કેરાઃ કેન્યાના બંદરીય શહેર મોમ્બાસા ખાતે કચ્છી મહિલા મંડળ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ‘દરિયાની અંદર’ વિષય પર બેનમૂન રેત રંગોળીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. મોમ્બાસાથી કચ્છી અગ્રણી ભાનુબહેન અરવિંદ ભુડિયાએ જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ રૂપે અહીંની મહિલાઓ રંગોળી સ્પર્ધા યોજી રહી છે.
ચાલુ વર્ષે 163 બહેનોએ હસ્તકૌશલ્યની લહાણી કરી હતી, જેમાં 9 પુરુષે પણ ભાગ લીધો હતો. આ રંગોળીઓમાં રેતરંગ ઉપરાંત દરિયાઈ કોડી, છીપલાં, મોતી અને પેન્સિલ રંગનો ઉપયોગ કરાયો હતો. દરિયાના જીવો, વનસ્પતિના આકારોમાં સૂર્યનાં પ્રકાશ કિરણોને તાદૃશ કરાયાં હતાં.
માંડવીનાં ભારતીબહેન હીરાણીએ જણાવ્યું કે, આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય દરિયાઈ વાતાવરણ અને જીવોના રક્ષણ હેતુ હતો. ભાગ લેનારા દરેકને પ્રોત્સાહન ઇનામો અપાયાં હતાં.
આ મહિલા મંડળ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત કળાની અભિવ્યક્તિરૂપ આયોજનો વર્ષોથી કરી રહ્યું છે. હિન્દુસ્તાનથી દૂર રહીને પણ વતનની સોડમ સર્જતા મોમ્બાસા મહિલા મંડળનાં મહિલા સભ્યોને હસુભાઈના મોટીમા રતનબહેન ભુડિયાના હસ્તે ઇનામો અપાયાં હતાં.
સ્પર્ધામાં મત્સ્ય અવતારની અદ્ભુત કૃતિએ વાહવાહી મેળવી હતી, તો દરિયાઈ ખજાનાની કલ્પના આબેહૂબ સર્જાઈ હતી. બહોળી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. મહિલાઓનાં ટેરવાંની કમાલ જેવી કૃતિઓ આખા મોમ્બાસામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

