બે ભારતવંશીની સિદ્ધિયાત્રા

સી.બી. પટેલ Wednesday 05th November 2025 06:55 EST
 
 

વૈશ્વિક નેતૃત્વના સદા પરિવર્તનશીલ ફલકમાં માઈગ્રેશન, વીરાસત અને સખત મહેનત થકી આકાર પામેલી કથાઓ સતત પ્રેરણા આપતી રહે છે. આ સપ્તાહની કોલમમાં હું આવા બે નોંધપાત્ર વ્યક્તિત્વો સંદર્ભે થોડું ચિંતન કરવા ઈચ્છું છું. આપણે સન્માનીય સાંસદ રિશિ સુનાક સાથે આરંભ કરીએ, જેમની સાઉધમ્પ્ટનથી 10 ડાઉનિંગ સ્ટ્રીટ સુધીની યાત્રા ખંત-ધૈર્ય અને લક્ષ્યને ચરિતાર્થ કરે છે અને જેમનું જીવન તેમની ભારતીય વીરાસતના શાશ્વત મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
રિશિ સુનાકનો જન્મ ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં 12 મે, 1980ના દિવસે થયો હતો. તેમનું પ્રારંભિક જીવન માઈગ્રેશન અને સખત મહેનત થકી ઘડાયેલું છે. તેમના ગ્રાન્ડપેરન્ટ્સ ભારતના પંજાબથી સ્થળાંતર કરી ઈસ્ટ આફ્રિકા ગયા હતા અને પાછળથી તેમના પેરન્ટ્સ 1960ના દાયકામાં યુનાઈટેડ કિંગ્ડમમાં સ્થાયી થયા હતા. તેમના પિતાએ NHS સાથે GP તરીકે કામ કર્યું હતું અને તેમની માતા ફાર્માસિસ્ટ હતાં જેઓ પોતાની નાની કેમિસ્ટ શોપ ચલાવતાં હતાં.
સુનાકનો ઉછેર તેમના પેરન્ટ્સની કોમ્યુનિટીની સેવા પરત્વે પ્રતિબદ્ધતાના ભારે પ્રભાવ હેઠળ થયો હતો. પેશન્ટ્સ પ્રત્યે પિતાની કાળજી અને માતા દ્વારા ચલાવાતાં નાના બિઝનેસને નિહાળવા સાથે તેમનામાં શિસ્ત, સહાનુભૂતિ અને જવાબદારીની મજબૂત લાગણી સ્થાપિત થઈ હતી. તેમણે વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસમાં ભારે નામના મેળવી હતી. તેમણે પાછળથી ઓક્સફર્ડની લિંકન કોલેજમાં ફીલોસોફી, રાજકારણ અને ઈકોનોમિક્સ (PPE)નો અભ્યાસ કર્યો તેમજ કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડીગ્રી પણ હાંસલ કરી. ઉનાળુ નોકરીઓ અને તેમની માતાની ફાર્મસીમાં મદદ કરવા સહિતના પ્રારંભિક અનુભવોએ તેમને પ્રામાણિકતા, સેવા અને વિનમ્રતાનું મૂલ્ય સમજાવ્યું અને આ ગુણોએ પાછળથી તેમની રાજકીય કારકિર્દીનું ઘડતર કર્યું.
સુનાકે 44 વર્ષની વયે યુનાઈટેડ કિંગ્ડમના સૌથી યુવાન અને સૌપ્રથમ બિનગોરા પ્રાઈમ મિનિસ્ટર તરીકે ઈતિહાસ સર્જ્યો હતો. એક સમર્પિત હિન્દુ તરીકે તેઓ સોમવારે ઉપવાસ કરે છે, શરાબપાન કરતા નથી કે ગૌમાંસ ખાતા નથી અને પરિણામ-ફળની આશા રાખ્યા વિના જ પ્રામાણિકપણે કર્તવ્ય નિભાવવાના હિન્દુ ધર્મના સિદ્ધાંતો અનુસાર જીવન જીવે છે. પ્રાઈમ મિનિસ્ટરના હોદ્દા પરથી ઉતર્યા પછી પણ સુનાક જાહેર જીવનનો ત્યાગ કર્યા વિના બ્રિટનમાં જ રહ્યા છે, જે નિર્ણય તેમના ચારિત્ર્ય અને દૃઢ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તેમના બાળકોએ તેમની 21મી વર્ષગાંઠ યુકેમાં જ ઉજવવાનું પસંદ કર્યું તે આ દેશ સાથે પરિવારના ભૂમિ સંપર્કનું મહત્ત્વ દર્શાવે છે. સુનાક હાલમાં રિચમોન્ડ અને નોર્થાર્લટનના મેમ્બર ઓફ પાર્લામેન્ટ (MP) તરીકે સેવા આપે છે. આ ઉપરાંત, તેઓ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાક્સ ખાતે સીનિયર સલાહકારનો હોદ્દો ધરાવવાની સાથોસાથ અગ્રણી AI કંપનીઓ માઈક્રોસોફ્ટ અને એન્થ્રોપિક (Anthropic) માટે પણ ફરજ બજાવે છે. તાજેતરમાં જ તેમણે ધ સન્ડે ટાઈમ્સના બિઝનેસ સેક્શનમાં કોલમિસ્ટ તરીકે લખવાની પણ શરૂઆત કરી છે.
રિશિ સુનાક આધુનિક રાજકારણમાં પ્રામાણિકતા અને સ્થિતિસ્થાપકતાનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિટિશર અને ખાસ કરીને અંગ્રેજો સ્વસુધારણાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે અને સુનાક પોતાની વિશ્વસનીયતા અને સ્વસ્થતા સાથે નજીકના ભવિષ્યમાં રાજકીય પુનરાગમન કરે તો જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી. વાસ્તવમાં તેમને પરત ફરવાની હાકલ કરતા ઓનલાઈન અભિયાને ભારે ગતિ હાંસલ કરવા માંડી છે.
ભારતીય ઉત્કૃષ્ટતાની આ જ પ્રકારની કથા એટલાન્ટિકને પાર ન્યૂ યોર્કમાં પ્રગટ થઈ રહી છે. 4 નવેમ્બર 2025ના દિવસે યોજાનાર ન્યૂ યોર્ક સિટીના મેયરપદની નિયત ચૂંટણીએ ઉભરતા રાજકીય સિતારા ઝોહરાન ક્વામે મામદાનીને પ્રખ્યાતિના વિશિષ્ટ ઉંબરે લાવી ખડા કર્યા છે. તેમની યાત્રા પણ રિશિ સુનાક જેવા નેતાઓનું સેવા, દૃઢ વિશ્વાસ અને વૈવિધ્યતાનું મૂર્તિમંત સ્વરૂપની ઝલક દર્શાવે છે.
માત્ર 34 વર્ષની વયના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઝોહરાન મામદાનીએ ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં સેવા આપનારા સૌપ્રથમ સાઉથ એશિયન વ્યક્તિ બનવાની સાથોસાથ આ સ્થાન હાંસલ કરનારા સૌપ્રથમ યુગાન્ડન અને માત્ર ત્રીજા મુસ્લિમ તરીકે ઈતિહાસ સર્જ્યો છે. કોઈ પણ કારોબારી કે એક્ઝિક્યુટિવ અનુભવ નહિ હોવાં છતાં, મામદાનીના પ્રગતિશીલ અને લોકકેન્દ્રી એજન્ડાએ રાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું છે અને 300,000થી વધુના વર્કફોર્સ અને 116 બિલિયન ડોલરના બજેટ સાથે અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ કરવા માટે ગંભીર ઉમેદવાર તરીકે તેમને પ્રસ્થાપિત કરી દીધા છે.
યુગાન્ડાના કમ્પાલામાં જન્મેલા ઝોહરાન બે ભારે પ્રભાવશાળી અને ગંભીર વિચારક પેરન્ટ્સ, યુગાન્ડાના ગુજરાતી ઈસ્માઈલી કોમ્યુનિટીમાંથી આવતા પ્રતિષ્ઠિત, વિદ્વાન, લેખક અને રાજકીય કોમેન્ટેટર પ્રોફેસર મહમૂદ મામદાની અને પ્રતિષ્ઠાપાત્ર ભારતીય-અમેરિકન ફિલ્મનિર્માતા મીરા નાયરના પુત્ર છે. તેમના ઉછેરમાં બૌદ્ધિક પ્રતિભા અને સહાનુભૂતિ-સહભાવનું સંમિશ્રણ છે. તેમના પિતાએ ગંભીર વિચાર અને સામાજિક ન્યાયની ભાવનાનું આરોપણ કર્યું છે જ્યારે માતાએ સર્જનાત્મકતા અને અનુકંપાને વિકસાવ્યાં છે. ઝોહરાન માત્ર સાત વર્ષનો હતો ત્યારે તેમનો પરિવાર ન્યૂ યોર્ક સિટીમાં સ્થાયી થવા સાથે ઝોહરાનને વૈશ્વિક ઓળખ અને લક્ષ્યની ગાઢ સ્થાનિક સંવેદનાઓ સાંપડી હતી.
મામદાની આગા ખાનના અનુયાયીઓ ઈસ્માઈલી ખોજા કોમ્યુનિટીમાંથી આવે છે. સંખ્યામાં પ્રમાણમાં ઘણી નાની હોવા છતાં, આ કોમ્યુનિટીએ શિક્ષણ, પ્રોફેશનાલિઝમ, એન્ટ્રેપ્રીન્યોરશિપ અને પરોપકારિતા પર ભાર મૂકવા સાથે વૈશ્વિક આદર પ્રાપ્ત કર્યો છે. ઈસ્માઈલી ખોજાઓએ યુએસ, કેનેડા, યુકે, ઈસ્ટ આફ્રિકા, ભારત અને પાકિસ્તાન સહિતના દેશોમાં કોમર્સ, શિક્ષણવિશ્વ અને બિઝનેસ ક્ષેત્રોમાં અમીટ છાપ ઉપસાવી છે.
એક બાબત નોંધવી રસપ્રદ રહેશે કે પાકિસ્તાનના સર્જક મુહમ્મદ અલી ઝીણાએ પણ પાછળથી ઈથના અશારી (શિયા) ઈસ્લામ ધર્મને અપનાવ્યો તે પહેલા આગા ખાની ઈસ્માઈલી ખોજા કોમ્યુનિટી પરિવારમાં જન્મ્યા હતા. આજના સમયે, પાકિસ્તાન અહેમદિયા અને ઈસ્માઈલી કોમ્યુનિટીઓની તણાવપૂર્ણ સ્વીકૃતિ તેમજ વિભાજન પછી મોટા ભાગે સિંધમાં સ્થાયી થયેલા ભારતીય માઈગ્રન્ટ્સ-મોહાજિરને હાંસિયામાં ધકેલી દેવાયા સાથે ઓળખ અને સમાવેશિતાના આંતરિક પડકારોનો સામનો કરી રહેલ છે. વેપાર અને ઉદ્યોગોમાં તેમનું પ્રભુત્વ રહેવા છતાં, રાજકારણ, ઈકોનોમી અને મિલિટરીમાં તેમનો અવાજ તદ્દન મર્યાદિત રહ્યો છે. જોકે, જનરલ પરવેઝ મુશર્રફ વિરલ અપવાદ રહ્યા હતા.
ઝોહરાન મામદાનીની વાત કરીએ તો, હિન્દુ માતા અને મુસ્લિમ પિતાના તેમના મિશ્ર વારસાના કારણે, તેમની અંગત ઓળખમાં આસ્થા કે ધર્મનું કેન્દ્ર શું હોઈ શકે તેની કોઈ સ્પષ્ટતા થતી નથી. આમ છતાં, તેમની કથામાં આ મુદ્દો વિશેષ મહત્ત્વનો નથી. વાસ્તવમાં જે આંખે ઉડીને વળગે છે તે ભારતીય ડાયસ્પોરાની અસાધારણ વ્યાપકતા, વૈવિધ્યતા અને ઉત્કૃષ્ટતા છે. પોર્ટુગલના પ્રાઈમ મિનિસ્ટરથી માંડી નોર્ધન આયર્લેન્ડ, યુકેના નેતાઓ અને હવે ન્યૂ યોર્ક, ભારતીય મૂળના લોકો વૈશ્વિક પ્રભાવ પાથરી રહ્યા છે, બૌદ્ધિકતા, પ્રામાણિકતા અને હેતુલક્ષી ઊંડી સંવેદના સાથે રાજકારણ, બિઝનેસ અને સંસ્કૃતિને ઘાટ આપી રહ્યા છે.
બ્રિટનમાં રિશિ સુનાક હોય કે ન્યૂ યોર્કમાં ઝોહરાન મામદાની હોય, તેમનો જન્મ અને ઉછેર ભલે પરદેશની ભૂમિ પર થયો હોય, ભારત સાથે તેમનું જોડાણ-સંબંધ ઊંડો અને અતૂટ રહે છે. તેમના વારસામાં સાંપડેલા શિસ્ત, કર્તવ્ય અને ધર્મના ગુણો, તેમની કામગીરી, નેતૃત્વ તેમજ તેઓ જે રીતે ભારતીય સંસ્કૃતિ અને ચેતનામાં ઊંડે સુધી પહોંચેલા મૂલ્યો સાથે તેમના અપનાવેલા દેશોની સેવા કરે છે તેના થકી સુપેરે પ્રકાશિત થાય છે.


comments powered by Disqus