આખરે બ્રિટિશ રાજ પરિવારના સ્વછંદી પ્રિન્સ એન્ડ્રુનો રાજકુમારનો દરજ્જો છીનવી લેવાયો છે. હવે તેઓ ફક્ત એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસર તરીકે જ ઓળખાશે અને એક આમ આદમી તરીકે બાકીનું જીવન વ્યતિત કરશે. એન્ડ્રુની સ્વછંદતાએ તેમણે મેળવેલા તમામ આદર અને સન્માનનો ભોગ લીધો છે. એક સામાન્ય માનવી તરીકે સ્વછંદી જીવન જીવવું અને જાહેર જીવનમાં રહીને સ્વછંદી જીવન જીવવા વચ્ચે ઘણો મોટો તફાવત રહેલો છે. જ્યારે તમે એક સમયે સમગ્ર વિશ્વ પર શાસન કરનારા એક રાજવી પરિવારના સભ્ય હો ત્યારે તો તમારી જાહેર જવાબદારીઓ વિશેષ બની રહે છે. પરંતુ એક સમયે સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ફેવરિટ પુત્ર અને ફોકલેન્ડના વોર હીરો એવા એન્ડ્રુએ બેજવાબદાર અને સ્વછંદી જીવનશૈલીના કારણે પોતાના જ જીવતરમાં ધૂળ નાખી છે.
પ્રિન્સ એન્ડ્રુનો ઘટનાક્રમ બ્રિટિશ રાજવી પરિવાર માટે મોટો બોધપાઠ લઇને આવ્યો છે. આમ પણ બ્રિટનમાં રાજાશાહી પર સવાલો ઉઠાવનારા લોકોની સંખ્યા ઓછી નથી ત્યારે હવે રાજવી પરિવારે જ જનતા સાથેના સંબંધોને પુનઃસ્થાપિત કરવા પડશે. રાજવી પરિવારના એક એક સભ્ય માટે જાહેર જવાબદારીઓ અને પોતાના ચારિત્ર્યને સુવ્યવસ્થિત રાખવું અત્યંત મહત્વનું બની ગયું છે નહીંતર જનતા ક્યારે રાજાશાહીને નકારી કાઢશે તે કહી શકાય નહીં.
એન્ડ્રુ પ્રકરણે સર્જેલા સવાલોનો જવાબ રાજ પરિવાર અને જનતા વચ્ચેના કરારના હાર્દમાં રહેલો છે. યુકેની જનતા દ્વારા રાજપરિવારને જે વિશેષાધિકારો હાંસલ થયાં છે, બ્રિટિશ સમાજમાં તેમને જે ઉચ્ચ દરજ્જો અપાયો છે તેના બદલામાં રાજ પરિવારના સભ્યોએ તેમની જાહેર સેવાઓ અને ફરજો ગૌરવ અને નમ્રતા સાથે નિભાવવી પડશે. તેની સાથે પોતાના અંગત જીવનોના માપદંડને પણ એક ઊંચાઇ પર જાળવી રાખવા પડશે. ઘરઆંગણે અને વિદેશોમાં તેમના જાહેર અને અંગત વ્યવહારો અને વર્તન દ્વારા યુકેની પ્રતિષ્ઠા જળવાય તેવી અપેક્ષા જનતા રાખે છે.
સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ આ બાબતને સુપેરે સમજ્યા હતા અને બ્રિટિશ રાજાશાહીના પોતાના સૌથી લાંબા શાસનકાળમાં આ બાબત સારી રીતે સમજી શક્યા હતા અને તેમણે દેશ અને વિદેશમાં રાજપરિવારની સાથે સાથે યુકેને પણ ગૌરવ પ્રદાન કર્યું હતું. પરંતુ તેમના સંતાનો આ ગૌરવ અને પ્રતિષ્ઠા જાળવવામાં ઉણા ઉતર્યાં છે. પ્રિન્સ એન્ડ્રુ ઉપરાંત પ્રિન્સ હેરીએ રાજવી પરિવાર સામે બંડ પોકારીને તેમજ જાહેરમાં લૂગડાં ધોઇને રાજપરિવારને ઘણીવાર શરમજનક સ્થિતિમાં મૂક્યો છે. આ પહેલાં વર્તમાન કિંગ અને તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ અને તેમની પત્ની લેડી ડાયનાના ક્ષતવિક્ષત લગ્નજીવન અને પ્રિન્સ ચાર્લ્સના કેમિલા સાથેના લગ્નેતર સંબંધોએ રાજપરિવારને હંમેશા ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યો હતો.
આધુનિક યુગમાં બ્રિટિશ જનતા અને રાજપરિવાર વચ્ચેનો વણલિખિત સામાજિક કરાર અત્યંત મહત્વનો છે. રાજાશાહી માટે નિર્વિવાદ જાહેર સમર્થન ક્યારેય હાંસલ થતું નથી. હવે આ કરાર નિભાવવાની જવાબદારી કિંગ ચાર્લ્સ અને તેમના વારસ પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમની છે. તેમણે જાહેર અને અંગત વ્યવહારોની સાથે સાથે આર્થિક પારદર્શિતા પણ અપનાવવી પડશે. જનતા અપારદર્શકતાને સ્વીકારવા તૈયાર નથી. રાજપરિવારે સારી રીતે સમજી લેવું પડશે કે જનતાના પ્રેમ અને સ્વીકૃતિ માટે જાહેર તેમજ અંગત જીવનના તમામ માપદંડોને નવી ઊંચાઇ પર લઇ જવા પડશે. બ્રિટિશ જનતા રાજાશાહીને જારી રાખવા તૈયાર છે પરંતુ સામે પક્ષે રાજાશાહીએ તેની જવાબદારીઓ પ્રમાણિકતા અને નિષ્ઠાથી નિભાવવી પડશે.
