ગેરકાયદેસર માઇગ્રેશન મહાસત્તાઓનું જ પાપ.....

Wednesday 06th August 2025 06:03 EDT
 

યુકેમાં ફાર રાઇટ્સ દ્વારા ઇમિગ્રન્ટ્સ વિરોધી ચળવળ ઉગ્ર બનાવવામાં આવી રહી છે. ગયા વર્ષે સાઉથપોર્ટમાં ઇમિગ્રન્ટ દ્વારા કરાયેલા હત્યાકાંડ બાદ સમગ્ર દેશમાં માઇગ્રન્ટ વિરોધી હિંસા ફાટી નીકળી હતી. ગયા સપ્તાહમાં પણ બ્રિટન ફર્સ્ટ નામના ફાર રાઇટ સંગઠન દ્વારા બ્રિટનના લંડન સહિતના વિવિધ શહેરોમાં અસાયલમ હોટેલો સામે વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં. આ સમસ્યા ફક્ત યુકેમાં નહીં પરંતુ સમગ્ર યુરોપમાં જોવા મળી રહી છે. યુરોપને હવે માઇગ્રન્ટ્સ સ્વીકાર્ય નથી.
સ્થળાંતર પ્રકૃતિનો નિયમ રહ્યો છે. આફ્રિકા ખંડમાંથી ઉત્ક્રાંતિથી સર્જાયેલો માનવી કાળક્રમે સમગ્ર વિશ્વમાં સ્થળાંતર કરી ગયો. આ વિશ્વનું પ્રથમ માઇગ્રેશન કે ઇમિગ્રેશન હતું. આજે ઇમિગ્રન્ટ્સનો વિરોધ કરી રહેલા બ્રિટિશર અને યુરોપિયનો એ ભૂલી જાય છે કે સૌથી વધુ માઇગ્રેશન તો તેમણે જ કર્યું હતું. આજના ઇમિગ્રન્ટ્સ તો જે તે દેશમાં જઇને ત્યાંના સમાજમાં હળી ભળી જાય છે પરંતુ યુરોપિયનોએ તો માઇગ્રેશન કરવાની સાથે જે તે પ્રદેશો પર પોતાની હકુમતો પણ ચલાવી હતી. આજે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન સામે લાલ આંખ કરી રહ્યાં છે પરંતુ અમેરિકનો એ ભૂલી જાય છે કે તેમના વડવાઓ પણ માઇગ્રેશન કરીને જ અમેરિકા પહોંચ્યા હતા. આજે હવે એજ બ્રિટિશર, અમેરિકન અને યુરોપિયનો એશિયા અને અન્યત્રથી આવતા માઇગ્રન્ટ્સનો વિરોધ કરી રહ્યાં છે.
વિશ્વમાં માઇગ્રેશન વધવા પાછળના મૂળ કારણ તરફ તો કોઇ ધ્યાન જ આપી રહ્યું નથી. મહાસત્તાઓ અને વિશેષ કરીને પશ્ચિમના વિકસિત દેશોની વૈશ્વિક કૂટનીતિએ જ માઇગ્રેશનની સમસ્યા વકરાવી છે. મીડલ ઇસ્ટના દેશો હોય કે અફઘાનિસ્તાન, પશ્ચિમી દેશોના જે તે દેશોમાં હસ્તક્ષેપ, સત્તાની લડાઇમાં ભુમિકા અને નીતિઓએ સીરિયા, લેબેનોન, લીબિયા, પેલેસ્ટાઇન, ઇરાક જેવા દેશોમાંથી લોકોને મોટાપાયે હિજરત કરવાની ફરજ પાડી છે. જો પોતાના વતનમાં શાંતિથી જીવન ગુજારવા મળતું હોય તો કોઇ અન્યત્ર સ્થળાંતર કરવાનો વિચાર ન કરે. રશિયા-યુક્રેન યુદ્ધનો જ દાખલો લો ને.. રશિયન હુમલાના કારણે લાખો યુક્રેનિયનને દેશ છોડવાની ફરજ પડી. એશિયાના સંખ્યાબંધ દેશોના લોકો શાંતિની શોધમાં જ જીવના જોખમે બાળકો અને પરિવાર સાથે ઇંગ્લિશ ચેનલ પાર કરવાનું જોખમ ઉઠાવે છે.
શું વિશ્વની મહાસત્તાઓને આ સામાન્ય કારણ સમજમાં આવતું નથી? તેમને તેમના કરેલા પાપ જ નડી રહ્યાં છે. જે દિવસે તેઓ અન્ય દેશોના મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરશે તે દિવસે માઇગ્રન્ટ્સની સમસ્યાનો અંત આવી જશે.


comments powered by Disqus