મહેશભાઇની પ્રાર્થના સભામાં ભજન-ભોજન-મિલનનો ત્રિવેણી સંગમ

-જ્યોત્સના શાહ Wednesday 05th November 2025 05:54 EST
 
 

સોમવાર ૨૭ ઓક્ટોબર’૨૫ના રોજ દેવીબહેન પારેખે એમના પતિ શ્રી સ્વ.મહેશભાઇની પુણ્યતિથિ નિમિત્તે એમના નિવાસ સ્થાને પ્રાર્થના સભાનું આયોજન માત્ર બહેનો માટે જ હતું. સામાન્ય રીતે દેવીબહેનને ત્યાં ચેરિટી લંચ-ડીનરના આયોજન અવાર નવાર થતાં હોય છે. એમની આગવી વિશેષતા એ છે કે, એમના નિમંત્રકોમાં જેઓ એકલા રહેતા હોય અથવા તો જન સંપર્ક ઓછા હોય તેવાઓને ખાસ યાદ કરી બોલાવે. દિવાળીમાં પણ એવી વ્યક્તિઓને આમંત્રે છે.
વારે-તહેવારે સર્જરીઓમાં, હોસ્પીટલોમાં પણ ખાવાનું લઇ સમોસા, ફ્રુટ્સ, જ્યુઇસ વગેરે ખાસ આપી આવે છે અને એમની સેવાઓની કદર કરે છે.
મને પણ એમની સાથે જવાનો અવસર મળ્યો છે. દિવાળી-ક્રિસમસ જેવા તહેવારોમાં સતત વ્યસ્ત રહેતા મેડીકલ સ્ટાફને આવી ભેટ મળે તો એમની આંખોમાં ચમક આવી જાય છે. કોવીદમાં તો દરરોજ દર્દીઓની સેવામાં સતત રસ્તા પર દોડતા એમ્બ્યુલન્સ સ્ટાફની ભૂખ સંતોષાતા એમની આંખમાં ઝળહળિયાં આવી જતાં.
દેવીબહેનના સ્વભાવમાં કરૂણા અને સંવેદનશીલતા છે. ભેટ સામે ભેટ મળે એ વ્યવહાર કહેવાય પરંતુ લાગણીના બદલે લાગણી મળે તેને આત્મીયતા કહેવાય, જેની પ્રતિતી ઉપસ્થિત સૌને થઇ. આમ તો અસંખ્ય પાર્ટીઓ ઠેર ઠેર થતી હોય છે પણ એમાં ખાસ્સો ફરક હોય છે. પાર્ટી માટે પાર્ટી નહિ પણ દિલથી વ્યક્તિની સંવેદના સમજી એને મહત્વ અપાય ત્યારે એમાં માનવતા મહેંકતી જોઇ શકાય છે.
ફેશન દેવીબહેનની પેશન છે એવો જ જાતજાતની વાનગીઓ બનાવવાનો, ડેકોરેશન, વાંચન, હરવા-ફરવાનો શોખ વગેરે માટે પણ લગાવ! જીવનને ભરપુર માણવામાં તેઓ માને છે. અંદરની તકલીફો અવગણી ઉપરથી મેક અપ (રંગરોગાણ)સહ ટીપટોપ રહેવામાં માનવા સાથે સહજતાથી સૌ સાથે મૈત્રી બાંધી એને નિભાવી જાણે છે. સામાન્ય વ્યક્તિના અસામાન્ય કામો તે આનું નામ!
સોમવારની પ્રાર્થના સભામાં ભારતી બહેન શેઠિયા શિવ માહિમ્ન સ્તોત્ર સાથે કૃષ્ણ, રામના સરસ ભજનો રજુ કરી આધ્યાત્મિક માહોલ ઉભો કરવામાં સફળ રહ્યાં હતાં. સાથે રાજસ્થાની ઘુમ્મર નૃત્ય કરી મનોરંજન પણ પૂરૂં પાડ્યું હતું. આમંત્રિતોમાં પૂર્ણિમાબહેન ભારતિયા ૯૪ વર્ષની વયે તનની તકલીફો હોવા છતાં મનની સ્ફૂર્તિવાળાને મળીએ તો એમનું પાત્ર સૌ માટે પ્રેરણાજનક હતું.
એમના પતિ રત્નાકર ભારતિયાજી ૧૯૫૦માં મહેન્દ્રભાઇ મેઘાણીએ ગુજરાતી લેખની સ્પર્ધા યોજી હતી એમાં ભરતિયાજી વિજેતા બનતા એમને ૧૫ દિવસની લંડનની મુલાકાત લેવાનો ચાન્સ મળ્યો હતો. એમની રહેવાની વ્યવસ્થા મેઘાણીજીએ કરી હતી પરંતુ લંડનની ટિકિટ પોતાના ખર્ચે લેવાની હતી. પછી તેમને બી.બી.સી.માં આઉટ હાઉસ જર્નાલીઝમનું કામ પાર્ટ ટાઇમ મળી જતાં અહિં રોકાઇ ગયા. બે વર્ષ બાદ ભારત પરત ગયા. ત્યારબાદ એમને બી.બી.સી.એ જોબ ઓફર કરી અને પાછા લંડન આવ્યા. અહિં આવી બ્રોડકાસ્ટર અને પ્રોડ્યુસર તરીકે સફળ રહ્યા. પૂર્ણિમાબહેન ૧૯૬૩/૬૪માં લંડન આવ્યા અને ભારતિયા સાથેની એમની મુલાકાત લગ્નમાં પરિણમી. ૯૧ વર્ષના જયાબહેન માલદેની માનસિક સ્વસ્થતા અને એમની રસોઇકળા સરાહનીય છે. તેમની રેસીપી બુક લોકપ્રિય બનેલ. ઓશવાળ પરિવારના જયાબહેને યુવા વયમાં પતિને ગુમાવ્યા અને નાના બાળકોની જવાબદારી એમના પર આવી પડી જે સરસ રીતે નિભાવી જાણી.
જાણીતા સંગીતકાર જ્યોતિબહેન કામથના કંઠના કામણથી સૌ પરિચિત છે. એમના પતિશ્રી સુરેશભાઇ કામથના વાંસળીના સૂરોના સ્નેહમાં આવી જ્યોતિબહેન એમનાં જીવનસાથી બની ગયા. સૂતરવાલા પરિવાર ટી.આર.એસ બ્રાન્ડ માટે સુવિખ્યાત છે. આસ્માબહેન હાતિમભાઇ અને સકીનાબહેન ફકરૂભાઇ સૂતરવાલા એકતા ચેરિટીમાં સક્રિય હોવા ઉપરાંત મનાવતાના કાર્યમાં અનુદાન આપે છે. આ બન્ને દેરાણી-જેઠાણી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, તેઓ મૂળ સિધ્ધપુરના બ્રાહ્મણ હતા અને પછી વટાળ પ્રવૃત્તિના કારણે તેઓએ દાઉદી વોહરા ધર્મ અપનાવ્યો. એમના અને હિન્દુઓના રીત રિવાજોમાં ઘણી સામ્યતા છે. લગ્નમાં મંડપ મૂર્હુત, પીઠી વગેરે વિધિઓ હિન્દુઓ જેવી જ હોય છે. નિલમબહેન વડેરા પણ એક જાણીતું નામ છે. એમની દિકરી બેરોનેસ શ્રૃતિ વડેરા બ્રિટિશ સમાજનું ગૌરવ છે. એમની પુત્રવધૂ માધવીબહેન પણ પોતાના વ્યવસાયમાં સખત વ્યસ્ત હોવા સાથે ઘણી બધી ચેરિટિસને સપોર્ટ કરે છે.
પુષ્પાબહેન મખીચા (૮૪), રેખાબહેન ગોહેલ, પ્રતિભાબેન શાહ, આમલા, પ્રીતિબહેન શાહ, રશ્મિબહેન દોશી, પ્રતિભાબહેન લાખાણી, બીનાબહેન, ભારતીબહેન શાહ, રૂપાબહેન મિસ્ત્રી, ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા અને એમની દિકરી શીતલ, કલ્પનાબહેન પટેલ (તંત્રીશ્રી સી.બી.પટેલના બહેન), ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડીટર કોકિલાબહેન પટેલ અને જ્યોત્સના શાહ વગેરે પોતપોતાની આગવી વિશેષતા ધરાવે છે. લખવા બેસું તો પાનાં ને પાનાં ભરાય!
ઉમર વધવા સાથે ઘણાં બધાં શારિરીક, માનસિક, સામાજિક, કૌટુંબિક આદી એક યા બીજી સમસ્યાઓનો ભોગ બનતા હોય છે. એકલતા પણ સતાવતી હોય છે. નાની-મોટી અનેક ઉપાધિઓ વચ્ચે રોદણાં રડવાને બદલે હકારાત્મક અભિગમથી જ જીવન જીવવામાં રસ રહે છે. અણમોલ માનવભવ મળ્યો છે એને સાર્થક કરવા પ્રયાસ કરવા એ જ અગત્યનું છે. આ નવા વર્ષમાં સંકલ્પ કરીએ કે, નકારાત્મકતાને જાકારો આપીએ અને હકારાત્મકતાનો પ્રસાર કરીએ.
 સત્કાર્યમાં જાતને જોતરી પ્રવૃત્તિમય નિવૃત્તિનો નિજાનંદ માણીએ. આવા નાના -નાના કાર્યક્રમો એકબીજાને સાથે મળવાનો મોકો આપે છે.વિચાર વિમર્શને અવકાશ મળે છે. જ્ઞાનમાં વૃધ્ધિ થાય છે. એકલતા ટળે છે. ડીપ્રેશન કે ડીમેન્શીયા જેવા રોગથી બચાય છે.


comments powered by Disqus