વિશ્વની મહાસત્તાઓ પરમાણુ ડાકલા વગાડવા લાગી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પરમાણુ પરીક્ષણો કરવાનો આદેશ આપતાં વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની રેસ વધુ વકરવાની સંભાવના છે. યુક્રેન યુદ્ધ મધ્યે રશિયાએ થોડા સમય પહેલાં ન્યૂક્લિયર પાવર્ડ ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યા બાદ અમેરિકી પ્રમુખ દ્વારા અપાયેલા આદેશે ફરી એકવાર વિશ્વને ચિંતામાં ગરકાવ કરી દીધું છે. આમ તો રશિયા કે ચીન દ્વારા વાસ્તવિક પરમાણુ પરીક્ષણ કરાયું નથી તેમ છતાં ટ્રમ્પે પરમાણુ સક્ષમ મિસાઇલોના પરીક્ષણને સ્થાને સીધા પરમાણુ શસ્ત્ર પરીક્ષણ કરવાનું કહ્યું છે જેણે ગૂંચવાડો પણ સર્જ્યો છે. આમ તો અમેરિકા નિયમિત રીતે મિસાઇલ પરીક્ષણો કરતો રહે છે પરંતુ પરમાણુ પરીક્ષણ અલગ જ બાબત છે.
1992માં તત્કાલિન પ્રમુખ બિલ ક્લિન્ટને પરમાણુ પરીક્ષણ પર હંગામી રોકના આદેશ આપ્યાના એક સપ્તાહ પહેલાં અમેરિકા દ્વારા છેલ્લું પરમાણુ પરીક્ષણ કરાયું હતું. આ રોક તે પછી કાયમી બની રહી હતી. પરંતુ હવે ટ્રમ્પે પરમાણુ પરીક્ષણની જાહેરાત કરતાં રશિયા કરતાં પણ વધુ તો ચીનને લાભ થશે. તે ઉપરાંત વિશ્વના અન્ય પરમાણુ સક્ષમ દેશો પણ સીટીબીટીને મૃત ઠરાવીને પોતાના પરમાણુ કાર્યક્રમો શરૂ કરી દેશે તેવો ભય સેવાઇ રહ્યો છે. તેનો સીધો સંકેત ટ્રમ્પે આપેલા નિવેદનમાંથી મળી રહ્યો છે કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યો છે. જો પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરશે તો ભારત પણ પાછળ નહીં રહે અને ભારતીય ઉપખંડમાં પણ પરમાણુ રેસ શરૂ થઇ જશે.
બીજીતરફ ચીન પણ તેના પરમાણુ શસ્ત્ર ભંડારને સતત વિસ્તારી રહ્યો છે. ટ્રમ્પના દાવા પ્રમાણે ચીન હવે અમેરિકા અને રશિયાને સમકક્ષ બની ચૂક્યો છે. રશિયાના પ્રમુખ પુતિન યુક્રેનને સહાય કરતા પશ્ચિમને અટકાવવા પરમાણુ શસ્ત્રોની ધમકી ઘણીવાર ઉચ્ચારી ચૂક્યા છે. નાટો અને રશિયા વચ્ચેનો તણાવ વધે તો પુતિન હકીકતમાં પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરે તેવી પણ સંભાવનાઓ વર્તાઇ રહી છે. તેથી જ કદાચને ટ્રમ્પે પણ અમેરિકાના પરમાણુ શસ્ત્રોને સક્રિય કરવાનો નિર્ણય લીધો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર ઝીંકાયેલા બે પરમાણુ બોંબે વેરેલા વિનાશે સમગ્ર વિશ્વને આ દિશામાં આગળ નહીં વધવા મજબૂર તો કર્યું હતું પરંતુ જિઓપોલિટિક્સમાં પ્રભુત્વ જાળવી રાખવા મહાસત્તાઓ ગમે તે હદે જઇ શકે છે.
અમેરિકાના પગલે જો રશિયા અને ચીન આગળ વધશે તો તણાવ નવી ઉંચાઇઓ પર પહોંચી જશે, ભારતનો પાડોશી પાકિસ્તાન પણ ભારતને પરમાણુ હુમલાની ધમકીઓ આપતો રહ્યો છે ત્યારે અત્યંત કપરી સ્થિતિમાં કોઇપણ દેશ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરતાં પણ ખચકાશે નહી. સનકી શાસકો ફરી એકવાર સમગ્ર માનવજાતના અસ્તિત્વને જોખમમાં મૂકવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. ટ્રમ્પ ધમકી ઉચ્ચારી ચૂક્યા છે કે અમેરિકા પાસે પૃથ્વીનો 150 વાર નાશ થાય એટલા પરમાણુ શસ્ત્ર છે. આવી સનકી ધમકીઓએ સમગ્ર વિશ્વની ચિંતાઓ વધારી દીધી છે.
