વધતી વયે મિત્રવર્તુળ વધારવું કે ઘરમાં બેસી રહેવું?

Wednesday 05th November 2025 06:47 EST
 
 

સિનિયર સિટીઝનના જીવનમાં નાનીમોટી અનેક મુશ્કેલીઓ હોય છે. આવી બધી મુશ્કેલીઓનો અનુભવ કર્યા પછી 85 વર્ષના રોજર રોઝેનબ્લેટે પોતાના પુસ્તક ‘રૂલ્સ ઓફ એજિંગ’ની સિક્વલ રજૂ કરી છે.
આ પુસ્તકમાં તેમણે વૃદ્ધોને તંદુરસ્ત અને સદાબહાર ખુશ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી છે. આપ સહુને જાણીને નવાઇ લાગશે કે રોજરે પોતાનું પ્રથમ પુસ્તક 25 વર્ષ પહેલા 60 વર્ષની ઉંમરે લખ્યું હતું. તેઓ કહે છે કે, મારા પુસ્તકમાં સૂચવેલા નિયમો 60થી 80 વર્ષની વયના વ્યક્તિ માટે ફાયદાકારક રહેશે. ચાલો આપણે પણ રોજર રોઝેનબ્લેટે સૂચવેલા ઉપાયો વિશે જાણીએ...
1) કોઈ તમારા અંગે વિચારતું નથી
દરેક જણ માત્ર પોતાના અંગે જ વિચારે છે - આ વાતને બરાબર યાદ કરી લો. આથી કોઈ તમારા વિશે શું કહેશે એવું વિચારવાનું સદંતર બંધ કરી દો. આ જ આઝાદી છે. તમે શું ખાધું કે શું લખ્યું તેનાથી કોઈને ફરક પડતો નથી. પણ, જો તમે આ મુદ્દે વધુ વિચારવાનું શરૂ કર્યું તો તમને જરૂર ફરક પડશે.
2) ડોક્ટર્સની વિઝીટ ઓછી કરો
આ સૂચન સાંભળીને તમે જરૂર અચરજ અનુભવ્યું હશે. માનો કે ના માનો, પરંતુ આ હકીકત છે. તમારો હંમેશા એવો પ્રયાસ રહેવો જોઈએ કે, તમારે ઓછામાં ઓછી વખત ડોક્ટર પાસે જવું પડે. ક્લિનિકના પગથિયા ઓછા ચઢવાથી તમે સારું અનુભવશો.
૩) યુવાનો સાથે દોસ્તી કરો, ઊર્જાવાન રહેશો
યુવાનો સાથે દોસ્તી કરો. તેમની સાથે સમય પસાર કરવાથી તમે ઊર્જાવાન રહેશો. યુવાનોમાં એક અલગ પ્રકારની ઊર્જા હોય છે. તેમની પાસે ચર્ચા માટે નવા નવા વિષય અને માહિતી પણ હોય છે. તેઓ ઉત્સાહથી હર્યાભર્યા હોય છે જે તમારામાં પણ ચેતનાનો સંચાર કરશે.
4) કૂતરો પાળો
રોજરનું ભારપૂર્વક માનવું છે કે વરિષ્ઠ નાગરિકોએ કૂતરો જરૂર પાળવો જોઈએ. એ તમારી બધી વાતો સાંભળે છે. કૂતરા વફાદાર પણ હોય છે. એક કૂતરો તમને જેટલો પ્રેમ કરશે એટલો કોઈ બીજું પ્રાણી નહીં કરે.
5) તમારી રસરુચિવાળા સમૂહો સાથે જોડાઓ
તમારા જેવી પસંદગી ધરાવતા ગ્રૂપ સાથે જોડાઓ. તેનાથી તમે એકલા નહીં રહો. ગ્રૂપના સભ્યોને સતત મળતા રહો. જો તમે આર્ટિસ્ટ છો તો સાથે બેસીને કામ કરો. આનાથી તમારી એકલતા પણ દૂર થશે, અને સર્જનાત્મક્તા પણ ખીલશે.
6) અન્યોની પ્રશંસા કરવાનું શીખો...
આ દુનિયામાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના દુઃખ કે તકલીફમાં છે. પછી તે વ્યક્તિ તમે આજે જ જેને મળ્યા છો તે હોય કે પછી જેને તમે વર્ષોથી જાણતા હોવ તે હોય. જો તમે આ વાત પહેલાથી જાણો છો તો સારી વાત છે. આથી બધા લોકો પ્રત્યે દયાળુ રહો. આ તમારા અને સમાજ બંને માટે સારું છે. તમારી આસપાસ શું બની રહ્યું છે તેને ધ્યાનથી જોવા માટે ઘણો સમય છે તો દુનિયાને જુઓ. કંઇક સારું જૂઓ કે સારું અનુભવો તો પ્રશંસા કરવાનું ચૂકો નહીં.
7) ...પણ તમે બીજાની પ્રશંસાથી
પ્રભાવિત ન થાઓ
અગાઉ કહ્યું એમ અન્યની પ્રશંસની કરવાનું ક્યારેય ચૂકો નહીં, પરંતુ કોઈ તમારા કામની પ્રશંસા કરે કે તમને કોઈ માનસન્માન-એવોર્ડ મળે તો તેનાથી બિલ્કુલ પ્રભાવિત ન થવું. સારું કાર્ય કર્યાનો સંતોષ માનીને બેસી રહેવાના બદલે કામ કરતાં રહેવું જ જીવનમાં સૌથી જરૂરી બાબત છે. મહાન બાસ્કેટ બોલ ખેલાડી રસેલનો રમતના મેદાનમાં નબળો સમય ચાલતો હતો ત્યારે દર્શકો વારંવાર હૂટિંગ કરતા હતા. આ બધું જોઇને એક દિવસ તેમની પુત્રીએ તેમને પુછ્યું કે, તમે આટલું તીવ્ર હૂટિંગ સહન કઇ રીતે કરી શકો છો? તેમણે જવાબ આપ્યો - મને હૂટિંગ સંભળાતું જ નથી, કેમ કે મને ચીયર્સ પણ સંભળાતા નથી.
8) પ્રશ્ચાતાપ સાથે જીવતાં શીખો
આ ફોર્મ્યુલા માત્ર સિનિયર સિટીઝને જ નહીં પણ સહુ કોઇએ જીવનમાં અપનાવવા જેવી છે. આપણા સહુના જીવનમાં નાનીમોટી અનેક ઘટનાઓ બનતી રહેતી હોય છે. તેનાથી કોઇ વાતે રંજ, રિગ્રેટ્સ કે પ્રશ્ચાતાપ પણ થતો હોય છે. પરંતુ તમારે વધુ ધ્યાન ન આપવું જોઈએ. જે ઘટના બની ગઇ છે તેનો પર બોજ લઇને જીવવાની જરૂર નથી. આગળ વધતા રહો અને પ્રશ્ચાતાપ સાથે જીવવાની ટેવ કેળવો.


comments powered by Disqus