવું તો માંડ પચાસ વર્ષ તરફ દોડતા ઝેલેંસ્કીનો પરિચય મેળવવા જેવો છે. મૂળ યહૂદી અસ્મિતા ધરાવતો આ રાજનેતા પહેલા કોમેડિયન હતો, સિરિયલો અને ફિલ્મો બનાવતો. તેની કેટલીક ફિલ્મો પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. કીવરિહમાં 1978માં જન્મેલ આ યુવકની પરિવારિક ભાષા રશિયન હતી. પછી તે અંગ્રેજી અને યુક્રેનિયન શીખ્યો. તેની ફિલ્મ-સિરિયલ નિર્માણ કંપની “ક્વરતાલ-95 ની એક સિરિયલનું નામ હતું, “સર્વન્ટ ઓફ પીપલ” પછી તે જ નામે રાજકીય પક્ષ સ્થાપ્યો. આ સિરિયલમાં તેણે કાલ્પનિક રાષ્ટ્રપ્રમુખનું પાત્ર ભજવ્યું હતું, તે વાસ્તવમાં 2019ની ચૂટણીમાં તે ઊભો રહ્યો અને રાષ્ટ્ર પ્રમુખ બન્યો. તેનો પક્ષ સત્તા પર આવ્યો. ઝેલેંસ્કીને દેશના 73.23 ટકા મત મળ્યા હતા! સત્તા પર આવીને તેણે ભ્રષ્ટાચાર નાબૂદી, કોરોના સામે સજ્જતા, ચૂટણી સુધારા, મીડિયા નીતિમાં બદલાવ, અને રશિયા સાથેના યુદ્ધને અટકાવવાના પ્રયાસો કર્યા. તેની લોકપ્રિયતા આજે પણ શિખર પર છે. અમેરિકાના કોઈ પ્રમુખને મોઢામોઢ સંભળાવી દેનારો, ટચૂકડા દેશનો આ પ્રથમ નેતા છે. તે કઈ છીછરાપણું કે ઉદ્ધતાઈ નહોતી, પોતાના દેશનું ગૌરવ જાળવવા અને સામેના મહા-નેતાના અહંકારનું ભંજન કરવાની ઘટના હતી.
તેણે પણ યુદ્ધમાં શાંતિ તો જોઈએ જ છે. આગામી દિવસોમાં તે શું કરે છે તેની સૌને ઉત્સુકતા છે.