કવિ, વાર્તાકાર, એકાંકીકાર, નિબંધકાર, નવલકથાકાર અને ‘સંસ્કૃતિ’ જેવા સામયિકના તંત્રી ઉમાશંકર જોશીનો જન્મ ઇડર પાસે બામણા ગામમાં. માત્ર ગાંધીયુગના જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિ. પદ્યનાટક જેવું સ્વરૂપ પણ એમણે ખેડ્યું. જ્ઞાનપીઠ એવોર્ડવિજેતા. દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ અને પાર્લામેન્ટના સભ્ય હતા. (જન્મઃ 21-7-1911 • નિધનઃ 19-12-1988)
•
ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
•••