વડતાલધામઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામના શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના 59મા જન્મદિન નિમિતે 30 જુલાઇના રોજ નિજમંદિરમાં SGVP ગુરુકુળ અમદાવાદના પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી અમદાવાદના નિંબાર્ક પરિવારના યજમાનપદે રાજોપચાર પૂજન યોજાયું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર - વડતાલધામ આયોજિત શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે 30 જુલાઈના રોજ આચાર્ય મહારાજના જન્મદિન પ્રસંગે 130મી રવિસભા ભાવવંદના પર્વ તરીકે યોજાઈ હતી. આ પ્રસંગે વડતાલ, ગઢડા, જૂનાગઢ અને ધોલેરાના સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
130મી રવિસભાના વક્તાપદે બિરાજેલ વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીનું રાજોપચારના યજમાન ભાવેશભાઈ નિંબાર્ક અને સંતરસોઈના યજમાન કલ્પેશ રમણભાઈ પટેલ (વડોદરા) તથા મિલિન્દભાઈ પટેલે પૂજન કર્યું હતું. આ વર્ષે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી વર્ષ ઉજવાનાર છે ત્યારે ડો. સંતવલ્લભદાસજીએ આ સભામાં શિક્ષાપત્રી વિષે કથા કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું છે કે આ શિક્ષાપત્રી એ મારું વાગ્મય સ્વારૂપ છે. મારી વાણી તે મારું રૂપ છે તેવું માનજો. શિક્ષાપત્રીએ ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. તેઓએ ક્યારેય નેગેટિવ એપ્રોચ રાખ્યો નથી. હિન્દુ ધર્મના ઘણા લોકો સનાતન ચિન્હો માટે ક્ષોભ અનુભવે છે. કપાળમાં તિલક-ચાંદલો માથે શીખા એ આપણી સંસ્કૃતિ છે. ભગવાન શ્રી હરીએ સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રીએ માનવજીવનની મોટી તાકાત છે. ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે શિક્ષાપત્રીનું પાલન કરશે તે આલોક - પરલોકમાં મહાસુખિયા થશે.
આ પ્રસંગે ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી, સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી, બાપુસ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના કોઠારી દેવપ્રકાશસ્વામી વિગેરે સંતોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સંતસ્વામી, કોઠારી દેવપ્રકાશસ્વામી તથા ટ્રસ્ટી બોર્ડના સભ્યોએ આચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું.
આ પ્રસંગે અગ્રણી સંતો જ્ઞાનજીવનદાસજી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી, જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી-ગાંધીનગર, નીલકંઠચરણ સ્વામી-જેતપુર, બાલકૃષ્ણદાસજી સ્વામી-અમદાવાદ, નિત્યસ્વરૂપ સ્વામી-સરધાર, નૌતમપ્રકાશદાસજી સ્વામી-વડતાલ, રામદાસ સ્વામી-અમેરિકા સહિત વડતાલ જૂનાગઢ-ગઢડા અને ધોલેરા દેશના સંતો-મહંતોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

