ટેક્સાસની રાઇસ યુનિવર્સિટીમાં જૈન સ્ટડીસ માટે નવી તીર્થંકર શાંતિનાથ પ્રોફેસરશીપની ઉજવણી

Wednesday 05th November 2025 05:59 EST
 
 

હ્યુસ્ટન, ટેક્સાસની રાઇસ યુનિવર્સિટીમાં જૈન સ્ટડીસ માટે તીર્થંકર શાંતિનાથ પ્રોફેસરશીપના નવા પદની જાહેરાત જૈનો-જૈનેતરો માટે આનંદના સમાચાર છે.
$૩ મિલિયનની માતબર ભેટ ભારત તેમજ યુ.એસ.ના ‘જૈના”ની એકેડેમીક લીઓસોન કમિટી (ALC)ના ઉદારમના દાતાઓના સહયોગથી રાઇસ યુનિવર્સિટીમાં હવે જૈન ધર્મના અભ્યાસની સુવિધા ઉભી થઇ છે. યુ.એસ. અને ભારતના જૈન દાતાઓના $૧.૫ મિલયનના દાનમાં રાઇસ યુનિવર્સિટીની મેચીંગ ગ્રાન્ટના અનામી દાતાની ભાગીદારીથી આ પદની કાયમી પ્રોફેસરશીપ શક્ય બની.
રવિવાર તા.૧૯ ઓક્ટોબર ’૨૫ના રોજ જૈન વિશ્વ ભારતી સેન્ટર, હ્યુસ્ટનના હોલમાં આ નવા પદની નિયુક્તિ માટે શાનદાર ઉદઘાટનનો પ્રસંગ જૈન સમાજ, અગ્રગણ્ય દાતાઓ, યુનિવર્સિટીની ફેકલ્ટીના સભ્યો વગેરે સો જેટલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો.
દિવાળી વીકેન્ડમાં ઉજવાયેલ આ કાર્યક્રમનો શુભારંભ જૈન વિશ્વ ભારતી સેન્ટર (JVB), હ્યુસ્ટનના સમણીજી આર્જવ પ્રજ્ઞાજી અને સ્વાતિપ્રજ્ઞાજીએ નવકાર મહામંત્રના ગાનથી કર્યો. JVB, હ્યુસ્ટન બોર્ડ ઓફ ટ્રસ્ટી શ્રી સ્વતંત્ર જૈને સૌ આમંત્રિતોનું હાર્દિક સ્વાગત કર્યું.
આ પ્રસંગે હ્યુસ્ટન ખાતેના ભારતીય કોન્સુલ જનરલ ડી.સી.મંજુનાથે આશીર્વચન પાઠવતાં જણાવ્યું કે, અહિંસા, અનેકાન્તવાદ અને અપરિગ્રહના જૈન ધર્મના સિદ્ધાંતોને સમજવાની અને એના પાલનની આજના વિશ્વને વધુ જરૂરત છે.
ALCના સ્થાપક, જૈનાના પ્રેસિડેન્ટ અને લાંબા સમયથી હ્યુસ્ટનમાં રહેતા ડો. સુલેખ જૈને દાયકા અગાઉ રાઇસ યુનિવર્સિટીમાં જૈન સ્ટડીઝનો પાયો નાંખવા માટે ડો.એની ચાઉએ $૨૫૦,૦૦૦ની મેચીંગ ગ્રાન્ટ આપી હતી તે યાદ કરી એમનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. ડો જૈને ભાગીદારીના ઇતિહાસને જીવંત કરતા જણાવ્યું કે, ડો.ચાઉના સ્વર્ગસ્થ પિતાશ્રીએ ભારતની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી બુધ્ધિઝમ પર પી.એચ.ડી. કર્યું હતું તેઓનું સન્માન કર્યું. ભારત અને એશિયા વચ્ચેના એકેડેમીક અને આધ્યાત્મિક વારસાની પરસ્પર આપ-લે ના પ્રભાવનો ઉલ્લેખ કર્યો. સ્કુલ ઓફ હ્યુમાનીટીસના ડીન પ્રો.કેથલીન કેનીંગે હ્યુસ્ટનના સ્કુલ ઓફ એડવાઇઝરી બોર્ડમાં સેવા આપવા બદલ અને નેતૃત્વ માટે ડો.અનુદીપ જૈનની અનુમોદના કરી.
વર્ધમાન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો. જશવંત મોદી અને શાંતિનાથ પ્રોફેસરશીપના મુખ્ય દાતાએ હ્યુસ્ટનના જૈન સમાજ અને રાઇસ યુનિવર્સિટીના જોડાણ માટે બન્નેનો આભાર માન્યો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન JVBના શ્રી રાશુ જૈને કર્યું હતું.
આ પદની નિયુક્તિ સાથે કુલ ૩૪ પ્રોફેસરશીપમાં રાઇસ યુનિવર્સિટીની સ્કુલ ઓફ હ્યુમાનિટીસ ફેકલ્ટીનો સમાવેશ થાય છે. અમેરિકાની અગ્રગણ્ય રીસર્ચ યુનિવર્સિટીઓમાં એની ગણના થાય છે. ૧૯૧૨માં એની સ્થાપના થઇ હતી. હ્યુસ્ટનના હાર્દ સમા વિસ્તારમાં ૩૦૦ એકર જમીનમાં એના કેમ્પસનો વ્યાપ છે. ટેક્સાસ મેડીકલ સેન્ટર, બીઝનેસ સંસ્થાઓ અને ગ્લોબલ થીંક ટેન્ક્સ સાથે આ યુનિવર્સિટીની નિકટતા ભગવાન શાંતિનાથની નવી પ્રોફેસરશીપના પદથી વધુ મજબૂત બનશે.


comments powered by Disqus