શુક્રવાર 28 ફેબ્રુઆરી 2025નો દિવસ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. આ એ દિવસ હતો જ્યારે યુએસના વાઈસ પ્રેસિડેન્ટ જે ડી વાન્સે 2028માં યુએસના આગામી પ્રેસિડેન્ટ બનવાની ઉમેદવારી આગળ વધારવામાં સરસાઈ હાંસલ કરી લીધી. ગત સપ્તાહે મેં ‘ટ્રમ્પ એટલે યોર્કર્સ અને ગુગ્લીઝ ફેંકતી બોલિંગ સાથે ચોક્કા અને છગ્ગાની રમઝટ’ વિષય સાથે લેખ લખ્યો ત્યારે મને ખ્યાલ ન હતો કે હું આટલી ઝડપે સાચો પુરવાર થઈશ. ટ્રમ્પ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા સ્થાપિત નિયમોને અનુસરતા નથી અને વાઈસ પ્રેસિડેન્ટ વાન્સ પણ નહિ. ઝેલેન્સ્કીએ મારો લેખ વાંચી લીધો હોત તો અમેરિકામાં ગરબડ ઉભી કરી તે ટાળી શક્યા હોત.
ગત શુક્રવારે ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે નિકટવર્તી સંબંધો બાંધી શકાય તે માટે રેર અર્થ ખનિજોનો કરાર કરી લેવાના એકમાત્ર હેતુસર યુએસની મુલાકાત લીધી હતી. આવા કરારના ફંડામેન્ટલ્સ ઘણા સાદા હતા, યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થપાવી જોઈએ. આમ થઈ શકે તે માટે તત્કાળના ધોરણે યુદ્ધવિરામ અને લોહી રેડાવાનું બંધ થાય તે માટે સઘન પ્રયાસો કરાવા જોઈએ. જોકે, ઝેલેન્સ્કીના મગજમાં આ મુદ્દાનું સ્થાન છેલ્લું હોય તેમ જણાયું હતું. જો કોઈ પણ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને રશિયન માનસિકતા વિશે થોડી ઘણી પણ સમજ ધરાવતી હોય, તે જાણી જ શકે કે આ યુદ્ધનો અંત આવી શકે તેવા બે માર્ગમાંથી એક જ માર્ગ હતો. એક તો યુક્રેન સમાધાન કરી લે અને પ્રદેશોનો કબજો છોડી દે અથવા રશિયા યુક્રેનને ગાઝામાં ફેરવી ન નાખે ત્યાં સુધી યુદ્ધ ચાલતું રહે.
ટ્રમ્પના ઉપાય થકી અમેરિકાને તેણે યુક્રેનને આપેલા જંગી ભંડોળ અને સ્રોતો તેમજ ચોક્કસપણે તેના ચાલુ રખાનારા સપોર્ટના બદલામાં જરૂરી રેર અર્થ ખનિજો મળી ગઈ હોત. યુક્રેન અને રશિયા વચ્ચે નવી સરહદોની લાઈન્સ અંકાઈ ગઈ હોત, બીજી તરફ, યુક્રેનના પુનઃનિર્માણ માટે ઈયુ અને અમેરિકાને તક પણ સાંપડી હોત. હું સ્વીકારું છું કે યુક્રેન માટે આ શ્રેષ્ઠ ઉપાય ન હોત પરંતુ, તેમના રાષ્ટ્રના ચોક્કસ વિનાશ સાથે જે વિકલ્પ તેમની રાહ જોતો હોય તેના વિશે પણ વાસ્તવિકતા નિહાળવી જોઈએ.
ઝેલેન્સ્કી આ કરારના મુખ્ય મુદ્દાઓ વિશે બરાબર જાણતા જ હતા અને ટ્રમ્પે પણ તેમને જણાવી જ દીધું હતું કે જો તેઓ દર્શાવેલી લાઈન્સ પર હસ્તાક્ષર કરવા તૈયાર હોય તો જ તેમણે અમેરિકા આવવું. ખોટાં બહાના કે ઢોંગ આચરી ઓવેલ ઓફિસમાં ઘૂસી જવું અને તે પછી માત્ર પ્રેસિડેન્ટ માટે જ નહિ, પ્રેસિડેન્ટની ઓફિસ માટે પણ ખુલ્લેઆમ અનાદર દર્શાવવો તે હારાકીરી એથવા તો આત્મહત્યાના કાર્યથી ઓછું ન જ ગણી શકાય.
આ જ સમયે વાઈસ પ્રેસિડેન્ટ વાન્સે હસ્તક્ષેપ કર્યો. તેમણે શબ્દચોરી ન કરી. વિશ્વ મીડિયાની હાજરીમાં તેમણે નગુણા ઝેલેન્સ્કીને પોતાના સ્પષ્ટ વિચારો કહી દીધા. તેમણે ઝેલેન્સ્કીને યાદ અપાવી કે તેઓ તેમના દેશને વિનાશમાંથી બચાવવા પ્રયાસ કરી રહેલા લોકોનો જ અનાદર કરી રહ્યા છે. જોકે નગુણા ઝેલેન્સ્કી વાતાવરણને સમજી જ શક્યા નહિ. તેમણે ટ્રમ્પ અને વાન્સ, બંનેની અવહેલના કરવાનું પસંદ કર્યું. અને એક બાબત તો આપણે બધા જ જાણીએ છીએ કે જો તમે આમ કરવાની હિંમત દેખાડો તો આજીવન માર ખાતા રહેવાની તૈયારી રાખવી જ પડે.
આખું વિશ્વ સામૂહિક આઘાતમાં સરી પડ્યું અને હક્કાબક્કા થયેલાં મીડિયાના તો મોં ખુલ્લાં જ રહી ગયા. યુક્રેનના અમેરિકાસ્થિત રાજદૂત તો માથું હાથમાં પકડીને બેઠાં હતાં. આધુનિક ઈતિહાસમાં શાંત કૂટનીતિના બદલે જ્વાળામુખીના વિસ્ફોટને કોઈએ કદી જોયો જ નહિ હોય.
એમાં જરા પણ આશ્ચર્ય નથી કે ઘણા પાશ્ચાત્ય નેતાઓએ ઝેલેન્સ્કીનો પોતાનો સપોર્ટ જાહેર કરી દીધો. એક બાબત તો ચોક્કસ છે કે તેઓ યુક્રેનના સૈનિકો સાથે ખભેખભા મેળવી લડવા માટે પોતાના લશ્કરોને રણભૂમિમાં નહિ જ મોકલે. શબ્દોના આડંબર અને નિરર્થક વાતોનાં વડાં કરવા સિવાય યુદ્ધનો અંત લાવવા યુક્રેનને ઓફર કરી શકાય તેવું કશું નક્કર તેમની પાસે નથી.
આપણે રેકોર્ડ રાખવા અને લોકો આ યુદ્ધના મૂળ કારણને રખે ભૂલી જાય તે જણાવીએ તો પશ્ચિમે નાટોનું વધુ વિસ્તરણ કદી પૂર્વ તરફ નહિ થાય તેમજ જર્મનીના એકીકરણના બદલામાં યુક્રેનની તટસ્થતા રહેશે તેવા રીગન-થેચરના ગોર્બાચોવને આપેલાં વચનોનો દ્રોહ કર્યો છે. રશિયાએ સમાધાનો સાધીને પણ આ કરારને જાળવ્યો હતો પરંતુ, સત્તા પર રહેલા ક્લિન્ટન સાથેના પશ્ચિમે વ્યવસ્થિતપણે રશિયા તરફ પૂર્વ દિશામાં જ વિસ્તરણ આદર્યું હતું. તેમણે યુક્રેનને તેમની ફ્રન્ટલાઈન બનાવી તેમજ ઝેલેન્સ્કી અને તેના ફાસીવાદી ટોળાંને રશિયનોની બહુમતી વસ્તી ધરાવતા ડોન્બાસ અને ક્રીમીઆ પ્રદેશોમાં જંગલિયાત આચરવાની છૂટ આપી. રશિયા પાસે તેના હિતોના રક્ષણ તેમજ ઝેલેન્સ્કીના ટોળાં દ્વારા હત્યા કરાઈ રહેલા લોકોના રક્ષણ કરવા સિવાયના કોઈ વિકલ્પો ન હતા. તમારે રશિયા સાથે સહમત થવાની કે તેમનો પક્ષ લેવાની જરૂર નથી.
હવે આવનારા દિવસોમાં ઝેલેન્સ્કીને આગળ રાખી રહેલા નેતાઓ યુએસએને ફરી રમતમાં લાવવા અને તેનું પીઠબળ હાંસલ કરવા માટે ધમપછાડા કરશે. તમે હવે જુઓ, આ બધા મોટી મોટી ડંફાસો હાંકનારા નેતાઓ બરાબર જાણે છે કે તેઓ તદ્દન નિર્બળ લોકોથી વિશેષ કોઈ નથી જેમને થોડી ઘણી વિશ્વસનીયતા મળી શકે તે માટે અમેરિકાની જરૂર છે.
વાઈસ પ્રેસિડેન્ટ વાન્સે તેમના હસ્તક્ષેપ સાથે સમગ્ર અમેરિકાને મજબૂત સંદેશો પાઠવ્યો છે કે તેઓ દેખીતી રીતે સ્પષ્ટવક્તા છે એટલું જ નહિ, ઉભા થઈને અમેરિકનો માટે લડવામાં તેઓ જરા પણ ગભરાતા નથી. રિપબ્લિકન્સ જે મતાધાર પર આધાર રાખે છે તેઓને ટ્રમ્પ ગમે છે અને વાન્સ પણ ગમવા લાગે તે માટે તેમની પાસે દેખીતું કારણ પણ છે. એમ લાગે છે કે વાન્સે આગામી પ્રેસિડેન્ટ બનવાની સ્પર્ધામાં પોતાના નામની હેટ નાખી પ્રથમ ડગલું માંડી જ લીધું છે.
રસપ્રદ બાબત એ રહી કે કેર સ્ટાર્મર દ્વારા નિયુક્ત અમેરિકામાં બ્રિટિશ એમ્બેસેડર લોર્ડ પીટર મેન્ડેલસને કહ્યું હતું કે, ‘પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ યુદ્ધનો અંત લાવવા તેમજ ન્યાયી અને ટકાઉ શાંતિ લાવવા માટે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે ઈનિશિયેટિવ આગળ વધારી રહ્યા છે તેને સંપૂર્ણ અને સ્પષ્ટપણે સમર્થન આપવાની જરૂર છે.’ તો જ્યારે સ્ટાર્મર મીડિયાની સમક્ષ પરેડ લગાવી રહ્યા હતા ત્યારે તેમના જ એમ્બેસેડર ટ્રમ્પની પોઝિશનને સપોર્ટ કરી રહ્યા હતા. ખાસ નોંધવાનું એ છે કે ટોરીઝ અને લેબર બંનેએ ખુલ્લેઆમ ઝેલેન્સ્કીનો પક્ષ લઈ આને અયોગ્ય ગણાવેલ છે અને આમ કરીને તેઓ ટ્ર્મ્પની અવહેલના કરી રહ્યા છે. આપણે હવે એ જોવાનું છે કે તેમને આમાંથી શું મળશે. સ્ટાર્મરને તો ડૂબકાં ખાતી ઈકોનોમીને બચાવવા અને હાલ પૂરતું પોતાની પોઝિશનને બચાવવા ઢાલ તરીકે યુક્રેનનો ઉપયોગ કરવાનું બહાનું જોઈતું હતું. યુક્રેની યુવાનો હજારોની સંખ્યામાં મોતને ભેટી રહ્યા છે તેમના લોહી પર કાગારોળ મચાવતા બધા જ યુરોપિયન નેતાઓ માટે જાણે મની લોન્ડરિંગની મહાન તકનો સૂર્યપ્રકાશ રાહ જોઈ રહ્યો છે.