અમેરિકા-સાઉદી અણુ કરારઃ મીડલ ઇસ્ટની કૂટનીતિનો મોટો જુગાર

Wednesday 29th July 2026 06:37 EDT
 

ઇરાન યુદ્ધની મધ્યે અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે તાજેતરમાં જ નાગરિક પરમાણુ કરારની જાહેરાત કરાઇ છે. આ કરાર મીડલ ઇસ્ટના જિઓપોલિટિક્સમાં છેલ્લા ઘણા દાયકાનો સૌથી નોંધપાત્ર બદલાવ ગણી શકાય. યુએસ એટોમિક એનર્જી એક્ટ અંતર્ગત પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરાયેલા આ કરારની જાહેરાત રિયાધ માટે નાગરિક પરમાણુ ઉર્જા કાર્યક્રમ શરૂ કરવાના પાયાસમાન છે. જોકે ટ્રમ્પની આ રાજદ્વારી પહેલ કેટલા અંશે સફળ રહે છે તે તો આગામી સમય જ બતાવશે કારણ કે ટ્રમ્પે સાઉદી સમક્ષ એક એવી માગ કરી દીધી છે જે સ્વીકારવા સાઉદીના શાસકો ક્યારેય તૈયાર થશે નહીં. ટ્રમ્પે કરાર માટે શરત મૂકી છે કે સાઉદી અરબ ઇઝરાયેલને સત્તાવાર માન્યતા આપે. આમ આ રાજદ્વારી પહેલ દ્વારા પરમાણુ અપ્રસારની સાથે સાથે મીડલ ઇસ્ટમાં સ્થિરતા અને શાંતિ માટે અત્યંત સંવેદનશીલ અને જોખમી જુગાર રમાઇ રહ્યો છે.
આ કરાર પાછળ અમેરિકાના મીડલ ઇસ્ટમાં રહેલા હિતો પણ અત્યંત મહત્વની ભુમિકા ભજવી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી સાઉદી અરબ ક્રુડ ઓઇલથી સમૃદ્ધ હોવા છતાં પરમાણુ ઉર્જાની દિશામાં આગળ વધવાના પ્રયાસો કરી રહ્યો છે. પશ્ચિમી નીતિ નિર્માતાઓની સૌથી મોટી ચિંતા એ છે કે જો તેઓ રિયાધને આ દિશામાં આગળ વધવામાં સહયોગ નહીં આપે તો ચીન અને રશિયા પરમાણુ માળખાકીય સુવિધાઓ ઓફર કરી મીડલ ઇસ્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી લેશે. સાઉદી અરબમાં બેઇજિંગ અને મોસ્કોના પ્રભાવને ટાળવા ટ્રમ્પે સાઉદી અરબની પરમાણુ મહત્વાકાંક્ષાને અમેરિકી ટેક્નોલોજી અને કુશળતા સાથે જોડી આવનારા દાયકાઓ માટે પશ્ચિમી સુરક્ષા અને આર્થિક ક્ષેત્ર સાથે સાંકળી લેવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
સાઉદી અરબ પણ આ કરાર દ્વારા એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઇરાનનો પરમાણુ કાર્યક્રમ સમગ્ર મીડલ ઇસ્ટના દેશો અને ઇઝરાયેલ માટે સંકટ સમાન છે. એકવાર નાગરિક પરમાણુ કાર્યક્રમ શરૂ થયા બાદ તેને પરમાણુ શસ્ત્રના કાર્યક્રમમાં તબદિલ કરી શકાય છે. જો સાઉદી પરમાણુ શસ્ત્ર હાંસલ કરી લે તો તેના કટ્ટર હરીફ ઇરાનની સાથે સાથે ઇઝરાયેલને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા પણ આપોઆપ આવી જાય. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે જો તેમનો પ્રાદેશિક હરીફ ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે તો સાઉદી અરેબિયા પણ તેવો જ માર્ગ અપનાવવા મજબૂર બનશે.
આમ આ પ્રસ્તાવિત કરારથી મીડલ ઇસ્ટ હવે એક નવી સ્થિતિમાં આવી ગયું છે. સાઉદીને પરમાણુ ટેકનોલોજી આપવાનો ઇઝરાયેલ પણ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે પરંતુ જો સાઉદી યુએઇની જેમ અબ્રાહમ કરારમાં સામેલ થઇ ઇઝરાયેલ સાથે હાથ મિલાવી લે તો ઇઝરાયેલ તેમાં સંમતિ આપે પણ ખરો... જોકે લાંબાગાળે પરમાણુ સંપન્ન સાઉદી ઇઝરાયેલ માટે મોટું જોખમ બની શકે તે બાબત ઇઝરાયેલના સત્તાધીશો માટે મોટી ચિંતાનું કારણ બની શકે છે. આમ આ જુગારથી મીડલ ઇસ્ટમાં કેવા બદલાવ આવશે, કોને કેટલો લાભ અને નુકસાન થશે તે તો આગામી સમય જ બતાવશે.


comments powered by Disqus