ભારતને ઝૂકાવવા ટ્રમ્પની વેપાર મિશ્રિત કૂટનીતિ

Wednesday 06th August 2025 06:02 EDT
 

અમેરિકાને મહાન બનાવવા પ્રમુખ ટ્રમ્પ સમગ્ર વિશ્વ સામે જંગે ચડ્યા હોવાનું પ્રતિપાદિત કરી રહ્યાં છે પરંતુ તેમની વેપાર નીતિ સાથે કૂટનીતિનું સંમિશ્રણ ઘણા દેશો માટે મૂંઝવણભરી સમસ્યા બની રહ્યું છે. તેનું તાદ્દશ ઉદાહરણ ભારત પર તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા લદાયેલા ટેરિફ છે. એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી જીવ છે. તેમની નસોમાં વેપાર ઠાંસી ઠાંસીને ભર્યો છે. બીજી ટર્મ માટે અમેરિકી પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા બાદ ટ્રમ્પે વેપારના મામલામાં તેમના યુરોપ, કેનેડા, મેક્સિકો સહિતના ગાઢ સાથી દેશોને પણ છોડ્યાં નથી. ટ્રમ્પ પોતાની શરતોએ વેપાર કરવા આ દેશોને ઝૂકાવવામાં મહદ્દ અંશે સફળ પણ રહ્યાં છે.
ભારત સાથેના ટ્રમ્પનો બદલાયેલો વ્યવહાર આઘાતજનક છે. અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવતા હતા પરંતુ હવે આ જ મિત્રતા હાંસિયામાં ધકેલી દેવાઇ છે. ટ્રમ્પની મુખ્ય સમસ્યા ભારત નહીં પરંતુ રશિયા અને ચીન છે. પાકિસ્તાનની ચીન તરફી ઝૂકાવ અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વિદાય બાદ ચીન અને રશિયાને કાબુમાં રાખવા ટ્રમ્પને ભારતીય ઉપખંડમાં ભારત જેવા મજબૂત સાથી દેશની જરૂર છે. પરંતુ જે રીતે ભારતે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં તટસ્થ વલણ અપનાવીને રશિયા તરફી વલણ જારી રાખ્યું તે અમેરિકાની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. તેમાં વળી બ્રિક્સ સંગઠન દ્વારા અપનાવાયેલી અમેરિકા વિરોધી નીતિએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેથી ટ્રમ્પે ભારતનું નાક દબાવવા માટે ટેરિફને શસ્ત્ર બનાવવાની સાથે સાથે ભારતના પરંપરાગત દુશ્મન ગણાતા પાકિસ્તાનને પોતાની ગોદમાં બેસાડ્યો છે. ગયા સપ્તાહમાં ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જે એશિયામાં કોઇપણ દેશ પર લદાયેલા સૌથી વધુ અમેરિકી ટેરિફ છે. તે ઉપરાંત ટ્રમ્પે રશિયા પાસેથી ક્રુડની ખરીદી માટે ભારત પર પેનલ્ટી લાદવાની પણ જાહેરાત કરી છે.
દક્ષિણ એશિયામાં ભારત જેવો શક્તિશાળી મિત્ર દેશ ગુમાવવો અમેરિકા અને ટ્રમ્પને પોષાય તેમ નથી. એકતરફ રશિયન પ્રમુખ પુતિન ટ્રમ્પની ધમકીઓને ગાંઠી રહ્યાં નથી તેથી પુતિનને ઝૂકાવવા ટ્રમ્પ ભારતનો હાથા તરીકે ઉપયોગ કરવા માગે છે. પરંતુ ભારતના પુતિન તરફી વલણને કારણે હવે તેઓ ભુંરાટે ભરાયા છે. એટલે જ તેમણે અત્યાર સુધી દગો દેનારા પાકિસ્તાન પર વહાલ વરસાવવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પને ચીનને નિયંત્રિત રાખવા ભારતીય ઉપખંડમાં કોઇ એક દેશની જરૂર છે. ભારતે ઝૂકવાનો ઇનકાર કરી દેતાં હવે અમેરિકાને જૂનો કહ્યાગરો સાથી પાકિસ્તાન યાદ આવ્યો છે અને ટ્રમ્પ તેના પર ઓળઘોળ થઇ રહ્યાં છે. ટ્રમ્પની વેપાર મિશ્રિત કૂટનીતિએ ભારતને ફરી અનુભવ કરાવી દીધો છે કે અમેરિકા કરતાં રશિયા પર વિશ્વાસ કરવો વધુ સારો છે. આમ તો ચીન પણ ભારત વિરોધી વલણ માટે જાણીતો છે. ઓપરેશન સિંદૂર સમયે ચીને પાકિસ્તાનને જે રીતે સમર્થન આપ્યું તે ભારત માટે ચિંતાજનક તો છે જ પરંતુ અમેરિકાની સામે ચીન જે રીતે રશિયા સાથે ધરી બનાવી રહ્યો છે તે જોતાં ભારતે રશિયાની પડખે રહેવાનું હિતાવહ સમજ્યું છે કારણ કે ભારત માટે રશિયા ગમે ત્યારે ચીનનું નાક દબાવી શકે છે.
આમ ભારતના કિસ્સામાં ટ્રમ્પ વેપારની સાથે કૂટનીતિક ગેમ રમી રહ્યાં છે. ટેરિફનો ભય બતાવી ભારતને વશમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભારત તેના રાષ્ટ્રીય હિતોના ભોગે વેપાર માટે અમેરિકા સામે ઝૂકી જાય તે શક્ય નથી. એ વાતમાં શંકા નથી કે ભારતીય બિઝનેસોને મોટું નુકસાન થઇ શકે છે પરંતુ તેનું જોખમ ઉઠાવવું જ રહ્યું. રાજા, વાજા અને વાંદરાની તર્જ પર કામ કરી રહેલા ટ્રમ્પ પર હવે વધુ વિશ્વાસ મૂકી શકાય તેમ નથી.


comments powered by Disqus